ગાંધીનગર: ગુજરાત પોલીસે મહિલાઓ અને યુવતીઓની સલામતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે 28 દિવસનું વ્યાપક 'સુરક્ષિત શક્તિ' અભિયાન શરૂ કર્યું છે. ગુન્હા નિવારણ, રક્ષણ, જાગૃતિ, સશક્તિકરણ અને કાયદાના અમલ પર કેન્દ્રિત સંકલિત અભિગમ દ્વારા મહિલાઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો આ અભિયાનનો ઉદ્દેશ છે.
સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવાનો હેતુ
28 દિવસના આ અભિયાનનો મુખ્ય હેતુ સતત નિવારણાત્મક પગલાં, ઝડપી અને સંવેદનશીલ પોલીસિંગ, વધુ જાગૃતિ તથા મહિલાઓના સશક્તિકરણ દ્વારા તેમના માટે વધુ સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવાનો છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે વિવિધ પગલાં લઈ રહી છે. જેમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ઊભા થતા જોખમોથી રક્ષણનો પણ સમાવેશ થાય છે.
બહુઆયામી વ્યૂહરચના ઘડવામાં આવી
CID ક્રાઇમ અને રેલવેઝના ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવના નેતૃત્વ હેઠળ આ પહેલમાં પોલીસ કાર્યવાહી સાથે સામુદાયિક ભાગીદારી, ટેક્નોલોજી, જનજાગૃતિ અભિયાનો અને પીડિતાકેન્દ્રિત સહાય વ્યવસ્થાના સંયોજન દ્વારા મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાની બહુઆયામી વ્યૂહરચના ઘડવામાં આવી છે.
અભિયાનનાં ચાર મુખ્ય આધારસ્તંભો
અધિક પોલીસ મહાનિર્દેશક (CID ક્રાઇમ, મહિલા સેલ) અજય ચૌધરીએ જણાવ્યું કે,આ અભિયાનનાં ચાર મુખ્ય આધારસ્તંભો, ગુન્હા નિવારણ અને રક્ષણ, જાગૃતિ અને સશક્તિકરણ, સહાય, કાયદાનો અમલ અને ટકાઉપણું છે. આ કામગીરી પર નજર રાખવા અને પરિણામો માપવા માટે વિગતવાર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પહેલની અસરકારકતા ચકાસવા પુરાવા આધારિત પોલીસિંગ અને માપી શકાય તેવા મુખ્ય કામગીરી સૂચકાંકો (KPIs)સૂચવવામાં આવ્યા છે.
ટેક્નોલોજીકલ સાધનોના વધુ ઉપયોગ પર ભાર
નિવારણ અને રક્ષણના ભાગરૂપે મહિલાઓને અસર કરતા ગુન્હાઓ અને હેરાનગતિ સામે વધુ કડક કાર્યવાહી કરવાની યોજના છે. પોલીસ એકમોને સંવેદનશીલ વિસ્તારો ઓળખવા, પેટ્રોલિંગ વધારવા અને ગુનાઓને રોકવા માટેના આગોતરા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જવાબદારી વધારવા અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે વિઝિબલ પોલીસિંગ, બોડી-વોર્ન કેમેરા તથા અન્ય ટેક્નોલોજીકલ સાધનોના વધુ ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
મહિલાઓને ઓનલાઈન જોખમો અંગે જાગૃત કરાશે
અજય ચૌધરીએ જણાવ્યું કે, અભિયાનમાં જાગૃતિ અને ડિજિટલ સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પોલીસ મહિલાઓ અને યુવતીઓને સાયબરબુલિંગ, ઓનલાઈન ગ્રૂમિંગ, સેક્સટોર્શન, ડીપફેક, OTP ફ્રોડ અને QR-કોડ કૌભાંડ જેવા ઉભરતા ઓનલાઈન જોખમો અંગે માહિતગાર કરશે.”આ કાર્યક્રમ અંતર્ગત 181, 112, 1930 અને વન સ્ટોપ સેન્ટરો જેવી કટોકટી અને સહાય વ્યવસ્થાઓ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવશે. મહિલાઓને સ્વરક્ષણ કૌશલ્ય વિકસાવવા તેમજ પોતાના કાયદાકીય અધિકારો સમજવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
મહિલા સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ
મહિલા સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા માટે શાળાઓ, કોલેજો, સમુદાયો, NGO, NCC,NSS અને અન્ય હિતધારકોને પણ જોડવામાં આવશે. વધુમાં વધુ સામુદાયિક ભાગીદારી સુનિશ્ચિત કરવા સુરક્ષા સંકલ્પ, સામુદાયિક બેઠકો, સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમો અને અન્ય જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
પોલીસ અપનાવશે પીડિતા કેન્દ્રિત અભિગમ
સહાય અને કાયદાના અમલના ભાગરૂપે ફરિયાદોના અનુસરણ, પ્રતિબંધાત્મક આદેશો, વન સ્ટોપ સેન્ટર્સ તથા અન્ય સહાય સેવાઓ સાથે સંકલન અને પીડિતાઓને સમયસર મદદ પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.'સુરક્ષિત શક્તિ' પહેલથી પોલીસ એકમો અને ભાગીદાર એજન્સીઓ વચ્ચે વધુ સારું સંકલન મજબૂત થવાની સાથે પુરાવા આધારિત પોલીસિંગ અને સામુદાયિક ભાગીદારીને પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.