Wed Jun 10 2026

Logo

બિશ્ર્નોઈ ગૅન્ગને નામે ધમકાવીને કાકા પાસેથી પાંચ કરોડ રૂપિયા પડાવવાની યોજના ઊંધી વળી...

2026-03-11 07:56:47
Author: Yogesh C Patel
Article Image

હરિયાણાથી પકડાયેલા ભત્રીજાએ બિશ્ર્નોઈ ગૅન્ગની પ્રસિદ્ધિનો લાભ ઉઠાવવા કાકાને ઈન્ટરનૅશનલ નંબરો પરથી ધમકીભર્યા મેસેજ કર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ફિલ્મસ્ટારોને ખંડણી માટે ધમકી અને ગોળીબાર કરવાને કારણે સતત સમાચારમાં રહેલી લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગના નામનો ઉપયોગ કરીને કાકા પાસેથી પાંચ કરોડ રૂપિયા પડાવવાની યોજના હરિયાણામાં રહેતા ભત્રીજાએ બનાવી હતી. બિશ્ર્નોઈ ગૅન્ગને નામે ઈન્ટરનૅશનલ નંબરો પરથી ધમકીભર્યા મેસેજ કરવા ભત્રીજાએ આધુનિક આઈપી એડ્રેસ અને વીપીએન નેટવર્કનો ઉપયોગ પણ કર્યો હતો, પરંતુ ચતુરાઈપૂર્વક કરેલી તપાસ બાદ પોલીસે ભત્રીજાની યોજના ઊંધી વાળી તેને લૉકઅપના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

મલાડ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ કૈલાશ ઓમપ્રકાશ અગ્રવાલ (40) તરીકે થઈ હતી. હરિયાણાના ગુરુગ્રામમાં સેક્ટર-49 ખાતે રહેતા આરોપીએ મલાડના એસ. વી. રોડ પર આવેલી ઈમારતમાં રહેતા કાકા બાબુલાલ અગ્રવાલ (62) પાસેથી નાણાં પડાવવા કાવતરું ઘડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.પોલીસ ફરિયાદ અનુસાર શૅર બ્રોકર બાબુલાલ અને તેમના દીકરા અમિતને ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ધમકીભર્યા મેસેજ આવ્યા હતા.

ઈન્ટરનૅશનલ નંબર્સ પરથી બિશ્ર્નોઈ ગૅન્ગને નામે વૉટ્સઍપ મેસેજ મોકલાવી આરોપીએ પાંચ કરોડ રૂપિયાની માગણી કરી હતી. રૂપિયા ન આપે તો કુટુંબીજનો અને સગાંસંબંધીને જાનથી મારવાની ધમકી મેસેજમાં આપવામાં આવી હતી. આરોપીએ વૉઈસ રેકોર્ડિંગ પણ મોકલાવ્યું હતું.બિશ્ર્નોઈ ગૅન્ગને નામે વારંવાર ધમકી મળતી હોવાથી બાબુલાલે મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બીજી માર્ચે ફરી ફરિયાદીને બે અલગ અલગ નંબર પરથી ખંડણી માટે ધમકીભર્યા મેસેજ આવ્યા હતા.

મલાડ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર દુષ્યંત ચવાણની ટીમે આ મોબાઈલ નંબરને ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી પોતાની ઓળખ છતી ન થાય તે માટે ચાલાકીપૂર્વક આધુનિક આઈપી એડ્રેસ અને વીપીએન નેટવર્કનો ઉપયોગ કરીને ધમકીભર્યા મેસેજ મોકલાવતો હતો. જોકે પોલીસની સાયબર ટીમે આ મેસેજ ગુરુગ્રામથી કરવામાં આવ્યા હોવાનું શોધી કાઢ્યું હતું.
મલાડ પોલીસની ટીમ તાત્કાલિક હરિયાણા પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી વિવિધ પરિસરમાં તપાસ કરી આરોપી કૈલાશને તેના ઘરેથી તાબામાં લેવાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં માત્ર નાણાં પડાવવા માટે આરોપીએ બિશ્ર્નોઈ ગૅન્ગના નામનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.