માવજી મહેશ્વરી
‘એ સાંજે પપ્પા અને મમ્મી નત મસ્તકે ચાલ્યા ગયા. મેં રત્નાકરજીને બેસવાનો ઈશારો કર્યો એટલે તે બેસી રહ્યા. એ સાંજે મને મારા જીવન પર દયા આવી ગઈ હતી. મને થતું હતું કે મારે શા માટે આ ઉપાધીઓ જોઈએ. એ જવાબદારીઓને કારણે હું મારું જીવન માણી શકતી નહોતી. મારે સતત ઉચાટ અને ભય વચ્ચે જીવવાનું હતું. રત્નાકરજી મારી માનસિક હાલત સમજતા હતા. તેમણે સૌ પહેલા તો ચા મગાવી. સામાન્ય રીતે હું ચા પીતી નથી પણ તે દિવસે મને લાગ્યું કે રત્નાકરજી અમારા સોલિસીટર જ નહીં, મારા એક અત્યંત નીકટના વ્યક્તિ છે.’
‘બેટા, આમ નિરાશ થઈ જશો તો કેમ ચાલશે? જે સ્થિતિ સામે આવી છે તેનો હિંમતથી સામનો કરો. જે તમારો અંતરાત્મા કહે તે જ કરો. કોઈથી ડરો નહીં. તમને કોઈ કંઈ નહીં કરી શકે.’ તેમનો ઈશારો સંજય તરફ હતો.
‘સર, મને સમજાતું નથી કે હું શું કરું. મને કોઈ મોહ નથી પણ આ બધું ગમે તેના હાથમાં મૂકીને ચાલ્યા જવું મને યોગ્ય લાગતું નથી. મને હવે વિચાર આવે છે કે દાદાજીએ કયા કારણસર પોતાના સગા દિકરા કે પૌત્રોને જે જવાબદારી સોંપવી જોઈ તે મને સોંપી. હું ધારું છું એમણે તમારી સાથે ચર્ચા કરી જ હશે.
જો તમને વાંધો ન હોય તો મને કહો.’ રત્નાકરજી જરા હસ્યા. એમના ભેદી હાસ્યમાં ઘણું છુપાયેલું હતું. તે બોલ્યા, ‘તમે એ બધું છોડો. આપણે કોઈ ઉતાવળ કરવી નથી. તમે નિરાંતે વિચારીને કહો. જરૂર લાગશે તો હું મારો મત વ્યક્ત કરીશ.’
‘સર, મને બધી દિશાઓ બંધ જ દેખાય છે. તમે જ મને સ્પષ્ટ કહો કે મારે શું કરવું જોઈએ? હું લાંબો વખત નહીં ચલાવી શકું. ખાસ કરીને સંજય તેમ કરવા નહીં દે.’
તેમણે મારી સામે જોઈ રહેતા કહ્યું, ‘મને ખબર છે આજે તમને ઊંઘ નહીં આવે. તમે અત્યંત સંવેદનશીલ છો.’
‘હું તમને દાદા કહું તો?’ મેં લાગણીના આવેગમાં કહી નાખ્યું.
રત્નાકરજીએ જરા ચમકીને મારી સામે જોતાં કહ્યું, ‘એ મને ગમશે પણ તમે એવું ન કરો તો સારું. મારા કાર્ય પર, વિચારો પર લાગણીનું પડ ચડી જશે તો હું સાચો નિર્ણય નહીં કરી શકું.’ મેં મનોમન એ સ્વસ્થ પુરુષને વંદન કરી લીધા. રત્નાકરજી આમ તમે બધું જાણો છો. મારી દુવિધા એ છે કે હું જે કોઈ નિર્ણય લઈશ તેનાથી કોઈક તો નારાજ થશે. કોઈ રસ્તો હોય તો બતાવો.
‘તમે તમારું કેમ કંઈ વિચારતા નથી? તમે એમને બધું આપી દેશો પછી તમે શું કરશો?’
‘હું જોરથી હસી પડી, સર તમે મને ઓળખો છો ને? હું મારા જેટલું ગમે ત્યાંથી કમાવી લઈશ.’
