Fri Apr 17 2026

Logo

મને એવા લોકોની ચિંતા છે જેઓ અભિષેક વિશે ચિંતા કરી રહ્યા છેઃ સૂર્યકુમાર....

2026-02-21 19:51:40
Author: Ajay Motiwala
Article Image

PTI


અમદાવાદઃ ભારતના ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) અહીં રવિવારની સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપ સુપર-એઇટ રાઉન્ડની પ્રથમ મૅચ (સાંજે 7.00 વાગ્યાથી) અગાઉની પત્રકાર પરિષદમાં ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma)ની નબળા ફૉર્મ વિશેના ધાર્યા મુજબના સવાલના જવાબમાં વ્યંગાત્મક અને રમૂજી જવાબ આપ્યો હતો.

અભિષેક શર્મા વર્લ્ડ કપની જે ત્રણ લીગ મૅચ રમ્યો એ ત્રણેયમાં શૂન્યમાં આઉટ થયો હતો એમ છતાં તેણે અગાઉના દમદાર પર્ફોર્મન્સને કારણે ટી-20ના બૅટ્સમેનોમાં વર્લ્ડ નંબર-વનની રૅન્ક જાળવી રાખી છે. સૂર્યકુમારને અભિષેકની ઝીરોની હૅટ-ટ્રિક વિશે પૂછાયું ત્યારે તેણે કહ્યું, `અભિષેકના બૅટિંગ ફૉર્મ વિશે મારે એટલું જરૂર કહેવું છે કે મને એવા લોકો વિશે ચિંતા થાય છે જેઓ અભિષેકના ફૉર્મ વિશે ચિંતિત છે. હું પૂછવા માગું છું કે તેઓ શા માટે અભિષેકના ફૉર્મ બાબતમાં ચિંતા કરી રહ્યા છે?'

અભિષેક પ્રત્યે અમારા સૌની ફરજઃ સૂર્યા

સૂર્યકુમારે અભિષેક વિશે ભાવનાત્મક ટિપ્પણી પણ કરી હતી જેમાં તેણે કહ્યું, `ગયા વર્ષે અભિષેકે આપણને ઘણી વખત બહુ સારી જીત અપાવી હતી અને હવે તેના કપરા સમયમાં તેને નૈતિક ટેકો આપવાની આપણી સૌની ફરજ છે.' ખુદ સૂર્યકુમાર એક વર્ષથી ફૉર્મમાં નહોતો અને તેણે પોતાના અનુભવને ધ્યાનમાં રાખીને અભિષેક વિશે ભાવુક થઈને પત્રકારોને જવાબ આપ્યો હતો.

PTI

અભિષેક પાસે નૅચરલ ગેમની અપેક્ષા

અભિષેક સાથે હેડ-કોચ ગૌતમ ગંભીરે પણ ઘણી ચર્ચા કરી છે. અભિષેક નૅચરલ ગેમ રમે અને એ રીતે પાછો ફૉર્મમાં આવે એ જરૂરી છે. સૂર્યકુમારે એવું પણ કહ્યું હતું કે `અમારી ટીમ અભિષેક પાસેથી અમુક પ્રકારનો અભિગમ (નૅચરલ ગેમ) ઇચ્છે છે અને તે એ અભિગમમાં પાછા આવવાની કોશિશ કરી જ રહ્યો છે. અમે બધા ઇચ્છીએ છીએ કે તે બૅટિંગમાં તેની અસલ ઓળખ ન ગુમાવે. તે જો એમાં સફળ ન થતો હોય તો તેને નૈતિક જુસ્સો અપાવવા અમે બધા તેની પડખે છીએ જ.'

અભિષેકને નમાવવા માર્કરમે કરી આ ખાસ પ્રકારની પ્રૅક્ટિસ

અભિષેક શર્મા અમેરિકા સામેની મૅચમાં પેસ બોલર અલી ખાનના બૉલમાં ઝીરો પર વિકેટ ગુમાવી બેઠો હતો, પરંતુ ત્યાર બાદ પાકિસ્તાન અને નેધરલૅન્ડ્સ સામે તેણે ઑફ બે્રક સ્પેશ્યાલિસ્ટ અનુક્રમે સલમાન આગા અને આર્યન દત્તના બૉલમાં શૂન્યમાં વિકેટ ગુમાવી હતી. રવિવારે અમદાવાદમાં ભારતની મૅચ સાઉથ આફ્રિકા સામે છે અને એના કૅપ્ટન એઇડન માર્કરમે શનિવારે અમદાવાદમાં ખાસ પ્રકારની પ્રૅક્ટિસ કરી હતી. માર્કરમ પણ ઑફ બે્રક સ્પેશ્યાલિસ્ટ છે. તેણે પ્લાસ્ટિકનું એક શંકુ (કોન) ઑફ સ્ટમ્પ અને બીજું શંકુ લેગ સ્ટમ્પ પર રખાવ્યું હતું અને એને નિશાન બનાવવાની પ્રૅક્ટિસ કરી હતી.