સારંગપ્રીત
ગત અંકમાં ભગવાનની કૃપાથી સિદ્ધિની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ કર્તવ્ય પથ પર ‘ના’ને ના કહેવાની યુક્તિ બતાવે છે.
યુદ્ધભૂમિ પર અર્જુન કર્તવ્યથી પલાયન કરે છે ત્યારે તે વૈરાગ્ય નહીં, અહંકારની સૂક્ષ્મ છાયા છે. હું નહીં લડું કહેવામાં કરુણા કરતાં ‘હું’ વધુ પ્રબળ છે. મારી ભાવના, મારી વ્યથા, મારું દુ:ખ. શ્રીકૃષ્ણ ત્યારે અર્જુનને સ્પષ્ટ કહી દે છે કે કર્તવ્યથી ભાગી શકાતું નથી; કારણ કે તારો સ્વભાવ ક્ષત્રિયનો છે અને તારી પ્રકૃતિ તને કર્મ કરાવ્યા વિના રહેશે નહીં. આજે જો તું ધનુષ્ય મૂકે છે, તો કાલે તારી જ પ્રકૃતિ તને લડાવશે; ક્યારેક પસ્તાવાથી, ક્યારેક અપમાનથી, તો ક્યારેક અંતરના દાહથી. કર્મ ન કરવું પણ એક કર્મ જ છે, અને તે કર્મ બાંધે છે. તેથી શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે અહંકારપૂર્વક કર્તવ્યની ના કહેવા કરતાં, નિષ્કામ ભાવથી કર્તવ્ય સ્વીકારવું જ મુક્તિનો માર્ગ છે.
માનવ જીવનમાં પલાયનનું સૌથી નાજુક અને ચતુર રૂપ હોય તો તે છે, કર્તવ્યની ના. હા, ક્યારેક તે ‘ના પાડવાની કળા’ જેવા મોટીવેશનલ શબ્દોના રૂપે દેખાય. આ ના સીધી દેખાતી નથી; તે અહંકારના રેશમી પડદામાં છુપાઈને આવે છે. બહારથી તે વિચારની સ્વતંત્રતા લાગે, પણ અંદરથી તે આત્માની હાર હોય છે. કર્તવ્ય સામે આંખ મીંચી લેવી એ કોઈ જીત નથી, એ તો અંતરની દીવાલમાં પહેલી તિરાડ છે.
કર્તવ્ય હંમેશાં ભારરૂપે આવતું નથી; ઘણીવાર તે કરુણ અવાજે બોલાવે છે. આ કરવું જોઈએ, આ શબ્દોમાં સંસ્કારનું સ્મરણ છે. પણ અહંકાર ત્યાં જ કાન બંધ કરે છે. અહંકાર કહે છે, હું કેમ કરું? અને આ ‘હું’ના એક અક્ષરમાં સમગ્ર અંધકાર સમાઈ જાય છે. જ્યાં ‘હું’ મોટું થાય છે, ત્યાં ‘હોવું જોઈએ’ નાનું થઈ જાય છે.
કર્તવ્યની ‘ના’ મૂળમાં એકલું આળસ નથી, અસમર્થતા નથી, મોટાભાગે તે અહંકાર છે. અહંકારને કર્તવ્ય ગમે નહીં, કારણ કે કર્તવ્ય નમ્રતા માગે છે. કર્તવ્ય કહે છે, તું નથી કેન્દ્રમાં, તારા કરતા મોટું કંઈક છે. અને અહંકાર ત્યાં જ બળવો કરે છે. તેને માથું ઝુકાવવું અપમાન લાગે છે, સેવા કરવી નબળાઈ લાગે છે, અને ફરજ બજાવવી બાંધછોડ લાગે છે.
હા, જે કર્તવ્યથી ભાગે છે, તે જીવનની જવાબદારીથી પણ ભાગે છે. તે કહે છે, મારે શું? પણ સમય પૂછે છે, તમે શું? કર્તવ્યની ના કહેનાર માણસ ક્ષણિક રીતે હળવો લાગે છે, પરંતુ અંદરથી ખાલી થતો જાય છે. કારણ કે કર્તવ્ય આત્માને વજન આપે છે, અર્થ આપે છે, ઊંડાણ આપે છે.
અહંકારનો સ્વભાવ આગ જેવો છે. તે પોતાને જ બાળે છે. કર્તવ્યને નકારનાર અહંકાર શરૂઆતમાં જીતેલો લાગે છે, પણ અંતે તે એકલું પડે છે. સમાજથી વિમુખ, સંબંધોથી દૂર અને અંતરમાં ખાલી. કારણ કે કર્તવ્ય એ જ સંબંધની પાયાની ઈંટ છે. જ્યાં કર્તવ્ય તૂટે છે, ત્યાં વિશ્વાસ પણ ચીરાઈ જાય છે.
કર્તવ્યના સ્વીકારમાં અહંકાર ઓગળી જાય છે. જે વ્યક્તિ કર્તવ્યને નમન કરે છે, તે કોઈની સામે નાની નથી બનતી; તે પોતાના વિજયપથ પર ચાલે છે. ગુરુ અને શાસ્ત્રે બતાવેલું કર્તવ્ય આપણને બાંધતું નથી. તે મુક્ત કરે છે. મુક્ત કરે છે સ્વાર્થથી, અંધતાથી અને ખોટી મહત્ત્વાકાંક્ષાથી.
અંતે પ્રશ્ન એ નથી કે કર્તવ્ય કેટલું કઠિન છે. પ્રશ્ન એ છે કે આપણો અહંકાર કેટલો ઊંચો છે. જ્યાં અહંકાર નમ્યો, ત્યાં કર્તવ્ય ફૂલ્યું. અને જ્યાં કર્તવ્ય ફૂલ્યું, ત્યાં જીવનમાં સૌંદર્ય, અર્થ અને શાંતિ આપમેળે પ્રસરી ગયા. કર્તવ્યની હા, આ જ અહંકારની સાચી વિદાય છે.
કર્તવ્યપથ પર સ્વની ભાવના ત્યજીને ગુરુઆજ્ઞામાં સર્વસ્વ સમર્પિત કરનાર મહાન શિષ્યનું જીવંત સ્વરૂપ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. ગુરુ યોગીજી મહારાજે જ્યારે દિલ્હીમાં યમુનાકાંઠે મંદિર બનાવવાની આજ્ઞા કરી, ત્યારે માનવીય દૃષ્ટિએ તે અશક્યતાના કિનારે ઊભેલી કલ્પના હતી.
જમીન, સંસાધન, પરિસ્થિતિ, બધું જ અલ્પ અને વિઘ્નો અમાપ ! પરંતુ જ્યાં અહંકાર નથી, ત્યાં ‘અશક્ય’ શબ્દનું અસ્તિત્વ રહેતું નથી. પ્રમુખ સ્વામી મહારાજે એક ક્ષણ માટે પણ કેમ? કે બીજે કેમ નહીં? એવું પૂછ્યું નહીં; કારણ કે જ્યાં ગુરુઆજ્ઞા ત્યાં પ્રશ્ન નથી, તે તો શ્વાસ જેવી સ્વાભાવિક હોય છે. આજ્ઞાને શીરે ચડાવી, તપ, ધૈર્ય અને અખૂટ શ્રદ્ધાથી તેમણે દિલ્હીનું અક્ષરધામ ઊભું કર્યું. તે માત્ર મંદિર નહીં, પણ ગુરુભક્તિની શિલ્પકલા છે.