‘એ એટલું સરળ નથી. તમે ઘરમાંથી નીકળો એટલે હજારો પ્રશ્ન સામે આવે. મારી સલાહ છે કે તમે જે કંઈ નિર્ણય લો તેમાં તમારી સેફ્ટીનો પહેલો વિચાર કરજો. જીવનમાં પૈસો બધું જ નથી. છતાં પૈસા વગર ઘણું બધું અટકી પડતું હોય છે. હું નથી ઈચ્છતો કે મારા મિત્રની મિલકતની દુર્દશા થાય. મારાથી તે જોઈ નહીં શકાય.’
હું જરા ચમકી. રત્નાકરજીએ દાદાજી માટે મિત્ર શબ્દ આ પહેલા વાપર્યો નહોતો. મેં ઊંડા ઉતરવાના હેતુથી જ પૂછ્યું, ‘તમારા મિત્ર?’ રત્નાકરજી મલક્યા. તેમણે માથું હલાવતાં કહ્યું, ‘હા બેટા મિત્ર. તમારા દાદા અને હું આમ ભલે શેઠ અને નોકર હતા, છતાં અંગત મિત્રો હતા. શરૂઆતના દિવસોમાં અમારી બેયની સ્થિતિ સરખી હતી. તેમણે ધંધો કર્યો. ખૂબ કમાયા. હું ભણ્યો. એમની સાથે આ રીતે જોડાયો. બાકી તમારા દાદાના મારા ઉપર એટલા ઉપકાર છે કે હું ચૂકવી પણ ન શકું.
અમે બેય હમરાઝ પણ હતા. તેણે મારાથી કશું છુપાવ્યું નહોતું. તમારા કુટુંબની રજેરજની હકીકતથી વાકેફ છું. આજે તમે મને દાદાજી કહેવાની રજા લીધી ત્યારે મને પણ થયું કે તમને બધાં રહસ્યો કહી દેવા જોઈએ. આ વિલ બન્યું તે અમારી બેયની ચર્ચા પછી બન્યું. એક વાત કહું? તમારા દાદાજી તમને ખૂબ ચાહતા હતા. છેલ્લે તો એમ સમજો કે તમારા સિવાય કોઈના તરફ એમને લાગણી પણ નહોતી રહી. એ પોતાના કર્યા પર પસ્તાવો કરતા રહ્યા હતા. તમારી મમ્મીને યાદ કરીને અનેકવાર એ રડ્યા છે. તમારા નામે વિલ કરવું તેમના પસ્તાવાનો એક ભાગ છે. સમજાય છે તમને?’
સનત હું તે સમયે રડી પડેલી. ખુદ રત્નાકરજીએ ઉઠીને મને પાણી આપ્યું. અચાનક લાગ્યું કે મારી આજુબાજુ જે ધુંધળાશ હતી તે દૂર થઈ ગઈ છે. મારું મન હળવું થઈ ગયું. મેં લેટર પેડ ઉપાડ્યો અને પેન ખોલી રત્નાકરજી સામે જોઈને બોલી, ‘તમે ભલે ના પાડો પણ હું ખાનગીમાં તમને દાદા જ કહીશ. તમે મને ગાઈડ કરો. આપણે અત્યારે થોડું ટપકાવી લઈએ.’
‘તમે આજે દાદાજીનું લોકર જોયું? એમા શું પડ્યું છે એનો તમને કંઈ અંદાજ આવ્યો છે? હું એ વાત તો ભૂલી જ ગઈ હતી કે આજે દાદાજીનું લોકર ખોલ્યું તેમાં મેં શું જોયું હતું અને તેની કિંમત કેટલી થતી હશે. એ લોકરમાં દાબડી જેવા કલાત્મક ત્રણ બોક્ષ હતા. એ બોક્ષમાં જે હીરા હતા તેની કિંમત આંકવાનું ગજું મારું પણ નહોતું. એના વિશે તો સંજય હજુ જાણતો જ નહોતો. મેં આંખો પહોળી કરી રત્નાકરજી સામે જોઈ રહેતાં કહ્યું, ‘માય ગોડ, દાદાજીએ કેટલુંક ભેગું કર્યું છે?’
