Wed Jul 29 2026

Logo

હું, સોનલ ઝવેરી- પ્રકરણ- 6

2026-07-13 09:56:00
Author: Mavji Maheshwari
Article Image

 માવજી મહેશ્વરી 

‘લાગે છે તમે મારા પ્રેમમાં પડી ગયા છો.’ 
‘તમને જોયા પછી કોઈ તમારા પ્રેમમાં ન પડે તો જ નવાઈ.’

તમે પુરુષ લોકો હવાઈ કિલ્લા તરત બાંધી લેતા હો છો. બાંધો ત્યાં સુધી ઠીક છે, પણ એંમા રહેવા જવાની તમારી ઉતાવળ સમજાતી નથી. હું અત્યારે તમારા ભરોસે છું એ વાત સાચી. એનો અર્થ એ નથી કે, મારે એનો બદલો તમને પ્રેમ કરીને જ વાળવો.’ 

‘આપણે અત્યારે સમાજશાસ્ત્રની ચર્ચા બંધ કરીએ તો સારું. તમને શું લાગે છે?’

‘ના, મારે સ્પષ્ટતા કરી દેવી જોઈએ. આપણે મળ્યા એ જસ્ટ એન એક્સીડેન્ટ. કાલે છૂટા પડી જવાનું છે. પોતપોતાની લાઈફમાં ખોવાઈ જવાનું છે. ખાસ કારણ વગર એક બીજાને યાદ પણ નહીં કરી શકીએ એ જાણો છો?’ 

‘તમે એવું કરી શકશો?’ સનત સોનલના હોઠ સામે તાકી રહ્યો.
‘અફકોર્સ.’ 
‘હું કદાચ ન પણ કરી શકું.’

‘ઈટ્સ યોર પ્રોબલેમ. આઈ કાન્ટ ડુ એનીથીંગ. તમે ઈચ્છો તો તમે કરેલી મદદનું વળતર માગી શકો, પણ લેધર કરન્સીમાં હરગીજ નહી.’

અદબવાળીને હોઠ ભીડી દીવાલ સામે જોઈ રહેલી સોનલને જોઈ સનતે વિચાર્યું, ‘આ છોકરી કઈ માટીની બનેલી છે. મારા જ રૂમમાં, મારા જ બેડ પર બેસી મને ભાષણ આપી રહી છે. મારી મદદનો એહસાન તો ઠીક, યાદ રાખવા સુધ્ધાં સ્વીકારતી નથી. એ ચહેરા પરથી તો સેલ્ફીશ લાગતી નથી. તો પછી શા માટે આટલી હદે શા માટે પ્રોફેશનલ થઈ રહી છે. 

શું આ તેનો સ્વભાવ છે કે, પછી રાતનો અંધકાર એને ડરાવી રહ્યો છે. તેને સોનલનું છેલ્લું વાક્ય જરા ડંખ્યું. તેના ચહેરા પર રુક્ષતા આવી ગઈ. તેણે સિગારેટનું કેશ હાથમાં લીધું. ‘કેમ ન ગમ્યું ને? સ્ત્રી જ્યારે પણ પોતાની ઇચ્છાની વાત કરે ત્યારે પુરુષ યા તો મોં ફેરવી લે છે યા ઝગડો કરે છે.’  

હું બેમાંથી એકેય નહીં કરું. પણ તારી એક વાત બિલકુલ નથી ગમી.’ 
‘બોલો મારી કઈ વાત ન ગમી? હું દિલથી તમારી માફી માગી લઈશ.’ 
સનત ચૂપ થઈ ગયો. બેશક સોનલે કરેલી વળતરવાળી વાત તેને જરાય ગમી ન હતી. પણ તેણે એ વાત કહેવાને બદલે જરા નિરાશ સ્વરે કહ્યું, ‘જવા દો. આપણે રોંગ સાઈડમાં જઈ રહ્યા છીએ. મારે તો સોનલ ઝવેરીની કથા જાણવામાં રસ છે. પ્લીઝ ડોન્ટ માઈન્ડ.’

‘તમે સ્મોકર નથી. તો દસ મિનિટમાં જ બીજી સિગારેટ સળગાવી એ શું બતાવે છે? પ્લીઝ તમે કહો તમને મારી કઈ વાત નથી ગમી.’ 
સનતે સોનલ સામે ધારીને જોયું. પછી જરા હસ્યો. તેણે ધીમેથી કહ્યું ‘તમને એમ લાગે છે કે મેં કોઈ વળતર માટે તમને મદદ કરી હશે? અને લેધર કરન્સીની વાત કહીને તમે મારું સ્તર નીચું ન ઉતારો.’ 

