Thu Jun 11 2026

Logo

એસી લોકલમાં RPFના વેશમાં ટિકિટ વિના મુસાફરી કરનારા ગઠિયો ઝડપાયોઃ મહિલા TCની સતર્કતા કામ આવી

2026-06-11 19:49:58
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈમાં મધ્ય રેલવેની હાર્બર લાઈન પર દોડતી એસી લોકલ ટ્રેનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ટ્રેનમાં ફરજ બજાવતી મહિલા ટિકિટ ચેકર્સ ની સતર્કતાને કારણે RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના નામે છેતરપિંડી કરતો એક ગઠિયો ઝડપાયો હતો. ટ્રાવેલિંગ ટિકિટ ઇન્સ્પેક્ટર ટીટીઈ શ્રદ્ધા સાળુંકે અને કેતકી કદમ દ્વારા સોમવારે હાર્બર લાઈન પર ચાલનારી એસી લોકલ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલા અને આરપીએફના વેશમાં ગઠિયાને પકડી પાડવામાં આવ્યો હતો.

ટિકિટ ઇન્સ્પેક્ટરોએ જણાવ્યું હતું કે, સોમવારે સાંજે જયારે તેઓ એસી લોકલ ટ્રેનમાં ડ્યૂટી પર હતા, ત્યારે તેમણે એક પ્રવાસીની ટિકિટ ચેક કરી હતી. આ પ્રવાસીએ પોતાની ઓળખ એક આરપીએફ કર્મચારી તરીકે કરી હતી. તેણે આરપીએફનું આઈડી કાર્ડ બતાવ્યું પણ કોઈ મુસાફરી પ્રાધિકરણ ન બતાવતા તેના આઈડી કાર્ડ પરથી પણ મહિલા ઇન્સ્પેક્ટરોને શંકા જતા અમુક સવાલો કર્યા હતા. અમુક સવાલોના જવાબ નહીં આપતા વધારે શંકા થઈ હતી.  

ટીટીઈએ આગળ જણાવ્યું કે તેણે આ પ્રવાસીને તેનું નામ પૂછ્યું હતું, જેમાં તેણે પોતાની ઓળખ મોહમ્મ્દ મલંગ ખાન કહ્યું હતું. ત્યાર બાદ તેને અમુક પ્રશ્નો પુછવામાં આવ્યા, જેના જવાબો તે આપી શક્યો નહોતો. શંકા જતા તેની ધરપકડ કરીને તાત્કાલિક આરપીએફ અને ગવર્મેન્ટ રેલવે પોલીસને સોંપવામાં આવ્યો હતો. 

લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી) રેલવે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023(બીએનએસ)ની કલમ 204, 337, 339, 340(2), 318(4) અને 137 અંતર્ગત વિભિન્ન અપરાધો માટે બનાવટી ગઠિયા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને તપાસ હજી ચાલુ છે. 

રેલવે મંત્રાલયના નિર્દેશ પર છેલ્લા મહિનાઓમાં મુંબઈ શહેરની અંદર મધ્ય અને પશ્ચિમ રેલવે એમ બંને વિભાગે ગેરકાયદે મુસાફરી કરનારા લોકો પર કડક કાર્યવાહી શરૂ કરી છે. ટિકિટ વગર મુસાફરી કરનારા ખુદાબક્ષો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. મુંબઈમાં લોકલ ટ્રેનોનું નેટવર્ક ઘણું મોટું છે. અમુક મહિનાઓ પહેલા એસી લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી, જે મુંબઈગરાઓને ખૂબ પસંદ આવે છે. આ એસી લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યા પણ વધતી જાય છે. રેલવે દ્વારા મોટી સંખ્યામાં ટ્રેનોને એસી ટ્રેનોમાં પરિવર્તિત કરવાની કવાયત શરૂ કરી દીધી હતી.