Wed Jul 29 2026

Logo

ગીતા મહિમાઃ કાર્ય પાછળનો હેતુ મોહ તો નથી ને ?

2026-07-13 09:03:00
Author: Sarangpreet
Article Image

 

સારંગપ્રીત

ગત અંકમાં શાંતિનો ઉપાય બતાવીને હવે ભગવાન કૃષ્ણ કાર્યનું પ્રેરક બળ શુદ્ધ રાખવાની પ્રેરણા આપે છે. 

ઘણીવાર આપણે માનીએ છીએ કે સારા કાર્યની પાછળ સદાય સારો ભાવ હોય છે. પણ જીવન એટલું સરળ નથી. માણસનું મન એક જંગલ છે, અહીં સદગુણોનાં વૃક્ષો પણ ઊગે છે અને દુર્ગુણોની કાંટાવાળી વનસ્પતિ પણ પાંગરે છે. 

મોહ એક એવું પ્રેરક બળ છે, જે બધાંજ પ્રેરક બળોને ચાવી જાય છે. આપણી ક્રિયાઓને ધ્યાનથી જોઈશું તો પકડાશે કે મોહ જ આપણને દોરી રહ્યો છે.  

એક ગામમાં બે ભાઈ રહેતા. મોટા ભાઈએ ગામમાં એક શાળા ખોલી. સૌએ વખાણી: કેટલું સારું કામ! નાના ભાઈએ પૂછ્યું, ભાઈ, તને શાળાનો વિચાર કેમ આવ્યો? મોટાએ હસીને કહ્યું, મારું નામ જીવતું રહે.

કાર્ય પાછળ પ્રસિદ્ધિનો મોહ ! 
આપણે ઘણીવાર દાન કરીએ છીએ. પણ ફોટોગ્રાફર વગર દાન અધૂરું લાગે, તો સમજવું જોઈએ કે અહીં દાનનો નહીં, પ્રતિષ્ઠાનો મોહ છે. આપણે સેવા કરીએ છીએ, પણ પ્રશંસા ના મળે તો મન કચવાય, તો સમજવું જોઈએ કે અહીં કરુણાનો નહીં, વખાણનો મોહ છે.

ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું કે કર્મ કર, ફળની આશા છોડ. પણ આ વાક્યનો અર્થ એ નથી કે મનુષ્ય પાસે કોઈ હેતુ ન હોય. હેતુ હોવો જ જોઈએ. પણ હેતુ એવો હોવો જોઈએ જે પોતાને પાર કરે. જે માત્ર ‘મારું’ સુધી સીમિત ન રહે, ‘અમારું’ સુધી વિસ્તરે. એક દીવો છે, જો એ પોતાને જ પ્રકાશિત કરે, તો રૂમ અંધારામાં જ રહે. એ બીજાને પ્રકાશ આપે તો પોતે પણ ઝળહળે. પણ એ વિચારવું ઘટે કે આ સર્વનો વિચાર પણ સાત્ત્વિક મોહ તો નથી ને? ઘણીવાર બીજાનું હિતકાર્ય પણ મોહમાંથી જન્મેલું હોય છે.

સંતોનું જીવન બધા મોહથી રહિત હોય છે. મોહ એટલે આસક્તિ. આસક્તિ એટલે કશાકને પકડીને રાખવાની ચાહ. સામાન્ય મનુષ્ય માટે મોહ જીવનનું કેન્દ્ર છે.મારું શબ્દમાં જ તેની ઓળખ બંધાયેલી છે. મારું ઘર, મારું કુટુંબ, મારું માન, મારું સ્થાન. પરંતુ સંતનો પ્રવાસ મારુંથી સર્વનું તરફ હોય છે. આ સર્વની ભાવના પણ પ્રભુ-પ્રેરિત હોય છે.

સાચા સંત નિર્મોહી છે એટલે તેઓ ભાવશૂન્ય નથી. તેઓ તો અત્યંત દયાળુ હોય છે. ફરક એટલો છે કે તેમની ભાવુકતા વ્યક્તિગત સીમામાં બંધાતી નથી. તેઓ એક બાળક માટે જેટલા દ્રવિત થાય છે, એટલાં જ અજાણ્યા માટે પણ થાય છે. તેમનો પ્રેમ કબજો કરતો નથી; મુક્ત કરે છે.

નિર્મોહી કાર્ય એ છે જેમાં કાર્ય મોટું હોય, કર્તા નાનો. જ્યાં મેં કર્યું કરતાં ભગવાને કર્યું વધારે સાચું લાગે. હા, સંતોના કાર્ય પાછળનો હેતુ તો ભગવાનને પ્રસન્ન કરવાનો હોય છે. તેથી તેમનું દરેક કાર્ય દીપી ઊઠે છે.

વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદનું ભાષણ ગુંજ્યું. તેઓ ઇચ્છે તો પ્રસિદ્ધિના શિખરે રહી શકતા. પરંતુ તેઓ પાછા ફર્યા. ગામડાં, ગરીબો, અજ્ઞાન અને અંધકાર વચ્ચે. તેમને નામનો મોહ હોત તો તેઓ પ્રકાશમાં રહેતા. તેઓએ અંધકાર પસંદ કર્યો, કારણ કે ત્યાં સેવા હતી. જે સત્ય માટે બોલે, તે નિર્મોહી હોય છે. મોહ હંમેશાં ભય પેદા કરે છે, લોકો શું કહેશે?, પરંતુ નિર્મોહી મનુષ્યને આ ભય નથી.

નિર્મોહી જીવનના ત્રણ ચિહ્ન સ્પષ્ટ છે. પ્રથમકર્તાપણાનો અભાવ. સંત કહે છે, હું કરતો નથી, કરાવનાર કોઈ બીજું છે. આ વાક્યમાં અહંકાર ઓગળી જાય છે. બીજું પરિણામથી અલિપ્તતા. કાર્ય સફળ થાય કે નિષ્ફળ, તેમની શાંતિ અડગ રહે છે. ત્રીજું સર્વવ્યાપી પ્રેમ. તેઓ પોતાના અને પરના ભેદમાં બંધાતા નથી.

સંતનું જીવન કમળ જેવું છે. કમળ પાણીમાં રહે છે, પરંતુ પાણી તેની પાંખડીને ભીંજવી શકતું નથી. તેઓ સમાજમાં રહે છે, સમાજની વચ્ચે કાર્ય કરે છે, પણ સમાજની પ્રશંસા કે નિંદા તેમને બંધક બનાવી શકતી નથી. એક શિષ્યે પોતાના ગુરુને પૂછ્યું: ગુરુજી, તમે એટલું બધું કરો છો. તમને શું મળે છે? ગુરુએ નદી તરફ જોઈને કહ્યું: નદી શું લે છે? એ તો વહે છે. જે પીવે તે તૃપ્ત થાય. નદીનો હિસ્સો તો વહેતા રહેવાનો છે.

મહંત સ્વામી મહારાજ કહે છે, સંતો નદી જેવા છે. તેઓ અટકતા નથી, ગણતરી કરતા નથી, અપેક્ષા રાખતા નથી. તેમનું જીવન ઉપદેશ નહીં, પ્રભુની ઉપસ્થિતિ છે.