(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેમિકલનો ઉપયોગ કરીને કાગળનું ભારતીય ચલણી નોટોમાં રૂપાંતર કરી આપવાની લાલચ બતાવી ગોરેગામના વેપારીની સાત લાખની રોકડ સાથે રફુચક્કર થઈ ગયેલા બે આરોપી ઉત્તર પ્રદેશમાં પકડાયા હતા.બાંગુર નગર પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ પવન ઉર્ફે પ્રકાશ દિલીપ પ્રસાદ ગુપ્તા (25) અને સર ઉર્ફે રાજસિંહ મનોજસિંહ પ્રસાદ (47) તરીકે થઈ હતી. કોર્ટે બન્ને આરોપીને 14 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર ગોરેગામ પશ્ર્ચિમમાં રહેતા વેપારી લલ્લન મહાતો (34)ને બન્ને આરોપી ડિસેમ્બર, 2025માં વસઈમાં મળ્યા હતા. કામ નિમિત્તે વસઈ ગયેલા વેપારીને એક કેમિકલની મદદથી સામાન્ય કાગળનું ચલણી નોટમાં રૂપાંતર કરી આપવાની ખાતરી આરોપીએ આપી હતી. આ માટે આરોપીએ પ્રયોગ પણ કરી દેખાડ્યો હતો.કાગળ પર છાપ ઉપસાવવા આરોપીએ ફરિયાદી પાસેથી 500 રૂપિયાની એક ચલણી નોટ લીધી હતી. ત્યાર બાદ કેમિકલનો ઉપયોગ કરી એકની બે નોટ કરી દેખાડી હતી. એ નોટ વેપારીએ બજારમાં ચલાવી પણ હતી, જેને પગલે આરોપી પર તેનો વિશ્ર્વાસ બેસી ગયો હતો.
પોલીસના કહેવા મુજબ કેમિકલનું માત્ર બહાનું હતું, પણ આરોપીએ હાથચાલાકીથી કાગળને બદલે સાચી ચલણી નોટ મૂકીને વેપારીને છેતર્યો હતો. આ રીતે વધુ નાણાં કમાવાની લાલચ વેપારીને આપી હતી. આરોપીની જાળમાં સપડાયેલા વેપારીએ તેની પાસેના સાત લાખ રૂપિયાના 14 લાખ રૂપિયા કરી આપવાનું કહ્યું હતું.નક્કી થયા મુજબ 12 ફેબ્રુઆરીએ બન્ને આરોપી વેપારીના ઘરે આવ્યા હતા. વેપારી પાસેથી સાત લાખ રૂપિયા લીધા પછી કાગળ પર પાઉડર લગાવીને કોઈ પ્રક્રિયા કરતા હોવાનું દેખાડ્યું હતું. પછી કોરા કાગળનાં બંડલ એક પૅકેટમાં વીંટાળીને વેપારીને આપ્યા હતા. આરોપીના ગયા પછી વેપારીને પોતે છેતરાયો હોવાનું ભાન થયું હતું.
આ પ્રકરણે વેપારીની ફરિયાદને આધારે બાંગુર નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી બન્ને આરોપી ઉત્તર પ્રદેશમાં હોવાનું શોધી કાઢ્યું હતું. પોલીસની ટીમે ગાઝીપુર જિલ્લામાંથી સ્થાનિક પોલીસની મદદથી બન્નેને પકડી પાડ્યા હતા. ટ્રાન્ઝિટ રિમાન્ડ પર તેમને મુંબઈ લાવવામાં આવ્યા હતા.