Sun Jun 21 2026

Logo

Fathers Day 2026: ફાધર્સ ડે પર પપ્પાને આપો આ ખાસ ગિફ્ટ, બજેટ પણ નહીં ખોરવાય અને પપ્પાનો ચહેરો પણ ખુશીથી ખીલી ઉઠશે!

2026-06-20 21:16:03
Author: Darshana Visaria
Article Image

દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે 'ફાધર્સ ડે' ઉજવવામાં આવે છે. આ દિવસ એ વ્યક્તિનો આભાર માનવાનો છે જે આપણી ખુશીઓ માટે આખો દિવસ સખત મહેનત કરે છે - એટલે કે આપણા પપ્પા. પપ્પા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે ગિફ્ટ આપવી એ એક સરસ રીત છે, પરંતુ પપ્પા હંમેશા આપણને બિનજરૂરી ખર્ચ કરવાની ના પાડતા હોય છે. જો તમે પણ આ ફાધર્સ ડે પર પપ્પા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા છો અને તમારું બજેટ ઓછું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં કેટલાક એવા પોકેટ-ફ્રેન્ડલી અને બજેટ-ફ્રેન્ડલી ગિફ્ટ આઈડિયાઝ આપેલા છે, જે તમારા ખિસ્સા પર ભારે પણ નહીં પડે અને પપ્પાને પણ ખૂબ જ ગમશે.

પર્સનલાઈઝ્ડ ફોટો ફ્રેમ અથવા મગ 

તમારા અને પપ્પાના બાળપણના અથવા કોઈ ખાસ ટ્રિપના જૂના યાદગાર ફોટાને ભેગા કરીને એક સરસ કોલાજ કે ફોટો ફ્રેમ બનાવી શકો છો. આ સિવાય આજકાલ 'બેસ્ટ ડેડ એવર' લખેલા કસ્ટમાઇઝ્ડ કોફી મગ પણ ખૂબ ઓછા બજેટમાં મળી જાય છે. જ્યારે પણ પપ્પા સવારે તેમાં ચા કે કોફી પીશે, ત્યારે તેમના ચહેરા પર એક મીઠું સ્મિત આવી જશે.

લેધર વોલેટ અથવા બેલ્ટ 

પુરુષો માટે સૌથી ઉપયોગી ગિફ્ટ જો કોઈ હોય તો તે છે નવું પાકીટ કે પછી બેલ્ટ. પપ્પા ઘણીવાર પોતાનું પાકીટ ઘસાઈ જાય તો પણ નવું ખરીદતા નથી. આવામાં તમે તેમને એક ક્લાસિક બ્લેક કે બ્રાઉન કલરનું લેધર વોલેટ ગિફ્ટ કરી શકો છો. આ એક એવી વસ્તુ છે જે લાંબો સમય ચાલશે અને રોજ તેમના કામમાં આવશે.

વોકિંગ શૂઝ કે ફૂટવેયર ગિફ્ટ કરો

જો બજેટની ચિંતા ના હોય તો તમે તમારા પપ્પા સવારે કે સાંજે વોકિંગ કરવા જતા હોય, તો તમે તેમને કોઈ સારી બ્રાન્ડના લાઈટ-વેઈટ અને આરામદાયક રનિંગ કે વોકિંગ શૂઝ ગિફ્ટ કરી શકો છો. ઓનલાઈન સેલ અથવા લોકલ માર્કેટમાં આવા શૂઝ ખૂબ જ વ્યાજબી કિંમતે મળી રહે છે. આ ગિફ્ટ તમારા પપ્પાના સ્વાસ્થ્ય પ્રત્યેની તમારી કાળજી દર્શાવશે.

બૂક કે ડાયરી ગિફ્ટ કરો

જો પપ્પાને વાંચવાનો કે લખવાનો શોખ હોય, તો તેમના મનપસંદ લેખકનું કોઈ પ્રેરણાદાયી પુસ્તક અથવા ધાર્મિક પુસ્તક ગિફ્ટ કરવું એ એક બેસ્ટ ઓપ્શન છે. આ સિવાય તમે તેમને એક પ્રીમિયમ લુક વાળી પેન અને ડાયરી પણ આપી શકો છો, જેમાં તેઓ પોતાના રોજિંદા વિચારો કે હિસાબ લખી શકે.

પપ્પા માટે પોતાના હાથે કોઈ ખાસ ડિશ બનાવો

ગિફ્ટ માત્ર બજારમાંથી ખરીદેલી જ હોય તે જરૂરી નથી. તમે ફાધર્સ ડેના દિવસે પપ્પા માટે સવારનો ખાસ નાસ્તો કે તેમની મનપસંદ રસોઈ પોતાના હાથે બનાવીને તેમને સરપ્રાઈઝ આપી શકો છો. તમારી આ નાની મહેનત પપ્પા માટે દુનિયાની કોઈપણ મોંઘી ગિફ્ટ કરતાં વધુ કિંમતી સાબિત થશે.

તો આ ફાધર્સ ડે પર પપ્પા માટે કંઈક નાનું તો નાનું સરપ્રાઈઝ પ્લાન કરીને તેમને સ્પેશિયલ ફિલ કરાવવાનો આ ગોલ્ડન ચાન્સ ચૂકતા નહીં...