Thu Jun 18 2026

Logo

હવે ટીમમાં અભિષેકનું સ્થાન સૅમસનને મળશે કે નહીં? ટીમ ઇન્ડિયા સામે સૌથી મોટો સવાલ...

2026-02-24 16:32:24
Author: Ajay Motiwala
Article Image

ચેન્નઈઃ ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ (SUPER EIGHT)રાઉન્ડમાં ભારતનો આગામી મુકાબલો ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વે સામે થશે અને એ પહેલાં ટીમ ઇન્ડિયા સામે સૌથી મોટો સવાલ એ છે કે ખરાબ ફૉર્મમાં પણ રમાડવામાં આવી રહેલા લેફ્ટ-હૅન્ડ ઓપનર અભિષેક શર્માના સ્થાને હવે આ મૅચમાં રાઇટ-હૅન્ડ સંજુ સૅમસનને રમવાનો મોકો અપાશે કે નહીં?

ગુરુવારની મૅચ માટે ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે કે નહીં? અને ભારતીય ટીમને હવે સેમિ ફાઇનલમાં પહોંચવાનો કેટલો ચાન્સ છે? એ બે સવાલ અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે. અભિષેક શર્મા આ વર્લ્ડ કપમાં સતત ત્રણ મૅચમાં શૂન્યમાં આઉટ થયો અને પછી ચોથી મૅચમાં (રવિવારે સાઉથ આફ્રિકા સામે) માત્ર 15 રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો ત્યાર બાદ હવે સૅમસનને તેના સ્થાને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવામાં આવશે કે નહીં? એ સવાલનો જવાબ ગુરુવારની મૅચ પહેલાં જ મળી જશે.

અભિષેક (ABHISHEK) પેટની ખરાબીને કારણે જે એક મૅચ આ વિશ્વ કપમાં નહોતો રમ્યો એમાં સૅમસન (SAMSON)ને રમવાની તક મળી હતી અને એમાં તે બાવીસ રન કરીને આઉટ થઈ ગયો હતો. જોકે હવે જ્યારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે `કરો યા મરો'ની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પણ શું અભિષેકને રમાડતા રહેવાની નીતિ અપનાવાશે? એવો સવાલ સોશ્યલ મીડિયામાં પૂછવામાં આવી રહ્યો છે.

હવે ભારતે ગુરુવારે ઝિમ્બાબ્વે સામે અને રવિવારે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સારા માર્જિનથી જીતવું જ પડશે એ સ્થિતિમાં એવું મનાય છે કે ટીમ મૅનેજમેન્ટ હવે પ્લેઇંગ ઇલેવનમાં સૅમસનને સમાવવા પર ગંભીરતાથી વિચારી રહ્યું છે. આ સંદર્ભમાં માત્ર ફૉર્મ નહીં, પણ રણનીતિ પણ એક કારણ છે. ભારતનો ટૉપ-ઑર્ડર ખાસ કરીને લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેનોથી ભરેલો છે જેનો લાભ હરીફ ટીમો ઑફ-સ્પિન બોલિંગ દ્વારા વધુ લઈ રહી છે ત્યારે સૅમસનના રૂપમાં રાઇટ-હૅન્ડ બૅટ્સમૅનને સમાવીને હરીફોની રણનીતિને નુકસાન પહોંચાડવા વિશે પણ વિચારાઈ રહ્યું છે.