Thu Jun 18 2026

Logo

મિડલ ઈસ્ટમાં જંગની અસર: સાઉદીમાં ફસાયા ગુજરાતીઓ, ધારાસભ્ય ખેડાવાલાએ એસ.જયશંકર પાસે માંગી મદદ...

Riyadh   2026-02-28 21:41:20
Author: Devayat
Article Image

અમદાવાદ/રિયાધ: હાલ મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે તેના પરિણામે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ ખોરવાઈ છે, જેની સીધી અસર મિડલ ઈસ્ટમાં આવેલા અન્ય દેશના મુસાફરો પર પડી રહી છે. આ દરમિયાન સાઉદીમાં ગુજરાતના અમદાવાદથી હજ કરવા આવેલા હાજીઓ ફસાયા હોવાના અહેવાલો છે.  

મળતી વિગતો અનુસાર, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ ખોરવાઈ છે, જેની સીધી અસર ગુજરાતી મુસાફરો પર પડી છે. અમદાવાદના જમાલપુર-ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે કે, તેમના મતક્ષેત્રના અને અમદાવાદના અનેક નાગરિકો હાલ સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ફસાયેલા છે. મધ્ય-પૂર્વમાં સર્જાયેલી અશાંતિ અને ફ્લાઈટ્સ રદ થવાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે તેમના પરિવારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મામલે ભારત સરકાર અને વિદેશ પ્રધાન એસ. જયશંકરને ટેગ કરીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, દરેક ભારતીય નાગરિકની સુરક્ષા આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. ખેડાવાલાએ ભારત સરકારને આગ્રહ કર્યો છે કે સાઉદી એરપોર્ટ પર ફસાયેલા ગુજરાતીઓ અને અન્ય ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સક્રિય અને ત્વરિત પગલાં લેવામાં આવે, જેથી તેઓ હેમખેમ સ્વદેશ પરત ફરી શકે.