Sat Sep 05 2026

Logo

ગોવિંદા કરશે બીજા લગ્ન કે શું? અભિનેતાના મેનેજરે કરવી પડી સ્પષ્ટતા

2026-08-21 22:42:54
Author: Mumbai Samachar Team
ગોવિંદા કરશે બીજા લગ્ન કે શું? અભિનેતાના મેનેજરે કરવી પડી સ્પષ્ટતા

મુંબઈ:બોલિવૂડના જાણીતા અભિનેતા Govinda અને તેમની પત્ની સુનીતા આહુજાના સંબંધોને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. બંને વચ્ચેના મતભેદો અને એકબીજા સામેના નિવેદનો બાદ હવે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સુનીતા આહુજાએ કથિત રીતે દાવો કર્યો છે કે ગોવિંદા બીજી વખત લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, ગોવિંદાના મેનેજરે આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે.

તાજેતરમાં ગોવિંદા અને કોમલ રાની સ્વર્ણકાર સાથે જોવા મળ્યા બાદ બંનેના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો શરૂ થઈ હતી. આ મામલે સુનીતા આહુજાએ ગોવિંદા પર નિશાન સાધતા રાની સ્વર્ણકારને લઈને પણ નિવેદન આપ્યું હતું અને ગોવિંદાને તેમનો 'શુગર ડેડી' ગણાવ્યો હતો.

સુનીતાના આ નિવેદન બાદ ગોવિંદાએ પણ પોતાની વાત જાહેરમાં રજૂ કરી હતી. હવે સુનીતા અને Rakhi Sawant વચ્ચેની એક ફોન કોલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાતચીત દરમિયાન સુનીતા ગોવિંદા અને રાની સ્વર્ણકારના લગ્નની તૈયારી ચાલી રહી હોવાનો દાવો કરતી સંભળાય છે.

સુનીતાના આ દાવા બાદ ગોવિંદાના મેનેજરે સ્પષ્ટતા કરી હતી કે ગોવિંદાના બીજા લગ્ન થવાના નથી. મેનેજરે કહ્યું કે તેમને આ વાત પહેલીવાર સાંભળવા મળી છે અને આવું કંઈ નથી તેમજ આવું થવાનું પણ નથી.

મેનેજરના જણાવ્યા મુજબ, ગોવિંદા અને સુનીતા બંને પરિપક્વ વ્યક્તિઓ છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ગોવિંદાએ ક્યારેય સુનીતા વિરુદ્ધ જાહેરમાં કંઈ કહ્યું નથી, જ્યારે સુનીતા ઘરની વાતો બહાર કરી રહી છે.

ગોવિંદાના મેનેજરે વધુમાં જણાવ્યું કે ગોવિંદા અને સુનીતા બંને પોતાના બાળકોનું ભલું ઈચ્છે છે. તેમના કહેવા પ્રમાણે, હાલમાં જે કંઈ ચાલી રહ્યું છે તેની નકારાત્મક અસર તેમના બાળકો પર પણ પડી રહી છે.

મેનેજરે આશા વ્યક્ત કરી કે આવનારા સમયમાં ગોવિંદા અને સુનીતા વચ્ચેની સ્થિતિ સુધરી શકે છે. તેમણે કહ્યું કે બંને પોતાના બાળકો માટે સારું જ ઈચ્છે છે અને ટૂંક સમયમાં પરિસ્થિતિ સામાન્ય થઈ શકે છે.

આ સમગ્ર મામલાની વચ્ચે સુનીતા આહુજાને થોડા દિવસ પહેલાં તેમના પુત્ર યશ સાથે ફેમિલી કોર્ટની બહાર જોવા મળી હતી. ત્યારબાદ એવી માહિતી સામે આવી હતી કે તેઓ છૂટાછેડાનો કેસ પાછો ખેંચવા માટે કોર્ટમાં પહોંચ્યા હતા.

આ પછી રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો, જેમાં તે સુનીતા સાથે ફોન પર વાત કરતી જોવા મળી હતી. આ વાતચીત દરમિયાન સુનીતાએ કથિત રીતે જણાવ્યું કે તેમણે છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો છે, કારણ કે ગોવિંદા અને રાની લગ્નની તૈયારી કરી રહ્યા છે.

વાયરલ થયેલી આ ફોન વાતચીતમાં રાખી સાવંત સુનીતાને સપોર્ટ કરતી જોવા મળી હતી. સુનીતાએ રાખીને તેમના સમર્થનમાં ઊભા રહેવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેમને તેમની આખી વાતની જાણ છે.

આ સમગ્ર વાતચીત રાખી સાવંતે પાપારાઝીઓની સામે કરી હતી, જેના કારણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ગોવિંદા-સુનીતાના સંબંધોને લઈને ફરી એકવાર ચર્ચા ગરમાઈ  છે.

સુનીતાના દાવા અને વાયરલ ફોન કોલ બાદ ગોવિંદાના બીજા લગ્નની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે, ગોવિંદાના મેનેજરે સ્પષ્ટ શબ્દોમાં આ વાતને નકારી છે. તેથી હાલમાં ગોવિંદા બીજા લગ્ન કરવા જઈ રહ્યા હોવાની ચર્ચા પર પુર્ણવિરામ મુકાઈ ગયું છે.