Wed Jul 29 2026

Logo

ગીતા મહિમાઃ બુદ્ધિયોગ

2026-06-29 08:44:00
Author: Sarangpreet
Article Image

 

સારંગપ્રીત

ગત અંકમાં કર્તવ્યનો બોધ આપીને હવે ભગવાન કૃષ્ણ બુદ્ધિયોગની છણાવટ કરે છે.

અર્જુન કુરુક્ષેત્રમાં ઊભો છે. સામે સ્વજનો છે, ગુરુ છે, મિત્ર છે. હાથમાંથી ગાંડીવ સરકી જાય છે. આ ક્ષણમાં શ્રીકૃષ્ણ કોઈ શસ્ત્ર આપતા નથી, કોઈ વ્યૂહરચના નથી શીખવતા; તેઓ એક દૃષ્ટિ આપે છે બુદ્ધિયોગ. ગીતા કહે છે: બુદ્ધિ ભગવાનમાં જોડાય ત્યારે મનુષ્ય સુખ-દુ:ખ, લાભ-હાનિ, જીત-હાર જેવાં બધાં દ્વંદ્વોથી ઉપર ઊઠે છે. આ બુદ્ધિયોગ છે.

સ્પષ્ટ છે કે બુદ્ધિયોગનો અર્થ માત્ર ચતુરાઈ નથી. એ તો એવી સ્વચ્છ બુદ્ધિ છે જે અહંકારથી મુક્ત હોય, આસક્તિથી છૂટેલી હોય અને ધર્મના પ્રકાશમાં નિર્ણય લેતી હોય. ભગવાન અને માયિક જગત વચ્ચેનો સૂક્ષ્મ ભેદ બુદ્ધિયોગ શીખવે છે.  

બુદ્ધિયોગ એ મનની આંખે દિવ્ય ચશ્માં પહેરાવવાનું શાસ્ત્ર છે. ચશ્માં સ્વચ્છ હોય તો દૃશ્ય સાચું દેખાય. અહંકાર, ક્રોધ, લોભ આ બધું ધૂળ છે. ધૂળ ચડેલી બુદ્ધિ તાત્કાલિક લાભ જુએ છે; શુદ્ધ બુદ્ધિ દીર્ઘકાલીન કલ્યાણ જુએ છે.  

બુદ્ધિયોગનો આરંભ નિર્ણયાત્મક બુદ્ધિથી થાય છે. એક સરળ ઉદાહરણ લઈએ. એક વેપારી છે. બજારમાં મંદી છે. બે રસ્તા છે; એક, ગુણવત્તા ઘટાડીને નફો બચાવવો; બીજો, નુકસાન સહન કરીને પણ નીતિ જાળવવી. પહેલો રસ્તો તરત લાભ આપે છે, બીજો રસ્તો શાંતિ આપે છે. જો નિર્ણય લોભથી લેવાય તો બુદ્ધિ બહેરી બની જાય; જો નિર્ણય ધર્મથી લેવાય તો બુદ્ધિ પ્રકાશિત થાય. બુદ્ધિયોગ ધરાવતો વેપારી જાણે છે કે વિશ્વાસ તૂટે તો વ્યવસાય બચતો નથી. આજે નુકસાન સ્વીકારી લેવું આ ફળત્યાગ છે. કાલે વિશ્વાસનું ફળ મળવાનું છે આ કૃપા છે.

આજના સમયમાં આ પ્રારંભિક બુદ્ધિયોગ પણ વધુ પ્રાસંગિક છે. આજે માહિતીનું પૂર છે, મતભેદોની આંધી છે, લાગણીઓનો ઉછાળો છે. અહીં બુદ્ધિયોગ કહે છે, પ્રતિક્રિયા નહીં, યથાર્થ પ્રતિભાવ આપો. ગુસ્સામાં નિર્ણય નહીં, વિવેકમાં નિર્ણય લો. મન કહે હમણાં, બુદ્ધિ કહે વિચાર પછી. આ વિચાર પછીમાં જ માનવ ઊંચો બને છે.

