પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે RBI દ્વારા સોનું વેચવાના વિદેશી મીડિયાના દાવા પર સરકારે અને PIB એ કરી મોટી સ્પષ્ટતા
નવી દિલ્હીઃ ભારતીય વિદેશી હૂંડિયામણ અને સોનાની રિઝર્વને લઈને સોશિયલ મીડિયા અને અમુક વિદેશી મીડિયામાં અવનવા દાવા કરવામાં આવી રહ્યા છે, જેમાં એક અહેવાલમાં દાવો કર્યો હતો કે પશ્ચિમ એશિયામાં સંકટને કારણે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ 12 અબજ ડોલરના મૂલ્યનું સોનું વેચી માર્યું છે, પરંતુ આ મુદ્દે હવે મધ્યસ્થ બેંકે સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારની તમામ માહિતી પાયાવિહોણી અને ભ્રામક છે.
સરકારે ફેક્ટ ચેકિંગ એજન્સી પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે રિઝર્વ બેંક પાસે સોનાના ભંડારની કોઈ અછત નથી, પરંતુ નિરંતર વધારો થયો છે. સરકારના દાવા અનુસાર 2025 અંત સુધીમાં ભારતની વિદેશી હૂંડિયામણની પુરાંતમાં સોનાનો હિસ્સો 13.92 ટકા હતો, જે 31 માર્ચ, 2026 સુધીમાં વધીને 16.70 ટકા થયો છે અને 22 મે, 2026 સુધીમાં આ આંકડો 16.85 ટકા થયો છે.
A news report published by @Bloomberg states that RBI may have sold gold amounting to approximately USD 12 billion.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) June 3, 2026
❌ This claim is FAKE
✔️ According to @RBI, the share of gold in India's foreign exchange reserves rose from 13.92% at end-September 2025 to 16.70%… pic.twitter.com/eVjxPxEv1i
આખરે વિવાદ કઈ રીતે નિર્માણ થયો
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ભારતીય અર્થતંત્રને એટલી ગંભીર અસર કરી છે કે ભારતીય રિઝર્વ બેન્કને તેના ખજાનામાંથી અબજો ડોલરનું સોનું વેચવાની ફરજ પડી છે. આ અહેવાલ મુદ્દે વિદેશી મીડિયાએ દાવો કર્યો હતો કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધથી ભારતીય ચલણ પર નોંધપાત્ર દબાણ આવી રહ્યું છે. કરન્સીની વેલ્યૂમાં ઘટાડો દેશના આયાત બિલમાં પણ વધારો કરી રહ્યો છે. આ બેવડા સંકટને પહોંચી વળવા માટે રિઝર્વ બેન્કે વિદેશી ચલણ ખરીદવા માટે તેના ખજાનામાંથી ટનબંધ સોનું વેચવાની ફરજ પડી હતી, પરંતુ આરબીઆઈએ તમામ દાવાઓને ફગાવી નાખ્યા છે.
અહેવાલમાં કરેલા દાવા અનુસાર આરબીઆઈએ 22 મે સુધીના બે અઠવાડિયામાં લગભગ 12 અબજ ડોલરના મૂલ્યના સોનાનો ભંડાર વેચ્યો હતો, જ્યારે લગભગ 7.5 અબજ ડોલરની વિદેશી ચલણ સંપત્તિ ખરીદી હતી.
આયાતજકાતમાં વધારો થવા છતાં ભંડારમાં ઘટાડાનો દાવો
આ પગલું સૂચવે છે કે કેન્દ્રીય બેન્કે ડોલરની વધતી માંગ, મૂડીના પ્રવાહ અને ચાલુ ખાતા પરના દબાણને નિયંત્રિત કરવા માટે પ્રવાહી વિદેશી ચલણ અનામતને પ્રાથમિકતા આપી શકે છે. ક્રૂડ ઓઇલના વધેલા ભાવ, પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકીય તણાવ અને સતત વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના પ્રવાહને કારણે રૂપિયો દબાણ હેઠળ હોવાથી આ પરિવર્તન આવ્યું છે. એક વિશ્લેષણ મુજબ, ભારતીય રિઝર્વ બેન્કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની પ્રતિકૂળ અસરથી તેની વિદેશી ચલણ સંપત્તિઓને બચાવવા માટે તેના સોનાના ભંડારનો એક ભાગ વેચી દીધો હોવાની શક્યતા છે. અહેવાલ મુજબ, કિંમતી ધાતુઓ પર આયાત જકાતમાં વધારો થવા છતાં ભંડારમાં આ ઘટાડો થયો છે.
અહીં એ જણાવવાનું કે માર્ચના અંત સુધીમાં આરબીઆઈ પાસે 880.52 મેટ્રિક ટન સોનું હતું, જેમાંથી 77 ટકા ભંડાર દેશની અંદર જ રાખવામાં આવ્યો હતો. છ મહિના પહેલા સેન્ટ્રલ બેન્કના સોનાના ભંડારનો 66 ટકા હિસ્સો દેશમાં હતો. વિદેશમાં રાખવામાં આવેલા સોનાના ભંડારનો મોટાભાગનો હિસ્સો બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને બેન્ક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે રાખવામાં આવ્યો છે.