Wed Jul 29 2026

Logo

ગોરેગામ-મુુલુંડ લિંક રોડ પ્રોજેક્ટમાં ટ્વિન ટનલના ખોદકામ માટે ટીબીએમને શાફ્ટમાં ઉતારવાનું શરૂ

2026-03-12 10:41:00
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)    
મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર)ના ફેઝ-૩ના ભાગરૂપે ગોરેગામના દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી (ફિલ્મસીટી) ખાતે ટ્વિન ટનલના બાંધકામ માટે ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ના હિસ્સાઓને  બુધવાર, ૧૧ માર્ચ, ૨૦૨૬ના શાફ્ટમાં નીચે ઉતારવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આ મહત્વની કામગીરી તેના સમય કરતા લગભગ ત્રણ મહિના વહેલી શરૂ કરવામાં આવી છે. 


લગભગ ૧૨.૨૦ કિલોમીટર લાંબા જીએમએલઆર  પ્રોજેક્ટના ભાગરૂપે  સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની નીચે ૪.૭ કિલોમીટરની ટ્વિન ટનલ અને ચિત્રનગરીમાં ૧.૬ કિલોમીટરની બોક્સ ટનલનો સમાવેશ થાય છે, જેમાં બાંધકામ માટે બે અત્યાધુનિક ટીબીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવવાનો છે.  દરેક ટનલ ૪.૭૦ કિલોમીટર લાંબી હશે, જેનો વ્યાસ ૧૪.૨૦ મીટર હશે. દરેક ટનલ ત્રણ લેનની હશે, જેમાં આધુનિક વેન્ટિલેશન, આધુનિક ફાયર સેફટી સિસ્ટમ, વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન વગેરનો સમાવેશ થાય છે.


પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ટનલના ખોદકામ માટે બે મોટા  ટીબીએમનો ઉપયોગ કરવામાં આવવાનો છે. દરેક ટીબીએમનું વજન ૨,૧૭૫ મેટ્રિક ટન છે. ચિત્રનગરી સાઈટ પર ટનલ માટે જરૂરી લોન્ચિંગ શાફ્ટ માટેના પહેલા તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે. શાફ્ટની લંબાઈ આશરે ૨૦૦ મીટર અને પહોળાઈ ૫૦ મીટર ઊંડાઈ ૩૦ મીટર છે. ટીબીએને શાફ્ટમાં નીચે ઉતારવા માટે તમામ ખોદકામ સહિતના અન્યકામ પૂર્ણ થઈ ગયા છે. તેથી બુધવારથી ટીબીએમના હિસ્સાઓને શાફ્ટમાં નીચે ઉતારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તમામ હિસ્સા નીચે ઉતાર્યા બાદ તેને જોડવામાં આવશે અને ત્યારબાદ ટનલનું ખોદકામ શરૂ કરવામાં આવશે.