Thu Jun 18 2026

Logo

પછડાટ પછી પણ ભારતને સેમિ ફાઈનલનો હજી મોકો: જાણો, કેવી રીતે...

2026-02-23 12:33:00
Author: Ajay Motiwala
Article Image

અમદાવાદ: ટી-20 ફોર્મેટના વર્લ્ડ નંબર-વન ભારતે રવિવારે અમદાવાદ (Ahmedabad)માં 90,954 પ્રેક્ષકની હાજરીમાં પાંચમા નંબરના સાઉથ આફ્રિકા સામે અણધારી જોરદાર પછડાટ ખાધી ત્યાર પછી હવે કરોડો ભારત તરફી ક્રિકેટ પ્રેમીઓ વિચારતા હશે કે સેમિ ફાઇનલમાં પહોંચવાનો ટીમ ઇન્ડિયાને સુપર-એઇટ રાઉન્ડમાં હજી કેટલો મોકો છે? આ ટૂર્નામેન્ટમાં સૂર્યકુમારની ટીમ પહેલી જ વખત હારી, પરંતુ આ ટીમ હજીયે કમબૅક કરીને સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે.

અમદાવાદમાં આબરૂ ગઈ, વિજયરથ અટક્યો 

15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારતે પાકિસ્તાનને ફક્ત 114 રનમાં આઉટ કરીને જે રીતે 61 રનથી જવલંત વિજય મેળવ્યો હતો એવું રવિવાર, 22મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં સાઉથ આફ્રિકાએ ભારત સાથે કર્યું જેમાં એણે ટીમ ઇન્ડિયાનો દાવ 111 રન પર રોકીને 76 રનથી મૅચ જીતી લીધી હતી. ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં છેલ્લી 12 મેચ જીતી હતી, પરંતુ રવિવારે એ વિજયરથ અટકી ગયો.

ભારત સારું કમબૅક કરી શકશે

સાઉથ આફ્રિકા (South Africa)એ પ્રથમ બૅટિંગ લઈને 20 ઓવરમાં સાત વિકેટે 187 રન કર્યા હતા જેમાં મૅન ઑફ ધ મૅચ ડેવિડ મિલરના 63 રન, ડેવાલ્ડ બ્રેવિસના 45 રન અને ટ્રિસ્ટેન સ્ટબ્સના અણનમ 44 સામેલ હતા. બુમરાહે ત્રણ વિકેટ અને અર્શદીપે બે વિકેટ લીધી હતી. ભારત (India)નો દાવો 18.5 ઓવરમાં ફક્ત 111 રનમાં સમેટાઈ ગયો હતો જેમાં શિવમ દુબેના 42 રન હાઈએસ્ટ હતા. માર્કો યેનસેને ચાર, કેશવ મહારાજે ત્રણ, કોર્બીન બોશ્ચે બે અને એઇડન માર્કરમે એક વિકેટ લીધી હતી. જોકે વિશ્વની અવ્વલ ક્રમની ભારતીય ટીમ આ આઘાત દૂર કરીને ફરી વિજયપથ પર આવી શકે છે અને એ માટે ભારતીય ટીમે થોડા સંઘર્ષનો સામનો પડશે.

ભારત હવે કેવી રીતે સેમિમાં પહોંચી શકે?

(1) સુપર-એઇટ રાઉન્ડમાં ભારતની હવે ગુરૂવાર, 26મી ફેબ્રુઆરીએ ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામે મૅચ (સાંજે 7.00 વાગ્યાથી) છે. ભારતે આ મૅચ જીતવી જ પડશે.
(2) ભારતે રવિવાર, પહેલી માર્ચે કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમનારી મૅચ પણ જીતવી પડશે.
(3) ગ્રૂપ-1માં જો ભારતના બીજી કોઈ ટીમ સાથે એકસરખા પોઇન્ટ હશે તો એ ટીમમાંથી જે ટીમે સૌથી વધુ જીત મેળવી હશે એ સેમિમાં જશે.
(4) એમ છતાં પણ જો બે ટીમના પોઇન્ટ અને જીતેલી મૅચની સંખ્યા એકસરખી હશે તો નેટ રનરેટ પરથી ફેંસલો લાવવામાં આવશે. એ બધામાંથી જેનો રનરેટ સૌથી સારો હશે એ સેમિમાં જશે.
(5) નેટ રનરેટ ધ્યાનમાં લીધા પછી પણ જો કોઈ બે ટીમની સ્થિતિ એકસરખી હશે તો એ બે ટીમના હેડ-ટુ-હેડ રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવશે અને એમાં સૌથી વધુ પોઇન્ટ તથા ચડિયાતો રનરેટ ધરાવતી ટીમ સેમિમાં જશે.
(6) આમ છતાં જો બે ટીમ એકસરખી સ્થિતિમાં હશે તો છ ફેબ્રુઆરી, 2026ના રોજ આઈસીસી વર્લ્ડ રેન્કિંગમાં જે ટીમ ચડિયાતી રેન્કમાં હશે એને સેમિમાં મોકલવામાં આવશે.