Sun Oct 04 2026

Logo

ઈન્ડિયન એરફોર્સની તાકાત વધશે: 811 કરોડના ખર્ચે ખરીદાશે 160 સેટેલાઈટ સ્માર્ટ હથિયારો

2026-09-23 20:50:51
Author: Mumbai Samachar Team
ઈન્ડિયન એરફોર્સની તાકાત વધશે: 811 કરોડના ખર્ચે ખરીદાશે 160 સેટેલાઈટ સ્માર્ટ હથિયારો

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેનાને 160 સેટેલાઇટ સ્માર્ટ એન્ટિ-એરફિલ્ડ વેપન્સ (એસએટી-એસએએડબલ્યૂ) અને સંબંધિત પાર્ટ્સ પૂરા પાડવા માટે સરકારની સંરક્ષણ કંપની ભારત ડાયનેમિક્સ લિમિટેડ (બીડીએલ) સાથે 811 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઓર્ડર દેશમાં સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવાના સરકારના પ્રયાસોનો એક ભાગ છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એસએટી-એસએએડબલ્યૂ એ હવામાંથી જમીન પર પ્રહાર કરતો ગ્લાઈડ બોમ્બ છે જેને જગુઆર, હોક અને સુખોઈ-30 એમકેઆઈ જેવા વિમાનોમાંથી લોન્ચ કરી શકાય છે. તેમાં દુશ્મનના એરફિલ્ડ્સને લાંબા અંતરેથી બેકાર કરવાની ક્ષમતા છે. એસએટી-એસએએડબલ્યૂની ડિલિવરી 2027-28 અને 2028-28 વચ્ચે થશે.

મંત્રાલયે કહ્યું હતું કે, "તેનો સમાવેશ થવાથી ભારતીય વાયુસેનાની કોઈ પણ અડચણ વિના કામગીરી ચાલુ રાખવાની ક્ષમતા ચોક્કસપણે વધશે અને દેશની સંરક્ષણ સજ્જતા મજબૂત થશે." સ્વદેશી રીતે ડિઝાઈન કરેલ, વિકસિત અને ઉત્પાદિત' શ્રેણી હેઠળ ભારતીય વાયુસેના માટે 160 એસએટી-એસએએડબલ્યૂ અને સંબંધિત સાધનોની ખરીદી માટે બીડીએલ સાથેનો 811 કરોડ રૂપિયાનો કરાર દિલ્હીમાં સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં કરવામાં આવ્યો હતો.

મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, "ડીઆરડીઓ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઈન અને વિકસિત આ સિસ્ટમમાં 60 ટકા સ્વદેશી સામગ્રી હશે. ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે 'આત્મનિર્ભરતા'ને વધુ વેગ આપવા માટે 'ઇનિશિયલ મેઝરમેન્ટ યુનિટ', 'લોંગ ઇમ્પેક્ટ ડીલે ફ્યૂઝ' અને 'ટ્વિન સ્ટોર કેરિયર' જેવી સબ-સિસ્ટમ્સનું પણ સ્વદેશીકરણ કરવામાં આવશે."