Thu Aug 27 2026

Logo

ભાયખલામાં મદનપુરામાં બહુમાળી ઈમારતમાં આગ: કોઈ જખમી નહીં

2026-08-13 20:58:15
Author: Sapna Desai
ભાયખલામાં મદનપુરામાં બહુમાળી ઈમારતમાં આગ: કોઈ જખમી નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ભાયખલાના મદનપુરા વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ બાવીસ માળની બહુમાળી ઇમારતમાં ગુરુવારે બપોરના આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.

 વિલેપાર્લેમાં આવેલી બહુમાળીય ઈમારતમાં મંગળવારે  મોડી રાતે લાગેલી આગમાં  દોઢ વર્ષના બાળક અને મહિલાનુંં મૃત્યુ થયું હોવાની ઘટના તાજી છે ત્યાં ગુરુવારે બપોરે લગભગ ૧૨.૨૦ વાગ્યાની આસપાસ ભાયખલામાં મૌલાના આઝાદ રોડ પર ગ્રાઉન્ડ પ્લસ બાવીસ માળની એલિવન ટાવરના બી વિંગમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર  મદનપુરા વિસ્તારમાં નાગોરી નર્સિંગ હોમની સામે સ્થિત એલિવન ટાવરના બી વિંગના પહેલા માળે મીટર કેબિનમાં બપોરે ૧૨.૨૪ વાગ્યે આગ લાગી હોવાની જાણ થઈ હતી. લગભગ એક કલાકની જહેમત બાદ ૧.૨૫ વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. આગમાં કોઈ ઈજાના અહેવાલ નથી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.