Fri Apr 17 2026

Logo

ફાઈનાન્સના ફંડાઃ 40 ટકા EMI રૂલ: દેવું ને આવક વચ્ચે સંતુલન રાખવાની ચાવી

2026-03-31 09:30:00
Author: Mitali Mehta
Article Image

મિતાલી મહેતા

સામાન્ય રીતે વ્યક્તિગત નાણાકીય આયોજનમાં બચત અને રોકાણ પર વધુ ભાર મૂકવામાં આવે છે, પરંતુ  લોન લેવી એ પણ આધુનિક નાણાકીય જીવનનો એક અવિભાજ્ય ભાગ છે. પોતાનું ઘર, ઉચ્ચ શિક્ષણ કે વાહન ખરીદવા જેવા જીવનનાં મહત્ત્વપૂર્ણ લક્ષ્યોને સમયસર પૂરા કરવામાં લોન ઘણીવાર સીડી સમાન બને છે. ખાસ કરીને આજના સમયમાં, જ્યાં માત્ર થોડા ક્લિક્સમાં લોન ઉપલબ્ધ છે.


જોકે, જે લોન પ્રગતિમાં મદદરૂપ થાય છે, તે જ જો મર્યાદા બહાર જાય તો તમારી નાણાકીય સ્થિરતા અને માનસિક શાંતિ જોખમાવી શકે છે.
અહીં એક પાયાનો પ્રશ્ન ઊભો થાય છે: લોન કેટલી લેવી સલામત ગણાય?
આ પ્રશ્નનો વ્યવહારુ ઉકેલ આપે છે 40 ટકા EMI રૂલ.

શું છે 40 ટકા EMI રૂલ?

આ નિયમ મુજબ, તમારા તમામ પ્રકારની લોનના માસિક હપ્તાઓ નો કુલ સરવાળો તમારી માસિક ચોખ્ખી આવકના 40 ટકા થી વધુ ન હોવો જોઈએ.
સરળ ગણિતમાં કહીએ તો:
કુલ માસિક ઈએમઆઈ માસિક આવકના 40 ટકા
આ 40 ટકા ની મર્યાદામાં આ મુજબની તમામ લોનનો સમાવેશ થાય છે, જેમકે...

*  હોમ લોન

*  વાહન લોન

*  પર્સનલ લોન

*  એજ્યુકેશન લોન

*  ક્રેડિટ કાર્ડના હપ્તા

ઉદાહરણ તરીકે જો તમારી માસિક આવક ₹1,00,000 હોય, તો તમારા તમામ હપ્તા મળીને મહત્તમ ₹40,000ની અંદર જ રહેવા જોઈએ. આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ એ છે કે દેવું તમારી આવક પર હાવી ન થઈ જાય.


આ નિયમ કેમ અનિવાર્ય છે?

જ્યારે તમે લોન માટે અરજી કરો છો, ત્યારે બેંકો તમારી ચુકવણી કરવાની ક્ષમતા તપાસે છે. એ જુએ છે કે તમારી આવકનો કેટલો ભાગ પહેલેથી જ દેવું ચૂકવવામાં વપરાય છે.

જો તમારી આવકનો મોટો હિસ્સો માત્ર હપ્તા ભરવામાં જ જતો રહે તો નાની એવી નાણાકીય મુશ્કેલી જેમ કે પગારમાં ઘટાડો અથવા અચાનક આવી પડતો તબીબી ખર્ચ તમને દેવાની જાળમાં ફસાવી શકે છે માટે EMI ને 40% સુધી મર્યાદિત રાખવાથી તમારી પાસે ઘરખર્ચ, બચત અને કટોકટીના સમય માટે પૂરતી નાણાકીય લવચીકતા રહે છે.


સરળ લોનમાં છુપાયેલું જોખમ

આજના ડિજિટલ યુગમાં ‘ઇન્સ્ટન્ટ લોન’ અને ‘પ્રી-અપ્રૂવ્ડ ઓફર્સ’ને કારણે દેવું લેવું અત્યંત સરળ બની ગયું છે. આ સરળતા લાભદાયી છે, પરંતુ તે ઘણીવાર લોકોને તેમની ક્ષમતા કરતાં વધુ લોન લેવા પ્રેરે છે. સ્થિર પરિસ્થિતિમાં વધુ હપ્તા સંભાળી શકાય તેવા લાગે, પરંતુ વધતો જીવનનિર્વાહ ખર્ચ કે કારકિર્દીમાં આવતા ઉતાર-ચઢાવ તમારી આર્થિક ગાડી પાટા પરથી ઉતારી શકે છે. 40% નો આ નિયમ એક ‘સેફ્ટી લાઇન’ તરીકે કામ કરે છે, જે તમને અતિશય દેવાના બોજથી બચાવે છે.


એક માપદંડ, જડ નિયમ નહીં

બધા નાણાકીય નિયમોની જેમ, આ નિયમમાં પણ તમારી સ્થિતિ મુજબ ફેરફાર થઈ શકે છે. તમે કેટલું દેવું લઈ શકો તેનો આધાર કેટલાંક પરિબળો પર છે:
* આવકની સ્થિરતા: તમારી નોકરી કે વ્યવસાયમાં આવક કેટલી નિશ્ર્ચિત છે?
* ઈમર્જન્સી ફંડ: તમારી પાસે મુશ્કેલ સમય માટે કેટલી બચત તૈયાર છે?
* જવાબદારીઓ: તમારા પરિવારમાં નિર્ભર સભ્યોની સંખ્યા કેટલી છે?
જેમની પાસે સારી બચત અને સ્થિર આવક છે, તે કદાચ થોડો વધારે બોજ ઉઠાવી શકે, પરંતુ અનિયમિત આવક ધરાવતા લોકો માટે આ મર્યાદા 40% થી પણ ઓછી રાખવી હિતાવહ છે. મુખ્ય સિદ્ધાંત એ છે કે લોન તમારાં લક્ષ્યોને પૂરા કરવામાં મદદરૂપ હોવી જોઈએ, તેને જોખમમાં મૂકનારી નહીં.

ટૂંકમાં....

દેવું એ જોખમી નથી, જો તેનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવામાં આવે. સાચી નાણાકીય શક્તિ એમાં નથી કે તમે કેટલી મોટી લોન મેળવી શકો છો, પરંતુ એમાં છે કે તમે તેને કેટલી સરળતાથી ચૂકવી શકો છો.

અહીં 40 ટકા EMI રૂલ આપણને યાદ અપાવે છે કે નાણાકીય આયોજન એ આજની જવાબદારીઓ અને આવતીકાલની સુરક્ષા વચ્ચેનું સંતુલન છે. અંતે, શ્રેષ્ઠ લોન એ જ છે જે તમારી પ્રગતિમાં આડખીલી ન બને અને તમને તણાવમુક્ત જીવન જીવવા દે.