‘તમે ભલે કિંમત આંકી ન શક્યા હો પણ એ વિશે આપણા બે સિવાય ત્રીજું કોઈ જાણતું નથી. એટલે એ લોકરમાંથી જે નીકળે તે તમારા માટે રાખજો. તમારા દાદાજી મને અંગત રીતે આવું કહી ગયા છે. મારી પણ વિનંતી છે કે તમે ભલે આ બધું તમારા પપ્પા કે ભાઈઓને આપી દો. પણ પેલા લોકર વિશે કોઈને કશું કહેતા નહીં. મને લાગે છે કે તમારા માટે એટલું પૂરતું છે.’
‘તો પછી હવે આ બધાનું શું કરવું? આજે જ એમને બેસાડીને એ લોકો જેમ કહે તે પ્રમાણે ભાગ પાડી દઉં.’
‘એ એટલું સહેલું નથી. તમે એનાં કારણો જાણો છો. માટે મારી એક સલાહ છે કે તમે થોડા દિવસ પાવર ઓફ એટર્ની પર તમારા પપ્પાને કારોબાર સોંપો. જુઓ તો ખરા કે એના શું રીએક્શન આવે છે. એ પહેલા તમે તમારી પારિવારિક મીટિંગ કરી જુઓ. આજે જે ચર્ચાઓ થઈ તેનાથી એકબીજા વચ્ચેનું અંતર વધ્યું છે.
આજે એ ખુલાસો પણ કરી દઉં કે તમારા પર જે ફોન આવ્યા છે તેની પાછળ દોરી સંચાર સંજયના મોસાળનું હતું. સંજયને અહીં કેટલાક ગુંડાઓ સાથે સંબંધ છે. એ લોકો સોપારી લેતા વિચાર કરે તેમ નથી. એટલે મારે હવે તમારી બેવડી ચિંતા કરવાની છે. હું તમને પણ એલર્ટ રહેવા જણાવું છું.’
હું રત્નાકરજી સામે જોઈ રહી. એ માણસ કેટલું બધું જાણતો હતો. છતાં અત્યાર સુધી તેણે અણસાર આવવા દીધો નહોતો. મારા મોઢા પર બેચેની જોઈ તેમણે જરા હળવા અવાજે કહ્યું, ‘ચિંતા ન કરો. મારા હાથ બહુ લાંબા છે. પણ હું ફક્ત તમારો સલાહકાર નથી. મારા મિત્રની મિલકતનો રખેવાળ પણ છું. તમારા દાદાજી તમારી હિફાજત કરવાની જવાબદારી મને સોંપી ગયા છે. એટલે મારી નજર ચારે તરફ રહે છે. મને અંદાજ હતો કે વિલ જાહેર થવાની સાથે જ તમારા પર આફત આવવાની છે. મારી કેટલીક મર્યાદાઓ છે. મને સંજય પર જરાય ભરોસો નથી. એ માણસ વેપારી પરિવારમાં જન્મેલો ગુંડો છે. એ ક્યાં જાય છે કોની સાથે શું કરે છે તેની વિગત હું મેળવતો રહ્યો છું.’
મારા આશ્ચર્યોનો પાર નહોતો. અત્યંત ઓછું બોલનાર, મોટાભાગે પોતાના કામ સાથે કામ રાખનાર રત્નાકરજી મારા દાદાજીના અંગત મિત્ર હતા તે વાત મને એક વર્ષ રહીને જાણવા મળતી હતી. એટલું જ નહીં એ બેય વચ્ચે મારી બાબતમાં ચર્ચાઓ થઈ હતી તે વાતનો મને રોમાંચ થતો હતો. પણ એ સમય મારા રોમાંચને વ્યક્ત કરવા કરતા મારી સલામતીની ચિંતા કરવાનો હતો.
જોકે રત્નાકરજીએ બધું વિચારી રાખ્યું હશે એવો મને વિશ્વાસ હતો. તે છતાં સ્થિતિ વિકટ બનવાની હતી તેનો મને અણસાર આવતો હતો. તે સાંજે રત્નાકરજી ખાસ્સો સમય મારી પાસે બેસી રહ્યા, અમે ઘણી વાતો કરી. આખરે એવું નક્કી થયું કે મારે આજે જ ઘરમાં બધાને સાથે બેસાડી ચર્ચા કરવી. શું થાય છે તે બાબતે બીજા દિવસે રત્નાકરજી સાથે મસલત કરવી.
