Thu May 21 2026

Logo

સ્પોર્ટ્સમૅનઃ અસરદાર ઓપનર ને મૅજિકલ મૅચ-વિનર: ભારતીય ક્રિકેટ ન્યાલ થઈ રહી છે

2026-04-11 09:20:00
Author: Ajay Motiwala
Article Image

 

અજય મોતીવાલા

એક તરફ પશ્ચિમ એશિયામાં ભીષણ યુદ્ધ થયું અને બીજી બાજુ એશિયામાં ક્રિકેટ જગતની સૌથી ફેમસ ક્રિકેટ-વૉર શરૂ થઈ ચૂકી છે જેમાં પીઢ, અનુભવી અને લેજન્ડ ગણાતા ખેલાડીઓ કરતાં યુવાનિયાઓ ધમાલ મચાવી રહ્યા છે. 15થી માંડીને 25 વર્ષ સુધીની ઉંમરના ખેલાડીઓ દેશભરના સ્ટેડિયમો ગજવી રહ્યા છે. દર વર્ષની માફક ફરી એક વાર ભારતીય સિલેક્ટરોને ટી-20, વન-ડે અને ટેસ્ટ ફૉર્મેટ માટે ટીમ નક્કી કરવા નવા-નવા વિકલ્પો મળશે અને તેમની આ સુખદ પરેશાની ભારતીય ક્રિકેટ માટે શુભ કહી શકાય. 

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) પછી રમાનારી આંતરરાષ્ટ્રીય સિરીઝો માટે પસંદગીકારો સામે વૈકલ્પિક ખેલાડીઓનું લાંબુંલચક લિસ્ટ પડ્યું હશે ત્યાં બીજી તરફ ખેલાડીઓમાં (ટીમ ઇન્ડિયામાં જગ્યા મેળવવા અથવા જાળવી રાખવા) તીવ્ર હરીફાઈ પણ જોવા મળશે.

બીજી નવાઈની વાત એ છે કે ભારતીય ક્રિકેટને આ વખતે મોટી સંખ્યામાં ભરોસાપાત્ર અને આક્રમક ઓપનિંગ બૅટ્સમેનો તેમ જ મૅચ-ફિનિશર્સ મળશે એ નક્કી છે. રાજસ્થાન રૉયલ્સ (આરઆર)નો લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી તાજેતરમાં જ 15 વર્ષનો થયો એટલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાલાયક થઈ ગયો છે. 

ભલભલા બોલર્સના મનમાં ભય પેદા કરવાની ક્ષમતા ધરાવતા વૈભવે તાજેતરમાં મુંબઈ ઇન્ડિયન્સના સૌથી ખતરારૂપ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સાથેની પહેલી જ ટક્કરમાં તેના પહેલા જ બૉલમાં અને પછી ચોથા બૉલમાં સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના હરીફ દેશોના બોલર્સને સંકેત આપી દીધો કે તે ઇન્ટરનૅશનલ ક્રિકેટના મેદાન પર ઊતરશે એટલે તમારા બધાનું આવી બનવાનું છે...ચેતી જજો!

18 વર્ષનો આયુષ મ્હાત્રે ઓપનિંગમાં અને વનડાઉનમાં સારું પર્ફોર્મ કરી શકે છે અને તાજેતરમાં જ ભારતની અન્ડર-19 ટીમને પોતાની શાનદાર કૅપ્ટન્સીથી જુનિયર વર્લ્ડ કપની ટ્રોફી અપાવ્યા પછી હવે આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને સારી સ્થિતિમાં લાવવા પ્રયત્નશીલ છે.

પંજાબ કિંગ્સ (પીબીકેએસ)નો 24 વર્ષનો ઓપનર પ્રિયાંશ આર્ય આ વખતે હજી બે મૅચ રમ્યો છે, પરંતુ 2025ની આઇપીએલમાં સેન્ચુરી ફટકારી ચૂકેલો આ ભરોસાપાત્ર બૅટ્સમૅન પણ મોડા વહેલો ભારતીય ટીમમાં જોવા મળશે તો આશ્ચર્ય નહીં થાય. પંજાબે ત્રીજી એપ્રિલે ચેન્નઈ સામે જે વિજય મેળવ્યો એનો પાયો પ્રિયાંશે સાથી-ઓપનર પ્રભસિમરન સિંહ સાથેની 61 રનની ભાગીદારીથી જ નાખી આપ્યો હતો. પચીસ વર્ષના પ્રભસિમરન વિકેટકીપર-બૅટ્સમૅન છે એટલે ભારતીય ટીમમાં એન્ટ્રી કરવાનું તેના માટે થોડું આસાન થઈ શકે એમ છે. જોકે ટીમ ઇન્ડિયા પાસે વિકેટકીપર-બૅટ્સમેનોની ભરમાર છે, પણ સિલેક્ટરો પ્રભસિમરનને વધુ એક વિકલ્પ તો ગણી જ શકે.

