થાણે: થાણે જિલ્લાના ડોંબિવલી વિસ્તારમાં પત્ની અને સંતાનો સાથે ઝઘડો થયા બાદ પતિએ રસોડામાં ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો.
ડોંબિવલીના હેતુતને ગામમાં આવેલી ચાલમાં શનિવારે મોડી રાતે 12.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, એમ માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
પ્રાથમિક તપાસ અનુસાર રાજારામ રામદુલારરામ ભારતીનો તેની પત્ની અને સંતાનો સાથે રાતના ઝઘડો થયો હતો. આથી રોષે ભરાયેલા રાજારામે તેની પત્ની અને સંતાનોને બેડરૂમમાં બંધ કરી દીધાં હતાં અને બાદમાં રસોડામાં જઇને તેણે છત સાથે રસ્સી બાંધી ગળાફાંસો ખાધો હતો.
દરમિયાન પત્ની અને સંતાનોની ચીસો સાંભળીને પડોશીઓ દોડી આવ્યા હતા અને બેડરૂમનો દરવાજો ખોલીને તેમને બહાર કાઢ્યાં હતાં. બાદમાં તેઓ રસોડામાં ગયા હતા, જ્યાં તેમને રાજારામ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
રાજારામને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. રાજારામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ માનપાડા પોલીસે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)