‘ઓહ માય ગોડ, તમે વાતને સિરીયસલી લેશો એવી ખબર નથી. જુઓ મારો એવો કોઈ ઈરાદો નથી. અને હું એવું વિચારું પણ નહીં. જે છોકરી કોઈ અજાણ્યા યુવાન સાથે એક રૂમમાં રાત રોકાવા તૈયાર થઈ જતી હોય તો એ સામાન્ય ન હોય. રહી વળતરની વાત. તો કોને ખબર કે જિંદગીના સ્ટેજ પર આપણે ફરી ભેગા થઈ જઈએ. તમે ભલે મીકેનીકેલ ઈજનેર હો, છતાં સાવ મશીનના માણસ તો નથી. તમારા જેવો પુરુષમિત્ર મને મળવાનો નથી.’ 

‘વાહ, તમે ભાષણ સારું કરી શકો છો. બાય ધ વે મને નવાઈ એ વાતનીય લાગે છે કે, તમે કરોડપતિ બાપની દીકરી છો, તમારે તો કેટલાય સંબંધો હશે. પણ અત્યાર સુધી તમને કોઈનો ફોન કેમ આવ્યો નથી.’

‘આજે તો સરકારી અધિકારીઓ પણ છટકી જવા માટે પોતાનો ફોન સ્વીચ્ડ ઓફ કરી દેતા હોય છે. હું તો આફટર ઓલ ઘેરથી ભાગી ચૂકેલી છું. મારો નંબર સર્ચમાં મુકાઈ ગયો હશે. આજે બપોરે જ મેં નવો સીમ કાર્ડ નાખ્યો છે. એ નંબર મેં અત્યાર સુધી કોઈને આપ્યો જ નથી તો ફોન કોનો આવે? એમ તો તમને પણ કોઈનો કોલ આવ્યો નથી.’

સનત હસી પડ્યો. એના હાસ્યમાં છુપાયેલી પીડા સોનલથી અછાની ન રહી. ‘મને ફોન કોણ કરે? મારા મમ્મી પપ્પાને હું સામેથી ફોન કરું છું. એવો કોઈ મિત્ર પણ નથી.’ 
‘કોઈ ગર્લ ફ્રેન્ડ? આઈ મીન કોઈ છોકરી સાથે સંબંધ નથી?’ એક પર્સનલ વાત પૂછું?’ 
‘આમ તો તમારે કશું પૂછવાનું નથી. કહેવાનું છે.’
‘તમને કોઈ એવી છોકરી ન મળી કે જે તમને ગમી ગઈ હોય. અથવા તમે કોઈને પ્રેમ કર્યો હોય.’ 

સનત સોનલ સામે જોઈ રહ્યો. તેને ખબર હતી કાલે આમેય છૂટા પડી જવાનું છે. સોનલ નામની એક છોકરી એક રાત પોતાની સાથે રહી હતી. આ વાત ગમે તેટલી રોમાંચક હોય, છતાં પોતાના માટે એક સપનું બનીને રહી જવાની છે. તો શા માટે સોનલને કહેવું કે, તું મને ગમી ગઈ છો. સનતે જરા ગળું ખોંખાર્યું. ‘ગમી હતી. પણ આજે મને સમજાય છે કે શા માટે મને એમાંથી કોઈને મેળવી લેવાની ઈચ્છા જાગી નહીં.’ 

‘શું સમજાય છે આજે?’ 
સનતના ગળામાં શબ્દો આવીને અટકી ગયા. તેણે જવાબ દેવાના બદલે છતને જોયા કર્યું. સોનલે સનતની ટચલી આંગળી પકડતાં કહ્યું. ‘હલ્લો સર, ક્યાં ખોવાઈ ગયા?’ 

તેણે આંગળી હજુ પકડી રાખેલી. સનતને થયું કે, સોનલ હાથ પકડી લે. તેણે હસી પડતાં કહ્યું, ‘અત્યારે બાજુની રૂમવાળા શું વિચારતા હશે? એમને તો એમ જ હશે ને કે આપણે બેય જલસા કરતા હોઈશું. એમને ખબર નહીં હોય કે, મારી હાલત શું છે.’

સનતની આંખોમાં ઉદાસી હતી. સોનલે સનતની આંગળી જરા દબાવી અને છોડી દીધી. તે શૂન્યમાં જોતી હોય તેમ થોડીવાર જોઈ રહી. પછી એકદમ શાંત સ્વરે બોલી, ‘સનત પ્લીઝ. કન્ટ્રોલ યોર સેલ્ફ. મને ખબર છે તમે મારી તરફ ખેંચાયા છો. પણ તમે હજુ જાણતા નથી હું કોણ છું કાલે જીવતી હોઈશ કે નહીં એની પણ મને ખબર નથી. હું એક બદનસીબ છોકરી છું. હું કોઈ સમાન્ય છોકરી હોત તો મેં અત્યાર સુધીમાં હથિયાર હેઠા મૂકી દીધા હોત. 

કુદરતે મને તિક્ષ્ણ બુદ્ધિ આપી છે અને બુદ્ધિ મને બચાવી લે છે. અત્યાર સુધી મેં માણસ પારખવામાં ભૂલ નથી કરી. સનત પ્લીઝ સપનાં ન જુઓ. તમારે મને સેલ્ફીશ કહેવી હોય તો છૂટ છે પણ હું મારા સિવાય કોઈને ચાહતી નથી. હું તમને કોઈ વચન આપતી નથી કે તમને બીજીવાર મળીશ. તમારી મદદ કદી નહીં ભૂલુ. આઈ પ્રોમીસ યુ.’