હજી બે દિવસ પહેલાં જ (ગુરુવારે) આઇપીએલને મુકુલ ચૌધરીના રૂપમાં નવો મૅચ-ફિનિશર મળ્યો. એક સમયે શ્રેષ્ઠ મૅચ-ફિનિશર્સમાં ગણાતો કોલકાતા નાઇટ રાઇડર્સનો રિન્કુ સિંહ ફીલ્ડિંગ કરતા કરતા લખનઊ સુપર જાયન્ટ્સના મુકુલ ચૌધરીને મૅચ-ફિનિશ કરતો જોઈ રહ્યો હતો. લખનઊને જીતવા 182 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો. 

16મી ઓવરને અંતે લખનઊનો સ્કોર 7/128 હતો અને રિષભ પંતની કૅપ્ટન્સીવાળી આ ટીમની જીતવાની સંભાવના નહીંવત હતી ત્યારે મુકુલ ચૌધરી નામના નવા મૅચ-ફિનિશરનો `જન્મ' થયો અને તેણે 27 બૉલમાં અણનમ 54 રનની અદ્ભુત ઇનિંગ્સની મદદથી લખનઊને છેલ્લા બૉલે જિતાડી દીધું હતું. એમએસ ધોનીનો ચાહક મુકુલ મૅચ-ફિનિશર બને એમાં કોઈ શંકા નથી, કારણકે ખુદ ધોની ક્રિકેટ જગતને મળેલો સર્વશ્રેષ્ઠ મૅચ-ફિનિશર છે.

દિલ્હી કૅપિટલ્સનો સમીર રિઝવી પણ આઇપીએલમાં વધુ ચમક્યા પછી ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટેની કતારમાં ઊભેલો ગણાશે. પહેલી એપ્રિલે તેણે દિલ્હી કૅપિટલ્સ સામે અણનમ 70 રન અને ચોથી એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સ સામે 90 રનની ઇનિંગ્સથી દિલ્હીને યાદગાર વિજય અપાવ્યો હતો. આઇપીએલમાં ઉપરાઉપરી ત્રણ મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ જીતીને વીરેન્દર સેહવાગ, વિરાટ કોહલી જેવા દિગ્ગજોની હરોળમાં આવી ગયેલા સમીરને પણ ભારતીય સિલેક્ટરો ધ્યાનમાં રાખશે જ.

કોલકાતા નાઇટ રાઇડર્સનો 21 વર્ષની ઉંમરનો વનડાઉન બૅટ્સમૅન અંગક્રિશ રઘુવંશી પણ ભારતના અનકૅપ્ડ ખેલાડીઓ (દેશ વતી આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યા હોય એવા ખેલાડી) યુવાન સ્ટાર પ્લેયરની કતારમાં છે. જેણે આ વખતની આઇપીએલમાં ચારમાંથી ત્રણ મૅચમાં 45 કે એનાથી વધુ રન કર્યા હોય એ ભારતીય સિલેક્ટરોની નજરની બહાર રહી જ ન શકે અને તે પણ મોડા વહેલો ભારતની ટી-20 કે વન-ડે ટીમમાં જોવા મળશે.

આઇપીએલની એક સીઝન રમવાના પંદરથી પચીસ કરોડ રૂપિયા મેળવતા પીઢ ખેલાડીઓ આ વખતે ખાસ કંઈ ચમક્યા નથી ત્યારે 50 લાખથી ત્રણ કરોડ રૂપિયા મેળવતા નવયુવાનો આ વખતની આઇપીએલ ગજવી રહ્યા છે. ઘણા વિદેશી ખેલાડીઓ આ વખતે ઈજા અથવા અંગત કારણસર આઇપીએલમાં નથી આવ્યા ત્યારે ભારતના યુવાનોને રમવાની વધુ તક મળી રહી છે એ ભારતીય ક્રિકેટ માટે છૂપા આશીર્વાદ જ કહેવાય.                                                               

14.20 કરોડ રૂપિયાવાળા બે યુવાન ખેલાડી પર નજર

પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમ 2025ની આઇપીએલમાં ફક્ત આઠ પૉઇન્ટ સાથે સાવ તળિયે (10મા નંબરે) હતી અને આ વખતે એણે હજી ખાતું પણ નથી ખોલાવ્યું, ત્રણેય મૅચ હારી ગયા પછી તળિયે છે અને હવે બાકીની 11 લીગ મૅચોમાં તેની આકરી કસોટી થશે. રસપ્રદ વાત એ છે કે તમિળનાડુના ઉદ્યોગપતિ એન. શ્રીનિવાસનના આ ફ્રૅન્ચાઇઝીએ બે યુવાન ખેલાડીઓને એકસરખા ભાવે (14.20 કરોડ રૂપિયા)માં ખરીદ્યા છે.

સ્પિન-ઑલરાઉન્ડર પ્રશાંત વીર ન્યાલ થઈ ગયો છે. ચેન્નઈનું ફ્રૅન્ચાઇઝી તેને આ સીઝન રમવાના 14.20 કરોડ રૂપિયા આપશે. હજી સુધી તો તેણે બે મૅચમાં અણનમ છ રન અને 43 રન કર્યા છે. વિકેટકીપર-બૅટ્સમૅન કાર્તિક શર્માને પણ 14.20 કરોડ રૂપિયા મળવાના છે. જોકે તે ત્રણ મૅચમાં અનુક્રમે માત્ર 18, 1 અને 6 રન કરી શક્યો છે.