નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી એક ચર્ચા ચાલી રહી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે બંધબારણે કોઈ ગૃપ બેઠકો થઈ રહી છે. પરંતુ આ દાવામાં કેટલી હકીકત છે? શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ભારત અને પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હોવાના દાવા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ અટકળો તેજ બની હતી. હવે આ સમગ્ર વિવાદ અને દાવાઓ પર ભારત સરકાર દ્વારા સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.
ખાનગી કાર્યક્રમોને સત્તાવાર ગણી શકાય નહીં
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ મામલે સરકારનો પક્ષ રાખતા જણાવ્યું છે કે, તેઓ આ પ્રકારના મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયાના દાવાઓથી વાકેફ છે. બેઠકોના દાવા અંગે વાત કરતા કહ્યું કે, વિશ્વભરમાં અલગ-અલગ સ્થળોએ વિવિધ વિષયો પર આવા અનેક કાર્યક્રમો સતત યોજાતા રહે છે. આમાં કંઈ નવું કે આશ્ચર્યજનક નથી. જ્યાં સુધી અમારો સંબંધ છે, આ માત્ર ખાનગી પક્ષો દ્વારા આયોજિત ખાનગી કાર્યક્રમો છે. જો ભારત સરકારના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, આ પ્રકારની બેઠકો કે મુલાકાતોમાં સરકારની કોઈ સત્તાવાર ભાગીદારી હોતી નથી’. તેનો અર્થ એ છે કે, આ બેઠકો સાથે ભારત સરકારને કોઈ લેવા દેવા હોતું નથી. એ કાર્યક્રમો ખાનગી સંસ્થાઓ અને લોકો દ્વારા કરવામાં આવતા હોય છે.
#WATCH | Victoria, Seychelles: On being asked about Track 2 India-Pakistan dialogue in Colombo, Foreign Secretary Vikram Misri says, "I have seen the reports. I am aware of them. Dozens of these kinds of events take place in dozens of places around the world on a whole variety of… pic.twitter.com/Z54aCxbTUr
— ANI (@ANI) June 29, 2026
નિવૃત્ત અધિકારીઓ સરકારના પ્રતિનિધિઓ નથી
વિક્રમ મિસરીએ વધુમાં વિગત આપતા જણાવ્યું હતું કે આવા આંતરરાષ્ટ્રીય સેમિનાર કે કાર્યક્રમોમાં ભારતમાંથી જે પણ લોકો ભાગ લે છે, તેઓ પોતાની વ્યક્તિગત ક્ષમતાના આધારે જાય છે. આવા કાર્યક્રમોમાં ભાગ લેનારા નિવૃત્ત રાજદ્વારી, સેનાના નિવૃત્ત અધિકારીઓ કે સિવિલ સોસાયટીના સભ્યો પોતાના વ્યક્તિગત વિચારો અને દ્રષ્ટિકોણ રજૂ કરે છે. તેઓ કોઈ પણ રીતે ભારત સરકારના સત્તાવાર અભિગમ કે દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરતા નથી અને કરી પણ ન શકે!
ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, સરકાર આવા બિન-સત્તાવાર અને ખાનગી કાર્યક્રમો પર બિલકુલ ધ્યાન આપતી નથી અને સરકારની નજરમાં આ પ્રકારની બેઠકોનું કોઈ ખાસ રાજદ્વારી મહત્વ નથી. આ નિવેદન સાથે જ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે સત્તાવાર સ્તરે સંબંધો સુધારવા અંગે હાલ કોઈ જ વાતચીત ચાલી રહી નથી.