સનત જોઈ જ રહ્યો. મસ્તીખોર અને બોલ્ડ દેખાતી સોનલની અંદરના જખમ કેવા છે તે જાણ્યા વગર હવે ચેન નહીં પડે. જોઉં તો ખરો કે મારી એક રાતની રૂમ પાર્ટનરના દિલમાં શેની આગ છે? સનત જરા ટટ્ટાર થયો. તેણે સોનલની આંખોમાં આંખો પરોવીને કહ્યું. ‘હા, એ વાત સાચી છે કે, તું મને ગમી ગઈ છે. વાસ્તવમાં હું હિમતવાન નથી. ભલે મારાથી છૂટી પડી ગયા પછી તું મને ભૂલી જાય. ભલે આપણે આખી જિંદગી ન મળી શકીએ. પણ હું તારી હકીકત જાણ્યા વગર તારાથી છૂટો પડવા માગતો નથી. જિંદગીએ તને જે ઘાવ આપ્યા છે, એ ઘાવ હું કદાચ ભરી ન શકું. પણ તારી લાઈફ વિશે જાણવાની તાલાવેલી જાગી ચૂકી છે. 

કાલે આપણે છૂટા પડી જવાનું છે તો એક દોસ્તને નાતે તારું હૈયું ખાલી કરી નાખ. આપણી પાસે આખી રાત છે. હું ઉજાગરો ખેંચી શકું એવો આદમી નથી. તેમ છતાં એવી કઈ બાબત છે જે મને જગાડી રહી છે. આમ તો મને કદી જાણવા ન મળ્યું હોત કે સોનલ ઝવેરી નામની કોઈ છોકરી આ દુનિયામાં છે. કુદરતે કોઈ અકળ ચોઘડિયે આપણને ભેગા કરી દીધા છે. ભલે ખોટું તો ખોટું, આજે અહીં આપણે પતિ પત્ની છીએ. એ બધાને વાસ્તે પણ પ્લીઝ સોનલ મને કહે. શા માટે તારે ઘર છોડવું પડ્યું છે?’ 

‘મારી કથા ઘણી લાંબી છે. મારી ઉંમરના પચીસ વર્ષમાં મે જે કંઈ વેઠ્યું છે તે મારા જીવતા હોવા અને સ્વસ્થ હોવા વિશેનું આશ્ર્ચર્ય છે. હું મુંઝવણમાં છું કે શરૂઆત કરું તો ક્યાંથી કરું? 
‘જન્મથી શરૂ કરીને ગઈકાલ સુધીનું મારે બધું જાણવું છે.’ 

‘સનત મારી કથામાં કોઈ જ સુંવાળો મોડ નથી. મારી આસપાસ કુદરતે એવા માણસો ગોઠવી દીધા છે જેમણે મારા પ્રત્યેક શ્વાસ ગણ્યા છે. એ બીજા કોઈ નહીં, મારા જ પરિવારજનો છે. મારા નામ પાછળ ભલે ને ઝવેરી અટક લાગતી હોય. મને મારા બાપ અને દાદા સિવાય એમના પરિવારે કદી સ્વીકારી નથી.’ 
અચાનક દરવાજે ટકોરા પડ્યા. બેય જણાએ ચમકીને એક બીજા સામે જોયું. સનતે બારણા પાસે જઈને કહ્યું, ‘કૌન હૈ?’ 

‘સોરી સર, આપકો ડીસ્ટર્બ કિયા. આપકે રૂમકા ઈન્ટરકોમ બીઝી આ રહા હૈ. આપકે લિયે વિશેષ સુવિધા કે લિયે કહા ગયા હૈ. હમકો ડબલ બેડમેં ચેન્જ કરને કી સૂચના થી.’
સનતે કહ્યું, ‘હમે યહ રૂમ ચલેગા. થેન્ક યુ.’ 

કહીને તે સનતે રિસિવર સરખું ગોઠવ્યું અને પીઠ ટેકવી પગ લાંબા કરતા બોલ્યો, ‘સાચું કહું તો મને જરા બીક લાગી કે તારી પાછળ પાછળ કોઈ અહીં આવી ગયું નથી ને.’
‘મને ખબર છે સનત મારી શોધાશોધ થતી હશે.’ 

‘પણ શા માટે? તેં એવું શું કરી નાખ્યું છે? અથવા તો એવું શું છે કે, તારે સંતાઈ રહેવાની જરૂર પડે.’
સનત તમે પહેલા એવા વ્યક્તિ છો જેને મારી અંગત વાતો કહેવાનું મન થયું છે. કદાચ એ જાણવાનો તમારો હક પણ બને છે. સોનલે પોતાની દર્દનાક કહાની શરૂ કરી’  (ક્રમશ:)