‘પછી તમે તમારા ભાઈઓ પપ્પા સાથે ચર્ચા કરી?’
‘હા કરીને. મારી ઈચ્છા હતી કે જય પણ હાજર હોય. તે રાજસ્થાનમાં હતો પપ્પાએ જયને ફોન કરેલો. તેણે કહેલું કે તે નહીં આવી શકે. પણ સંજયભાઈ જેમ કહેશે તે મને માન્ય હશે. પપ્પાને જયનો જવાબ ગમ્યો નહોતો. સનત મને મારા જ ઘરમાં મારા જ પપ્પા અને ભાઈ સામે બેસતા પહેલીવાર ડર લાગ્યો હતો. હું આમેય ડિસ્ટર્બ હતી. સંજયે શરૂઆતમાં જ બધાને ડિસ્ટર્બ કરી નાખ્યા. અમે અમારા ડ્રોઈંગ રૂમમાં હતા. નોકરો ચાલ્યા ગયા હતા. મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો.
હું વાતની શરૂઆત કરું તે પહેલા જ સંજયે કહ્યું, ‘સોનલ તું બોલે તે પહેલા સાંભળી લે. તું અમારા કરતા હોશિયાર છો, તું બહુ સારી છો એવું કોઈ ભાષણ ન દેતી. મને તારી આવી વાતો સાંભળવામાં કોઈ રસ નથી. બીજું એમ. વી. એન્ટરપ્રાઈઝનો બધો વહીવટ અને માલિકના હક જો તું મને દેવા માગતી ન હોય તો એનાથી ઓછું મને કશું જોઈતું નથી. હા જો તું એમ કરીશ તો જય અને હું સમજી લઈશું. ખાણો પર અમારો કોઈ દાવો નહીં રહે.’
મને ઝાળ લાગી ગઈ. આ માણસ શું સમજતો હતો એના મનમાં ? મેં પણ રોકડું પરખાવ્યું, ‘જો એમ ન કરું તો?’
‘તો તારી વાત તું જાણે. હું કાલે જ આ ઘર છોડીને ચાલ્યો જઈશ. તમારી સાથે મારો કોઈ સંબંધ નહીં રહે, પણ પછી તું શાંતિથી જીવી નહીં શકે. જે કરે તે વિચારીને કરજે.’
‘એટલે તું મને ધમકી આપે છે એમ?’
‘હા, ધમકી આપું છું બોલ. તારાથી જે થાય તે કરી લેજે. હું મારા રૂમમાં જાઉં છું. તમારે જે ચર્ચા કરવી હોય તે કરી લ્યો.’
હું, પપ્પા, મમ્મી, મારી બેય ભાભીઓ સ્તબ્ધ થઈને જોઈ રહ્યા. તેમ છતાં મારાથી સહન ન થયું. મેં કહી નાખ્યું, ‘તો હવે તારાથી જે થાય તે કરી લેજે. હું મારા નિર્ણયો મારી રીતે લઈશ. પપ્પા પ્લીઝ તમે કશું ન બોલતા. આ માણસને અત્યાર સુધી હું ભાઈ સમજતી હતી.
આજથી એ સંબંધ પૂરો થાય છે. એને જે કરવું હોય તે કરી લે .’
ચાલ્યા જવા બે ડગલા ભરી ચુકેલો સંજય જરા પાછળ ફર્યો. મારી સામે વિચિત્ર રીતે જોઈને બોલ્યો, ‘તું મને હજુ ઓળખતી નથી છોકરી. તારા બહુ ખરાબ હાલ થવાના છે તારે હવે પોલીસને ફોન કરવો હોય કે તારા પેલા ડોસાને કહેવું હોય તો કહી દેજે.’
એ રાતે કોઈને શાંતિની ઊંઘ આવી નહીં. સંજયને પણ નહીં. (ક્રમશ:)