ચેન્નઈઃ ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ભારત (INDIA) રવિવારે અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે 76 રનના મોટા માર્જિનથી હાર્યું અને સોમવારે વાનખેડેમાં વેસ્ટ ઇન્ડિઝે ઝિમ્બાબ્વેને 107 રનના વિક્રમજનક માર્જિનથી હરાવ્યું એટલે ક્રિકેટપ્રેમીઓમાં સવાલ થઈ રહ્યો છે કે ભારતને સેમિમાં જવાની હવે તક છે ખરી?
આ રાઉન્ડના બન્ને ગ્રૂપમાંથી ટોચની બે-બે ટીમ સેમિ ફાઇનલ (SEMI FINAL)માં જવાની છે. સોશ્યલ મીડિયાથી માંડીને ગૂગલ સુધી, લોકો ખાસ એક સવાલ પર જવાબ સર્ચ કરી રહ્યા છે કે ભારત હવે સેમિ ફાઇનલમાં પહોંચી શકશે કે નહીં? વિવિધ વેબસાઇટો અને સમગ્ર મીડિયામાં આપવામાં આવેલા વિશ્લેષણો પરથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પાસે પણ ક્રિકેટપ્રેમીઓ આ સવાલનો જવાબ માગી રહ્યા છે.
સૌથી પહેલાં તો જણાવી દેવાનું કે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત આ વખતના વર્લ્ડ કપમાં તો શું, ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસની છેલ્લી 12 મૅચ બાદ રવિવારે પહેલી વખત હાર્યું ખરું, પણ હજી વિશ્વ કપની બહાર નથી થયું અને આશા રાખીએ કે બહાર ન થાય. હા, ભારતનો પથ હવે મુશ્કેલ જરૂર થઈ ગયો છે. સાઉથ આફ્રિકાએ ભારતને હરાવીને તો ઠીક, પણ વેસ્ટ ઇન્ડિઝે ઝિમ્બાબ્વે સામે જીતીને ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધારી છે.

રવિવારની હારને પગલે ભારતનો નેટ રનરેટ -3.800 છે. ભારત પોતાના ગ્રૂપમાં ત્રીજા સ્થાને છે, જ્યારે વેસ્ટ ઇન્ડિઝ (+5.350) અને સાઉથ આફ્રિકા (+3.800)નો રનરેટ ભારત કરતાં ક્યાંય ચડિયાતો છે. બન્ને ટીમને રનરેટમાં પાછળ મૂકવાનું ભારત માટે અશક્ય છે. સુપર-એઇટમાં ભારત અને ઝિમ્બાબ્વે (-5.350) પોતપોતાની પ્રથમ મૅચ હાર્યા છે, જ્યારે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ એક-એક મૅચ જીત્યા છે. ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓએ હવે પ્રાર્થના કરવાની કે સાઉથ આફ્રિકા અથવા વેસ્ટ ઇન્ડિઝમાંથી કોઈ એક ટીમ પોતાની બાકીની બન્ને મૅચ હારી જાય. એવું થશે તો ટીમ ઇન્ડિયા આસાનીથી સેમિમાં જશે. વેસ્ટ ઇન્ડિઝે હવે સાઉથ આફ્રિકા સામે અને ભારત સામે રમવાનું છે, જ્યારે સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝ ઉપરાંત ઝિમ્બાબ્વેનો સામનો કરવાનો છે.
વેસ્ટ ઇન્ડિઝ જો ગુરુવારે અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે હારી જશે અને પછી રવિવારે ભારત પણ કૅરિબિયનોને હરાવશે તો તેમના (કૅરિબિયનોના) માત્ર બે પૉઇન્ટ રહેશે. હા, વેસ્ટ ઇન્ડિઝ જો સાઉથ આફ્રિકા સામે જીતી જશે તો ભારતનો રાહ મુશ્કેલ થઈ જશે. ભારત ગુરુવારે ચેન્નઈમાં ઝિમ્બાબ્વેને અને રવિવારે કોલકાતામાં કૅરિબિયનોને હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી શકશે. જોકે વેસ્ટ ઇન્ડિઝ જો સાઉથ આફ્રિકા સામે જીતશે, પણ ભારત સામે હારી જશે તો પણ ચાર પૉઇન્ટ અને સારા રનરેટને આધારે કૅરિબિયનો સેમિમાં પહોંચી શકશે. સાઉથ આફ્રિકા હવે ગુરુવારે વેસ્ટ ઇન્ડિઝને અથવા રવિવારે દિલ્હીમાં ઝિમ્બાબ્વે સામે જીતશે તો પણ (બેમાંથી એક મૅચ જીતીને પણ) ચાર પૉઇન્ટ સાથે સેમિમાં જઈ શકશે.
ટૂંકમાં, આ ગ્રૂપની ચારેય ટીમને સેમિમાં જવાની તક છે. ખાસ કરીને ભારતે સારા રનરેટથી બન્ને મૅચ જીતવી પડશે. એક ગણતરી મુજબ ભારતે ઝિમ્બાબ્વે સામેની ગુરુવારની મૅચમાં લક્ષ્યાંક 10-12 ઓવરમાં ચેઝ કરવો પડશે અને ટાર્ગેટ ડિફેન્ડ કરતી વખતે ભારતે 100 રનના માર્જિનથી મોટી જીત મેળવવી પડશે.