મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની કૅપ્ટન્સીના મુદ્દે હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા વચ્ચે બે વર્ષથી જે ચર્ચા ચાલી હતી એ માંડ શાંત પડી છે ત્યાં ભૂતપૂર્વ ઓપનર અને ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર ક્રિષ્ણમાચારી શ્રીકાંતે (SRIKKANT) હાર્દિક માટે સલાહ આપી છે કે તેણે એમઆઇની કૅપ્ટન્સી છોડીને સૂર્યકુમાર યાદવને સોંપી દેવી જોઈએ.2024ની આઇપીએલ પહેલાં મુંબઈ ઇન્ડિયન્સના ફ્રૅન્ચાઇઝીએ ગુજરાત ટાઇટન્સ સાથેના ટ્રેડ ડીલમાં હાર્દિકને એમઆઇની ટીમમાં પાછા લાવીને તેને ટીમનું સુકાન સોંપ્યું હતું. હાર્દિકના નેતૃત્વમાં એમઆઇનો પર્ફોર્મન્સ મિશ્ર રહ્યો છે.
2024માં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આઇપીએલમાં 10મા સ્થાને રહી હતી. 2025ની સીઝનમાં આ ટીમ ચોથા સ્થાન સુધી પહોંચી હતી. બીજી રીતે કહીએ તો હાર્દિકના સુકાનમાં આ ટીમે વાપસી કરી છે, પણ છઠ્ઠી ટ્રોફીથી ઘણી દૂર રહી છે.
શ્રીકાંતનું કહેવું છે કે `એમઆઇની ટીમમાં બે ટી-20 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન મોજૂદ છે. એવામાં હાર્દિકે મોટું દિલ રાખવું જોઈએ. નવાઈની વાત એ છે કે હાર્દિકે રોહિત અને સૂર્યકુમારની કૅપ્ટન્સીમાં ટી-20 વર્લ્ડ કપ જીત્યો છે એટલે હાર્દિકે પોતે એમઆઇની કૅપ્ટન્સી છોડીને સૂર્યકુમારને આપી દેવી જોઈએ.'
હાર્દિકને એક સીઝન રમવાના 27 કરોડ રૂપિયા મળે છે એવા અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે હાર્દિક પર ટીમનો બોજ છે. જોકે ટીમમાં રોહિત અને સૂર્યા ઉપરાંત બુમરાહ, ડિકૉક, ટ્રેન્ટ બૉલ્ટ, શાર્દુલ ઠાકુર અને શેરફેન રુધરફર્ડ જેવા દિગ્ગજો પણ છે.