Wed Aug 19 2026

Logo

ભાજપ સરકારનાં માનીતાં મહિલા VC સામે ABVPનો મોરચોઃ મળતિયાઓને 5-5 લાખ પગાર આપી 11 કરોડનો ચૂનો લગાડ્યો

2026-07-30 12:26:00
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત કરોડો રૂપિયાના વિવાદમાં સપડાઈ છે. એબીવીપીએ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર મોટો આક્ષેપ લગાવ્યો છે. આક્ષેપ એવો છે કે, પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીની તિજોરીમાં 10.93 કરોડ રૂપિયા વધારાના ખર્ચા હતાં. સત્તામાં આવ્યાં પછી પાણી જેમ બેફામ રૂપિયા ખર્ચમાં આવ્યાં હોવાના કારણે એબીવીપી દ્વારા સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી છે. 

સત્તાનો દુરુપયોગ કરી પૂર્વ કુલપતિએ કરોડોનું પાણી કર્યું

આક્ષેપ એવો છે કે, પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ હંગામી કર્મચારીઓને કાઢીને પોતાના માનીતા અને પતિ સાથે કામ કરતા કર્મચારીઓને નોકરી પર લાખીને 5થી 6 ગણો વધારે પગાર આપ્યો હતો. એટલે જ કર્માચારીઓ પહેલા નોકરી કરતા હતા તેમને કાઢી દેવામાં આવ્યાં અને તેમની જગ્યાએ પાંચથી છ ગણા પગાર સાથે તેમના નજીકના સંબંધી લોકોને નોકરી પર રાખવામાં આવ્યાં હતાં. આવા ગંભીર આક્ષેપો અને ફરિયાદના કારણે યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. 

45 હજારની જગ્યાએ 2.5 લાખ રૂપિયા પગાર ચૂકવાયો

આંકડા પ્રમાણે જે કર્મચારી 45 હજારમાં નોકરી કરતો હતો, તેને નીકળીને તેની જગ્યાએ લાવેલા બીજા કર્મચારીને મહિને 2,50,000 જેટલો પગાર આપ્યો હતો. તેવી રીતે 1.20 લાખના પગારની જગ્યાએ નવા કર્મચારીને મહિને 5 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવ્યો હતો. મતલબ જૂના કર્મચારીને કરતા નવા કર્મચારીને 5 ગણો વધારે પગાર ચૂકવ્યો હતો. જેમાં પહેલા વાર્ષિક 85,40,000 પગાર ચૂકવાતો તેની જગ્યાએ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળમાં નવા કર્મચારીઓને વાર્ષિક 4,50,00,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવ્યો હતો. આતો સ્પષ્ટ રીતે દેખાઈ રહેલા કૌભાંડ છે. 

યુજીસીના નિયમો વિરૂદ્ધ પગાર ચૂકવવામાં આવ્યો

આક્ષેપો એવા છે કે, યુજીસીના નિયમો વિરૂદ્ધ જઈને કર્મચારીને મહિને 5 લાખ રૂપિયા પગાર આપવામાં આવ્યો છે. આ ભરતી યુજીસીના નિયમોની વિરૂદ્ધ હોવાનો એબીવીપીએ આક્ષેપ કર્યો છે. એબીવીપી નેતાએ કહ્યું કે, આ મામલે તેમણે ગુજરાત યુનિવર્સિટીને લેખિતમાં ફરિયાદ કરી છે. આ મામલે નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે અને યુનિવર્સિટીને થયેલા આર્થિક નુકસાન અંગે રૂપિયાની રિકવરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. 

કૌભાંડની તપાસ માટે તપાસ કમિટીની રચના

હવે યુનિવર્સિટી દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. સિન્ડિકેટ સભ્ય હિરેન જાદવ, IQAના ડાયરેક્ટર પ્રોફેસર સી.જી. બ્રહ્મભટ્ટ અને સ્કૂલ ઓફ લોના હેડ પ્રોફેસર ભાવેશ ભરાડ સાથે એક તપાસ કમિટી બનાવવામાં આવી છે. તેઓ આ ફરિયાદની તપાસ કરશે. ત્યાર બાદ જે હકીકત પ્રકાશમાં આવશે તેના તથ્યોને ઘ્યાને લઈને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.