Fri May 01 2026

Logo

વૈશ્વિક સોનામાં વધ્યા મથાળેથી નરમાઈ, સ્થાનિક સોનામાં રૂ. 390નો અને ચાંદીમાં રૂ. 3778નો સુધારો

2026-04-10 19:49:16
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 
મુંબઈઃ
અમેરિકા અને ઈરાક વચ્ચેની યુદ્ધવિરામની મંત્રાણા સફળ થાય તો શક્યતઃ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાની રોકાણકારો આકારણી કરી રહ્યા હોવાથી આજે સાવચેતીના અભિગમ વચ્ચે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવ્યો હતો અને ચાંદીના ભાવ વધી આવ્યા હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 3778નો વધારો આવ્યો હતો, જ્યારે સોનામાં ખાસ કરીને આજે ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધી આવતા ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 388થી 390નો સાધારણ સુધારો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજાર પાછળ ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3778 વધીને રૂ. 2,39,934ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ ડૉલર સામે રૂપિયો નબળો પડતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 388 વધીને રૂ. 1,49,725 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 390 વધીને રૂ. 1,50,327ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની છૂટીછવાઈ માગનો ટેકો મળ્યો હતો. 

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 4755.45 ડૉલર આસપાસ અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 1.1 ટકાના ઘટાડા સાથે 4767.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.5 ટકા વધીને આૈંસદીઠ 75.45 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે યુદ્ધવિરામની જાહેરાત સાથે ક્રૂડતેલમાં રોકાણકારોની વેચવાલીએ ભાવમાં ઘટાડો અને તેને કારણે ફુગાવો પણ ઘટતાં વ્યાજદરમાં કાપની શક્યતા સપાટી પર આવતા સોનામાં સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે ગત 28મી ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલો કર્યો હતો અને ત્યાર બાદ ઈરાને પણ વળતા હુમલાઓ કરતાં પાંચ સપ્તાહ સુધી ચાલેલા યુદ્ધના સમયગાળામાં ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું અને સોનાના ભાવમાં અત્યાર સુધીમાં 10 ટકા જેટલો ઘટાડો આવ્યો છે. આમ ફુગાવો વધવાની ભીતિ સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નબળી પડતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર વર્તમાન વર્ષ 2026માં ફેડરલ રિઝર્વ એક વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી 24 ટકા શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા છે.