અહીં સમજવાનું છે કે ગીતા કથિત બુદ્ધિયોગ કેવળ નિર્ણય ક્ષમતા કે સાત્ત્વિક ભૂમિકા સુધી સીમિત નથી. ‘બુદ્ધિયોગ’ કોઈ માત્ર લૌકિક સમજદારી કે વ્યવહારુ નિર્ણયશક્તિ નથી. તે તો આત્માને પરમાત્મા સાથે અખંડ રીતે જોડનાર દૈવી 
સેતુ છે. 

અહીં બુદ્ધિયોગ એટલે ભગવાનને પામવાની બુદ્ધિ! અર્થાત ભગવાનમાં અડગ નિષ્ઠા, અખંડ સ્મૃતિ અને અનન્ય આશ્રય.

આ બુદ્ધિયોગ મનુષ્યના પ્રયત્નથી માત્ર સિદ્ધ થતો નથી. લૌકિક બુદ્ધિ તો અભ્યાસ, અનુભવ અને ચતુરાઈથી વિકસે છે; પરંતુ ભગવાનપ્રાપ્તિનાં સાધનરૂપ બુદ્ધિયોગ ભગવાનની પ્રસન્નતાથી મળે છે. જયારે જીવ ભગવાનમાં સાચા અર્થમાં જોડાય છે. નિષ્ઠા, પ્રીતિ અને સમર્પણ હોય ત્યારે ભગવાન પોતે તેની બુદ્ધિને દિવ્ય બનાવે છે. એ બુદ્ધિ પછી સંશય કરતી નથી, દોલાયમાન થતી નથી, અને વિકલ્પોમાં ભટકતી નથી; તે સીધી ભગવાન તરફ વળી જાય છે.

સ્વામિનારાયણ દર્શનમાં સ્પષ્ટ છે કે બુદ્ધિયોગનો અંતિમ હેતુ લૌકિક સુખ કે સફળતા નથી, પરંતુ ભગવાન સાથે અખંડ સંબંધ છે. અક્ષરધામની પ્રાપ્તિ છે. જ્યારે આ નિષ્ઠા સ્થિર થાય છે, ત્યારે કર્મ, સુખ-દુ:ખ, લાભ-હાનિ, આ બધું જીવને બાંધતું નથી. કારણ કે બુદ્ધિ હવે સંસારથી નહીં, ભગવાનથી પ્રકાશિત થવા લાગી છે.

લૌકિક બુદ્ધિ દીવો છે, બુદ્ધિયોગ સૂર્ય છે. દીવો રસ્તો બતાવે છે, સૂર્ય દિશા આપે છે. દીવો હાથમાં રાખવો પડે છે, સૂર્ય આપોઆપ પ્રકાશ આપે છે. જયારે ભગવાન પ્રસન્ન થાય છે, ત્યારે તે જીવના આંતરિક આકાશમાં બુદ્ધિયોગનો સૂર્ય ઉગાડે છે. પછી જીવને પૂછવું નથી પડતું કે શું કરું?, કારણ કે ભગવાનપ્રેરિત બુદ્ધિ આપમેળે સાચો માર્ગ બતાવે છે.

આવો બુદ્ધિયોગ ભક્તને અહંકારથી બચાવે છે. કારણ કે તે જાણે છે. આ બુદ્ધિ મારી નથી, ભગવાનની ભેટ છે. તેથી સ્વામિનારાયણ દર્શનમાં બુદ્ધિયોગ અને વિનય અવિભાજ્ય છે. જ્યાં અહંકાર આવે છે, ત્યાં બુદ્ધિયોગ લુપ્ત થઈ જાય છે; જ્યાં દાસભાવ ગાઢ થાય છે, ત્યાં બુદ્ધિયોગ પ્રગટે છે.

મહંત સ્વામી મહારાજ સમજાવે છે- બુદ્ધિયોગ એ ભગવાન તરફ જતો કેવળ માર્ગ નથી. એ તો ભગવાન પોતે જીવને હાથ પકડીને પોતાના તરફ ખેંચે તે કૃપા છે. જીવ પ્રયત્ન કરે છે, સાધના કરે છે, નિષ્ઠા રાખે છે; પરંતુ જ્યારે ભગવાન પ્રસન્ન થાય છે, ત્યારે ભગવાન જ બુદ્ધિયોગ આપે છે. અને એ બુદ્ધિયોગ જીવને સંસાર પાર કરાવીને પરમાત્માનાં ચરણોમાં સ્થિર કરી દે છે.