Mon May 18 2026

Logo

ન કોઈ લક્ષણ, ન કોઈ દુખાવો... જાણો કેમ સાયલન્ટ કિલર બન્યું હાઈ બ્લડ પ્રેશર! કઇ રીતે બચશો?

2026-05-17 22:34:12
Author: Devayat Khatana
Article Image

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો કામ, માનસિક તણાવ અને અવ્યવસ્થિત ખાનપાનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ પોતાની તંદુરસ્તી પર ધ્યાન આપી શકતા નથી. સામાન્ય રીતે લોકો ત્યારે જ ડોક્ટર પાસે જાય છે જ્યારે શરીરમાં અસહ્ય દુખાવો કે કોઈ મોટી તકલીફ થાય. પરંતુ, હાઈ બ્લડ પ્રેશર એક એવી ગંભીર સમસ્યા છે, જે શરીરને અંદર જ અંદરથી ખોખલું કરતી રહે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ બીમારીના કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી. 

તબીબોના જણાવ્યા અનુસાર, હાઈ બ્લડ પ્રેશરને પહેલાના સમયમાં વધતી ઉંમરની બીમારી માનવામાં આવતી હતી, પરંતુ હવે સ્થિતિ ચિંતાજનક રીતે બદલાઈ છે. આજકાલ યુવાનો પણ ઝડપથી આ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે. સતત માનસિક તણાવ, મોડી રાત સુધી કામ કરવું, અપૂરતી ઊંઘ, ખોરાકમાં મીઠાનું વધુ પડતું પ્રમાણ અને કલાકો સુધી સ્ક્રીન સામે બેસી રહેવાની બેઠાડુ જીવનશૈલી આ માટેના મુખ્ય કારણો છે. બહારથી સંપૂર્ણ સ્વસ્થ દેખાતા યુવાનોનું શરીર પણ અંદરથી આ બીમારી સામે ઝઝૂમતું હોય તેવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે.

હાઈ બ્લડ પ્રેશરની સૌથી ખતરનાક બાજુ એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં તેના કોઈ લક્ષણ જોવા મળતા નથી. જો કે, કેટલાક દર્દીઓમાં માથાનો દુખાવો, ચક્કર આવવા, અતિશય થાક લાગવો અથવા શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા લક્ષણો દેખાઈ શકે છે. જો સમયસર તેની તપાસ કરવામાં ન આવે, તો તે માત્ર હૃદયને જ નહીં, પરંતુ મગજ અને કિડની જેવા શરીરના મહત્વપૂર્ણ અંગોને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ બેદરકારી ભવિષ્યમાં હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને કિડની ફેલ થવા જેવી જીવલેણ સ્થિતિનું કારણ બની શકે છે. તેથી જ તબીબોનું કહેવું છે કે લક્ષણોની રાહ જોયા વિના સમયાંતરે બ્લડ પ્રેશરની તપાસ કરાવવાની સલાહ આપે છે.

જો કે, આ જીવલેણ સાયલન્ટ કિલર અંગે થોડું ધ્યાન રાખવાથી બચી શકાય છે. ડોક્ટરોના મતે, આપણી રોજિંદી નાની-નાની આદતોમાં સકારાત્મક બદલાવ લાવીને આ બીમારીથી બચી શકાય છે. આ માટે ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવું, નિયમિતપણે વ્યાયામ કે કસરત કરવી, તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરવો, પૂરતી ઊંઘ લેવી તેમજ ધૂમ્રપાન અને દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી ટિપ્સ માત્ર ભલામણ છે, કોઈપણ ટિપ્સને અનુસરતા પૂર્વે તબીબી સલાહ અવશ્ય લેવી.)