Sun May 31 2026

Logo

હૅરી સામે હાર્યું પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ સેમિ ફાઇનલમાં...

Pallekele   2026-02-24 22:58:50
Author: Ajay Motiwala
Article Image

પલ્લેકેલઃ ઇંગ્લૅન્ડે (England) અહીં મંગળવારે પાકિસ્તાન (Pakistan)ને વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડના અત્યંત રોમાંચક મુકાબલામાં પાંચ બૉલ બાકી રાખીને બે વિકેટના માર્જિનથી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ દેશ બન્યો હતો. કૅપ્ટન હૅરી બ્રૂક (100 રન, 51 બૉલ, ચાર સિક્સર, દસ ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. બ્રૂકે પાકિસ્તાનનું બૅન્ડ બજાવી દીધું. તેના વન-મૅન શૉને લીધે પાકિસ્તાને છેવટે પછડાટ ખાવી પડી હતી. કરોડો ક્રિકેટપ્રેમીઓ બ્રૂકની ઇનિંગ્સને જીવનભર યાદ રાખશે અને પાકિસ્તાનીઓ આ હારને ભૂલી જવાની કોશિશ કરશે.

પાકિસ્તાને આપેલો 165 રનનો લક્ષ્યાંક ઇંગ્લૅન્ડે 19.1 ઓવરમાં 8/166ના સ્કોર સાથે મેળવી લીધો હતો. છેલ્લી પળોમાં બ્રિટિશ ટીમે બ્રૂક સહિત 12 બૉલમાં (છ રનમાં) ત્રણ વિકેટ ગુમાવી હતી અને પાકિસ્તાન જીતી શકે એમ હતું, પરંતુ જોફ્રા આર્ચરે સલમાન મિર્ઝાના બૉલમાં વિનિંગ ફોર ફટકારી દીધી હતી.

હૅરી બ્રૂકે 28 બૉલમાં 50 રન કર્યા હતા. તેણે 50મા બૉલમાં 100 રન પૂરા કર્યા હતા. શાહીન આફ્રિદીએ ચાર તેમ જ ઉસ્માન તારિક તથા નવાઝે બે-બે વિકેટ લીધી હતી. એ પહેલાં, પાકિસ્તાને સાહિબઝાદાના 63 રનની મદદથી 9 વિકેટે 164 રન કર્યા હતા. ડૉસને ત્રણ તથા આર્ચર-ઓવર્ટને બે-બે વિકેટ મેળવી હતી. પાકિસ્તાનનો બે મૅચ પછી ફક્ત એક પૉઇન્ટ છે. ન્યૂ ઝીલૅન્ડનો એક મૅચ બાદ એક પૉઇન્ટ અને શ્રીલંકાના નામે એક મૅચ બાદ હજી શૂન્ય છે.

બુધવારે કોની મૅચ?

બુધવારે શ્રીલંકા અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે કોલંબોમાં સાંજે 7.00 વાગ્યાથી મુકાબલો થશે. ગુરુવારે અમદાવાદમાં (બપોરે 3.00) સાઉથ આફ્રિકા-વેસ્ટ ઇન્ડિઝની અને ચેન્નઈમાં (સાંજે 7.00) ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે મુકાબલો થશે.