Wed Sep 02 2026

Logo

હવામાન વિભાગની મોટી આગાહી: દેશના અનેક રાજ્યોમાં ગરમીથી મળશે રાહત, જાણો ક્યાં પડશે વરસાદ

2026-05-20 20:13:16
Author: Mumbai Samachar Team
હવામાન વિભાગની મોટી આગાહી: દેશના અનેક રાજ્યોમાં ગરમીથી મળશે રાહત, જાણો ક્યાં પડશે વરસાદ

ઉત્તર ભારતમાં હીટવેવ યથાવત રહેશે, જ્યારે પૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

નવી દિલ્હીઃ પરસેવા છોડાવી દેનારી ગરમી વચ્ચે દેશના હવામાન વિભાગે રાહત આપતા સમાચાર આપ્યા છે. આવતીકાલે (21 મે 2026)થી વાતાવરણમાં પલટો આવે એવી શક્યતાઓ છે. ઉત્તર ભારતના રાજ્ય પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હીમાં હીટવેવ યથાવત્ રહેશે, જ્યારે પશ્ચિમ પ્રાંતમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશના પશ્ચિમ પ્રાંતમાં હજું ગરમી ભુક્કા બોલાવશે. મહારાષ્ટ્રની વાત કરીએ તો વિદર્ભ સહિત નાગપુર અને મુંબઈના કેટલાક વિસ્તારમાં ગરમી યથાવત રહી શકેછે. રાજ્યની વાત કરીએ તો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, તેલંગણા, ઓડિશા અને આંધ્ર પ્રદેશ (કોસ્ટલ એરિયા)માં હીટવેવ હજુ બે દિવસ સુધી રહેશે. 

તાપમાન ઘટશે પણ બફારો યથાવત્
મહારાષ્ટ્રના મહાનગરમાં તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે પણ અન્ય રાજ્યના વાતાવરણમાં ખાસ કોઈ ફેરફાર જોવા નહીં મળે. પરિસ્થિતિ એવી છે કે, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, અને નોઈડા સુધીના પ્રાંતના રાત્રીના સમયે પણ બફારો અનુભવાય છે. 

વિદર્ભ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઓડિશા, તેલંગણા અને આંધ્ર પ્રદેશના કિનારાના પ્રદેશમાં બફારો વધશે, જ્યારે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવા વરસાદની પૂરી શક્યતાઓ છે. આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. ગાજવીજ સાથે વરસાદ થતા પવનની ગતિ 40-50 કિમી/કલાક સુધી પહોંચશે. અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના કેટલાક શહેરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. વરસાદની સાથે ભેજનું પ્રમાણ વધે એવી શક્યતા છે. 

અહીંયા પડશે વરસાદ
દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુ, પુડુચેરી, કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટક જેવા રાજ્યમાં 20થી 24 મે સુધીમાં વરસાદ પડી શકે છે. હળવા વરસાદથી ચોમાસું સિઝન અહીંયા શરૂ થઈ શકે છે. ભારે પવન સાથે વરસાદ પડવાની પૂરી શક્યતા છે. પૂર્વ ભારતના આંદામાન અને નિકોબારના દ્વિપ સમૂહમાં આ અઠવાડિયામાં વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 

હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ભારતમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર તથા ઉત્તરાખંડમાં 21થી 22 મે સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ઉત્તર ભારતના મહાનગરમાં તથા મેદાની પ્રદેશ ગણાતા શહેરમાં વરસાદ પડવાની કોઈ શક્યતા હાલમાં નથી. હજુ ત્રણ દિવસ સુધી લૂનો માર સહન કરવો પડશે જ્યારે આકરો તાપ દિવસભર અકળાવશે.