Thu Jun 18 2026

Logo

ટીમમાંથી બાદબાકી થવાની અટકળો વચ્ચે અભિષેક શર્માની ગર્જના, ‘જો બોલે સો નિહાલ'

2026-02-21 11:48:00
Author: Ajay Motiwala
Article Image

અમદાવાદ: ટી-20 વર્લ્ડ કપમાં ઓપનર અભિષેક શર્મા પેટની બીમારીને કારણે એક લીગ મૅચ નહોતો રમ્યો અને બાકીની ત્રણેય મૅચમાં તે ઝીરોમાં આઉટ થઈ જતાં એવી અટકળો થઈ રહી છે કે રવિવારે અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામેની સુપર-એઇટની મૅચ (સાંજે 7.00 વાગ્યાથી)માંથી તેને કદાચ પડતો મૂકવામાં આવશે. જોકે ટીમ માટે મોટી ચિંતાનો વિષય બની ગયેલા અભિષેકે શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમ્યાન સાથી ખેલાડીઓને જોશ અપાવતી જે સ્પીચ આપી એના પરથી એવું ધારવામાં આવી રહ્યું છે કે અભિષેકને ડ્રોપ નહીં કરવામાં આવે, ઊલટાનું તે અગાઉ જેવું ધમાકેદાર રમવા માટે જરૂરી જોશમાં ફરી આવી ગયો છે.

બોલિંગ-કોચ મોર્કલે વ્યક્ત કરી ચિંતા

ટીમ ઇન્ડિયાના સાઉથ આફ્રિકન બોલિંગ-કોચ મોર્ની મોર્કલે શુક્રવારે અમદાવાદ (Ahmedabad)માં પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન કહ્યું હતું કે 'અમારી ટીમ કેટલાક ખેલાડીઓના ફોર્મની બાબતમાં ચિંતિત છે અને ફીલ્ડિંગમાં પણ સુધારો લાવવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.'

 

અભિષેકને એક સારી શરૂઆતની જ જરૂર : મોર્કલ

અમેરિકા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામેની મૅચમાં શૂન્યમાં આઉટ થનાર અભિષેક (Abhishek Sharma) વિશે મોર્કલે કહ્યું, ' અભિષેક વર્લ્ડ ક્લાસ ખેલાડી છે અને તેને ફરી એક સારી શરૂઆતની જ જરૂર છે.'

અભિષેકે સાથીઓને પણ જોશ અપાવ્યો

અભિષેક ખુદ હતાશ હશે, પરંતુ શુક્રવારે અમદાવાદના મેદાન પર તેણે હડલમાં ઊભેલા સાથી ખેલાડીઓને જોશ અપાવતી સ્પીચ આપી હતી અને છેલ્લે બોલ્યો, 'બોલે સો નિહાલ'. અભિષેક આ બોલ્યો ત્યાર બાદ તમામ સાથી ખેલાડીઓએ 'સત શ્રી અકાલ' બોલીને ટીમની જબરદસ્ત એકતાની ઝલક આપી હતી.
 

અભિષેકની સ્પીચ વખતે ઈશાન કેમ હસી રહ્યો હતો?

શુક્રવારે અમદાવાદના પ્રેક્ટિસ સેશન દરમ્યાન હતાશામાં પણ જુસ્સો બતાવનાર અભિષેક જ્યારે સ્પીચ આપી રહ્યો હતો ત્યારે તેની બાજુમાં જ ઊભેલો ઈશાન કિશન મરક મરક હસી રહ્યો હતો. ખુદ ઇશાન પણ થોડું ફોર્મ ગુમાવી બેઠો છે. જોકે અભિષેકના નિવેદનો પર કિશન હસતો રહ્યો એ વિશે સોશ્યલ મીડિયામાં ક્રિકેટ પ્રેમીઓ નિતનવી અટકળો કરી રહ્યા છે. જોકે હેડ-કોચ ગૌતમ ગંભીર પણ પોતાનું હસવું રોકી નહોતો શક્યો.

ભારતની સ્કવૉડમાં કોણ કોણ છે?

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રિન્કુ સિંહ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ.