હેમુ ભીખુ
વેદાંત-દર્શનના ચાર ખૂબ પ્રસિદ્ધ મહાવાક્ય. એમ કહી શકાય કે આ વાક્ય વેદ અને ઉપનિષદોનો સાર છે, જે આત્મા અને બ્રહ્મની એકતા સમજાવે છે. અદ્વૈત સિદ્ધાંતનો આ આધાર છે. આ ચારેય વાક્ય અલગ અલગ વેદ અને ઉપનિષદમાંથી લેવામાં આવ્યા છે. આ ચાર વાક્ય છે; પ્રજ્ઞાનં બ્રહ્મ, અહં બ્રહ્માસ્મિ, તત્ત્વમસિ અને અયમાત્મા બ્રહ્મ. ચારેય મહાવાક્યો ઉપનિષદોમાંથી લેવાયા છે જેને જે વેદોના અંતિમ ભાગ, અંતિમ તબક્કા, અંતિમ સાર - વેદાંત તરીકે લેવાય છે.
‘પ્રજ્ઞાનં બ્રહ્મ’ એ ઋગ્વેદના ઐતરેય ઉપનિષદનું મહા વાક્ય છે જેનો અર્થ થાય છે કે ‘ચેતના જ બ્રહ્મ છે’. જે ચેતના સમગ્ર સૃષ્ટિમાં પ્રસરે છે, વિચરે છે, જાણે છે, અનુભવ કરે છે તે જ પરમ સત્ય છે - ચેતના જ ઈશ્વરનું સ્વરૂપ છે. ‘અહં બ્રહ્માસ્મિ’ યજુર્વેદના બૃહદારણ્યક ઉપનિષદમાંથી લેવાયેલ વાક્ય છે જેનો અર્થ થાય છે કે ‘હું બ્રહ્મ છું’. આ કંઈક અહંકારને આધારે કહેવાયેલું વિધાન નથી, આ તો વ્યક્તિનું પોતાનું સાચું આત્મસ્વરૂપ-બ્રહ્મસ્વરૂપ સમજવાની વાત છે.
‘તત્ત્વમસિ’ સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાંથી લેવાયેલું વાક્ય છે જેનો અર્થ થાય છે કે ‘તું એ જ છે’. ઋષિ ઉદ્દાલક આરુણીએ પોતાના પુત્ર શ્વેતકેતુને સમજાવવા જણાવ્યું હતું કે તું અને બ્રહ્મ અલગ નથી. જ્યારે ‘અયમાત્મા બ્રહ્મ’ એ અથર્વવેદના માંડૂક્ય ઉપનિષદનું વાક્ય છે જેનો અર્થ થાય છે કે ‘આ આત્મા જ બ્રહ્મ છે’, અર્થાત્ પોતાનો આત્મા અને પરમાત્મા એક જ છે. આ ચાર મહાવાક્ય માત્ર વાક્ય નથી, તે વેદાંત-દર્શનના તત્ત્વજ્ઞાનનો સાર છે. આ ચારેય મહાવાક્યોનો સંક્ષિપ્ત સાર સ્થૂળ સૂક્ષ્મ અને કારણ અસ્તિત્વ વચ્ચે રહેલી એકતા સમજાવવાનો છે.
અદ્વૈત સિદ્ધાંતની આ વિચારધારાના, આ દર્શનના પ્રખર પ્રચારક આદિ શંકરાચાર્ય હતાં. તેમણે એ સમજાવવા પ્રયત્ન કર્યો છે કે જીવ-આત્મા અને બ્રહ્મ અલગ નથી. જે અલગતા અનુભવાય છે તે અવિદ્યા અને અજ્ઞાનનું પરિણામ છે. માયાના પ્રપંચને કારણે દ્વૈત-ભેદ પ્રતીત થાય છે. અવિદ્યા અને અજ્ઞાન દૂર થતાં તે એકત્વની અનુભૂતિ શક્ય બને છે. જીવ અને શિવ વચ્ચેની એકતા સમજવાની છે. બ્રહ્મસ્વરૂપ - પોતાનાં સ્વરૂપને ઓળખવાનું છે. પોતે બ્રહ્મથી ભિન્ન નથી, તેની પ્રતીતિ કરવાની છે.
જેમ હું બ્રહ્મ છું તેમ તમે પણ બ્રહ્મ છો. આ ચેતના જેમ બ્રહ્મ છે તેમ આત્મા પણ તે જ બ્રહ્મ છે. આ સમીકરણ અદભુત છે. આ ચારેયને એક સાથે જોવામાં આવે તો એમ જાણી શકાય કે; ‘જે હું છું તે જ તમે છો, જેમ હું આત્મસ્વરૂપ છું તેમ તમે પણ આત્મસ્વરૂપ છું. આ આત્મા જ પરમ તત્વ છે, જે મારામાં અને તમારામાં સમાન છે. આ આત્મા જ ચેતના છે અને તે પણ મારામાં અને તમારામાં સમાન છે.
હું જેમ ચેતના છું તેમ તમે પણ ચેતના છો’. અહીં દરેક ભેદ જાણે લુપ્ત થઈ જાય છે. હું, તમે, આત્મા અને ચેતના; જાણે પરસ્પરનાં પર્યાય બની જાય છે. વિશ્વમાં પ્રવર્તમાન ઐક્ય સમજવા માટે આ અદ્ભુત, વાસ્તવિક તેમજ શાશ્વત જ્ઞાન છે. અહીં એ પ્રતિત થાય છે કે જેમ વ્યક્તિ અને પરમ સત્ય વચ્ચે કોઈ ભેદ નથી તેમ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પણ ભેદ નથી તથા ચૈતન્ય અને આત્મા વચ્ચે પણ ભેદ નથી. દ્વૈતભાવનું અહીં સંપૂર્ણતામાં ખંડન થઈ જાય છે.
અદ્વૈત મુજબ દુ:ખનું મૂળ કારણ છે અવિદ્યા અને અજ્ઞાન છે જેને કારણે અહંકાર સ્થાપિત થાય છે અને એમ માની લેવાય છે કે વ્યક્તિ શરીર અને મન છે. તેની અપેક્ષાએ વાસ્તવિકતા એ છે કે વ્યક્તિ શરીર તથા મન નથી; પરંતુ શુદ્ધ ચૈતન્ય આત્મા છે. જ્યારે આ વાત સમજમાં આવે ત્યારે મોહ, ભય, ચિંતા, અહંકાર, મમત્વ, વિવિધ પ્રકારનાં ભાવ તથા અસ્તિત્વ સાથે જોડાયેલાં ભ્રામક સમીકરણો નષ્ટ થાય છે. આ સમજથી સમત્વનો ભાવ પણ જાગ્રત થાય અને એકત્વની અનુભૂતિ પણ થાય.
એમ કહેવાય છે કે આત્મ સાક્ષાત્કારનો આ સીધો, સરળ અને સ્પષ્ટ માર્ગ છે. જો આ મહાવાક્યને શ્રવણ-મનન-નિદિધ્યાસન દ્વારા સમજવામાં આવે તો મુક્તિનો માર્ગ સહજ બની રહે. અદ્વૈત સિદ્ધાંત અનુસાર મુક્તિ કંઈ પ્રાપ્ત કરવાની સ્થિતિ નથી, તે તો પોતાની સાચી ઓળખ મેળવવાથી અનુભવમાં આવતી થતી સ્થિતિ છે. વ્યક્તિ પોતે બ્રહ્મ નથી તે પ્રકારનું અજ્ઞાન દૂર કરવાથી બ્રહ્મપણું અનુભવમાં આવે. આ પ્રકારનો પ્રયાસ જ મુક્તિનું દ્વાર છે. ક્યારેક આ આત્માને સમજવા માટે ‘નેતિ નેતિ’ માર્ગ પણ લેવાય છે, જેનો અર્થ થાય છે ‘ન ઇતિ, ન ઇતિ’ અર્થાત ‘આ નથી, આ પણ નથી’.
આ વિધાન બ્રહ્મ માટે છે. આ ચાર મહાવાક્યમાં બ્રહ્મ શું છે તેમ દર્શાવવામાં આવ્યું છે અને ત્યાં સુધી પહોંચવા માટે જે જે બાબત બ્રહ્મ નથી તેની બાદબાકી કરવાની આ પ્રક્રિયા છે. બ્રહ્મને સમજાવવા માટે જે બ્રહ્મ નથી તેની ખાતરી હોય તેને દૂર કરતાં જવું. બ્રહ્મ ઇન્દ્રિયોના વિષયનું ક્ષેત્ર નથી, તે મનની પહોંચની બહાર છે, બુદ્ધિની ક્ષમતા પણ ત્યાં સુધી વિચારી શકતી નથી, ચિત્તમાં એકત્રિત સંસ્કાર તેમજ ડહાપણ થકી પણ ત્યાં પહોંચી શકાતું નથી અને સાત્વિક અહંકાર પણ ક્યારેક બાધા બની જાય.
આવા સંજોગોમાં ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સાથે સંકળાયેલી દરેક બાબત, એ કે જેની સાથે આકાર અને ગુણધર્મો સંકળાયેલા હોય, તેની બાદબાકી કરવાથી અંતે જે વધે તે આત્મા; કારણ કે તો આત્મા નિરાકાર અને નિર્ગુણ છે. પથ્થરમાંથી મૂર્તિ બનાવતી વખતે પથ્થરનો જે ભાગ મૂર્તિનો હિસ્સો ન હોય તેને દૂર કરવાથી મૂર્તિ આપમેળે પ્રગટ થાય; આ કંઈક આવી ઘટના છે. આ સમગ્ર પ્રક્રિયામાં દર્પણ જોવાનું છે, દર્પણમાં દેખાતું પ્રતિબિંબ નહીં. સાર એટલો જ કે ‘તું જે શોધી રહ્યો છે, તે તું પોતે જ છે’.