Thu Jun 18 2026

Logo

મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળા: સાઉદીમાં સૈન્ય ગોળો પડતા ભારતીય સહિત બેના મોત

Riyadh   2026-03-09 08:49:00
Author: Devayat Khatana
Article Image

રિયાધ: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિએ ખાડી દેશોમાં વસતા અન્ય દેશના નાગરિકો માટે ચિંતા જગાવી છે. સાઉદી અરેબિયાના અલ-ખર્જ ગવર્નરેટમાં રવિવારે એક સૈન્ય પ્રોજેક્ટાઇલ (ગોળો) રહેણાંક વિસ્તારમાં પડતા બે શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા અને અન્ય 12 લોકો ઘાયલ થયા હતા.

 સાઉદી સિવિલ ડિફેન્સના સત્તાવાર નિવેદન અનુસાર, મૃતકોમાં એક ભારતીય અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે. આ હુમલો એક જાળવણી અને સફાઈ કંપનીના રહેણાંક પર થયો હતો, જેના કારણે મિલકતોને પણ મોટું નુકસાન થયું છે. સાઉદી સત્તાવાળાઓએ આ ઘટનાને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું ઘોર ઉલ્લંઘન ગણાવી સખત નિંદા કરી છે.

મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે વધતા જતા તણાવને જોતા સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય સમુદાયમાં ચિંતાનો માહોલ છે. આ સ્થિતિમાં ભારતના રાજદૂતે ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. તેમણે તમામ ભારતીય નાગરિકોને દૂતાવાસ તરફથી પૂરતી મદદની ખાતરી આપી હતી અને મુશ્કેલ સમયમાં સાથે રહેવાનો ભરોસો આપ્યો હતો. ભારતીય મિશને સ્પષ્ટ કર્યું છે કે તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં સાઉદી અરેબિયામાં રહેતા તમામ ભારતીય નાગરિકોને અત્યંત સાવધ રહેવા, સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલ સુરક્ષા માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને દૂતાવાસના સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે. તાજેતરની પ્રાદેશિક અસ્થિરતાને ધ્યાનમાં રાખીને નાગરિકોને બિનજરૂરી જોખમ ન ખેડવા અને સતર્ક રહેવા જણાવાયું છે.