Tue Jul 07 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ચીનની પાવર કંપનીઓ પર સરકાર અચાનક કેમ ઓળઘોળ?

2026-07-07 10:05:00
Author: Bharat Bharadwaj
Article Image


ભરત ભારદ્વાજ

ચીન સાથેના ભારતના સંબંધો અત્યારે તણાવપૂર્ણ છે ત્યારે જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ચીનની ચાર પાવર ઈક્વિપમેન્ટ કંપનીઓને સરકારી પ્રોજેક્ટની હરાજીમાં ભાગ લેવાની મંજૂરી આપતાં વિવાદ થઈ ગયો છે. 2020માં ગલવાન ખીણમાં ચીનાઓએ ભારતના 20 સૈનિકોની હત્યા કરી પછી ભારતે ચીની કંપનીઓ પર કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટમાં હરાજીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકેલો.

અત્યંત અનિવાર્ય હોય એવા કિસ્સામાં હરાજીમાં ભાગ લેવા માટે એમ્પેનલમેન્ટ કરાવવા સરકારી મંજૂરી ફરજિયાત બનાવી હતી. મોદી સરકારનો એ નિર્ણય બરાબર હતો ને અત્યાર સુધી તેનું પાલન થયું. હવે અચાનક જ મોદી સરકાર ચીનની કંપનીઓ પર ઓળઘોળ થઈ ગઈ તેથી વિવાદ થવો સ્વાભાવિક છે. 

કૉંગ્રેસે આ નિર્ણયને ચીન સામે શરણાગતિ સ્વીકારવાનો નવો અધ્યાય ગણાવીને મોદી સરકારની ઝાટકણી કાઢી છે તો બીજી તરફ મોદી સરકારની વિદેશ નીતિ સામે પણ સવાલો ઊભા કર્યા છે. કૉંગ્રેસનું કહેવું છે કે, ચીન સામે નત મસ્તક થવાનો સિલસિલો ચાલુ રાખીને  દેશના એમએસએમઈ એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મોદી સરકાર ભારે નુકસાન કરી રહી છે.

કૉંગ્રેસની ટીકા સાવ મોં-માથા વિનાની પણ નથી કેમ કે ચીનની તાજેતરની હરકતો ભારતને માફક આવે એવી નથી જ. એક તરફ ચીન ભારતના પાડોશી દેશોને હથિયાર વેચીને મજબૂત બનાવી રહ્યું છે ને બીજી તરફ ભારતના પ્રદેશોમાં પણ ઘૂસણખોરીના પેંતરા કરી રહ્યું છે. ચીને અરૂણાચલ પ્રદેશમાં ભારતના વિસ્તારો પચાવી પાડીને લશ્કરી છાવણીઓ અને આર્મી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું હોવાના આક્ષેપો હમણાં જ સ્થાનિક આદિવાસી સમુદાયે કર્યા છે. ચીને બાંગ્લાદેશને અત્યાધુનિક હથિયારો વેચવા માટેનો કરાર પણ હમણાં જ કર્યો છે.

ચીનની બે એપે ભારતની ઈલેક્ટ્રિક રિક્ષાઓની બેટરી બંધ કરીને ઠપ્પ કરી દીધી એ કારસ્તાન પણ તાજું જ છે. તેના કારણે ભારતની સુરક્ષા સામેના ખતરાનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે ચીનની કંપનીઓને ભારતના સરકારી પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાની મંજૂરીથી સુરક્ષા સામે જોખમ ઊભું થશે એવી ચિંતા અકારણ નથી. ચીનનાં કારસ્તાન જોતાં તેની સામે આક્રમક વલણ લેવાના બદલે ભારત કઈ રીતે ચીનની કંપનીઓને સરકારી પ્રોજેક્ટ્સમાં ભાગ લેવા દઈ શકે એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે.

મોદી સરકારે આ મંજૂરી ગૂપચૂપ આપી દીધી તેના કારણે પણ સવાલો ઉભા થયા છે. મોદી સરકારે ચીનની ટીબીઈએ એનર્જી, નાનજિંગ ઈલેક્ટ્રિક ઈન્ડિયા, ન્યૂ નોર્થઈસ્ટ ઈલેક્ટ્રિક ઈન્ડિયા અને તાઈકાઈ ઈલેક્ટ્રિક (ઈન્ડિયા)ને સરકારી પ્રોજેક્ટ્સની હરાજીમાં ભાગ લેવાની મંજૂરી 24 જૂને આપી હતી. આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નહોતી કરાઈ ને દેશને અંધારામાં રખાયો હતો. મીડિયામાં આ રિપોર્ટ આવ્યા ને કૉંગ્રેસે વિપક્ષની ભૂમિકા ભજવીને વિરોધ કર્યો પછી લોકોને આ વાતની ખબર પડી. સરકારે પોતે લીધેલા નિર્ણયની જાણ લોકોને કરવાનું કેમ મુનાસિબ ના માન્યું તેનો જવાબ સરકાર જ આપી શકે. 

જો કે મોટો સવાલ તો આપણી નીતિનો છે. સરકાર દ્વારા સામાન્ય લોકોને વોકલ ફોર લોકલનાં જ્ઞાન અપાય છે, આત્મનિર્ભર બનવાની વાતોનાં ચૂરણ ચટાડાય છે ને સરકાર પોતે જ ચીનની કંપનીઓને સરકારી પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાની મંજૂરી આપે તો વોકલ ફોર લોકલ કે આત્મનિર્ભરતા જેવું ક્યાં રહ્યું ? ચીનની પાવર ઈક્વિપમેન્ટ કંપનીઓ સરકારી પ્રોજેક્ટ્સની હરાજીમાં ભાગ લે તેનો મતલબ એ જ થયો કે, સરકારને પોતાને ચીનની કંપનીઓનાં ઉત્પાદનો વાપરવા સામે કોઈ વાંધો નથી. આ કયા પ્રકારની આત્મનિર્ભરતા કહેવાય?

વાસ્તવમાં આત્મનિર્ભરતાની વાતો કોરા જ્ઞાનથી વધારે કંઈ નથી ને તેનો સ્વીકાર આડકતરી રીતે કરી જ લેવાયો છે કેમ કે, કેન્દ્રના ઊર્જા મંત્રાલયે જ ચીનની કંપનીઓને સરકારી પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવાની તરફેણ કરી હતી. કેન્દ્રીય  ઊર્જા મંત્રાલયે છ મહિના પહેલાં એટલે કે જાન્યુઆરીમાં માગ કરેલી કે, ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવતી અને મહત્ત્વના વીજ પ્રોજેક્ટમાં ભાગીદાર એવી ચીનની કંપનીઓને સરકારી પ્રોજેક્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ. આ માગણી નાણાં મંત્રાલય સામે કરાયેલી ને છ મહિના પછી તેને સત્તાવાર રીતે મંજૂરી મળી ગઈ.

કેન્દ્રીય ઊર્જા મંત્રી તરીકે મનોહરલાલ ખટ્ટર છે. ખટ્ટરના મંત્રાલયને અચાનક જ ચીનની કંપનીઓ પર હેત કેમ ઊભરાયું ? એ પાછો એક અલગ મુદ્દો છે પણ આપણે અત્યારે તેની વાત નથી કરતા. અત્યારે આપણે ઊર્જા મંત્રાલયે નાણાં મંત્રાલય સામે કરેલી માગણી અથવા રજૂઆતનો અર્થ શો થાય એ સમજવાની જરૂર છે. 

ઊર્જા મંત્રાલયે ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવતી અને મહત્વના વીજ પ્રોજેક્ટમાં ભાગીદાર એવી ચીનની કંપનીઓ એવા શબ્દો વાપર્યા છે. મતલબ કે, ચીનની કંપનીઓ ભારતમાં માલ બનાવે છે ને આપણા વીજ પ્રોજેક્ટમાં ભાગીદાર પણ છે. આ બધો માલ ભારતની બહાર નહીં જ વેચાતો હોય ને ભારતમાં પણ વેચાતો જ હશે. તેનો મતલબ એ થયો કે, ભારતમાં સરકારની મંજૂરીથી જ ચીનની કંપનીઓનો માલ વેચાય છે. 

સામાન્ય લોકો ચીનના દીવડા ખરીદે કે મોબાઈલ ફોન ખરીદે તો પણ દેશદ્રોહી થઈ જાય ને આપણી સરકાર ચીનની કંપનીઓને થાબડ્યા કરે તો તેને શું કહેવાય ?  ખેર, આ મુદ્દાને પણ બાજુ પર મૂકીએ ને સૌથી મહત્ત્વના મુદ્દા પર આવીએ. સરકારે આ મંજૂરી આપવાની ફરજ કેમ પડી ? સરકારી અધિકારીઓનું કહેવું છે કે, આ નિર્ણયથી ભારતના પાવર સેક્ટરમાં સ્પર્ધા વધશે અને પ્રોજેક્ટની ગુણવત્તા પણ સુધરશે. સાથે સાથે પ્રોજેક્ટ પણ સમયસર પૂરા થશે ને દેશની ઊર્જા આત્મનિર્ભરતાને પણ પ્રોત્સાહન મળશે. 

આ સ્પષ્ટતાનો મતલબ એ થયો કે, ભારતીય કંપનીઓ સમયસર પ્રોજેક્ટ પૂરા કરી શકતી નથી તેથી ચીનની કંપનીઓને મેદાનમાં લાવવી પડી છે. આ વાત ભારતીય કંપનીઓ માટે શરમજનક કહેવાય. સરકાર સીધેસીધું સ્વીકારતી નથી પણ ભારતીય કંપનીઓ ટેકનોલોજીની બાબતમાં ચીનની કંપનીઓથી ઊતરતી હોય તેના કારણે પણ સરકારે આ નિર્ણય લેવો પડ્યો હોય એ શક્ય છે. એવું હોય તો વધારે શરમજનક કહેવાય. આપણે વિશ્વગુરૂ બની ગયા હોવાની વાતો કરીએ ને પાવર ઈક્વિપમેન્ટ્સ માટે ચીનની કંપનીઓના શરણે જવું પડે એ શરમજનક તો કહેવાય જ ને?

ચીન સાથે સારા સંબંધો ભારત માટે ફાયદાકારક છે. ચીન પાસે દુનિયામાં કોઈ પાસે ના હોય એવી શ્રેષ્ઠ ટેકનોલોજી છે, કાચો માલ છે ને કામ ઝડપભેર કરવાની ક્ષમતા પણ છે. આ બધું પાછું ચીન સાવ સસ્તામાં આપે છે એ જોતાં ચીન સાથે સારાસારી આપણા માટે ફાયદાકારક જ છે. મોદી સરકાર દેશનો ફાયદો જુએ તેમાં કશું ખોટું નથી પણ આ સારાસારી સરેઆમ રાખવી જોઈએ. એક તરફ લોકોને ચીનના માલથી દૂર રહેવાની સલાહ આપવી ને બીજી તરફ સરકાર ચીનની કંપનીઓને લાલ જાજમ પાથરીને આવકારે એવાં બેવડાં ધોરણ કઈ રીતે ચાલે?