જ્યોત્સના તન્ના
યજ્ઞદેવીમાંથી એક સુંદર ક્ધયા પણ પ્રગટ થઈ. આ વખતે આકાશવાણી થઈ કે આ કુમાર દ્રોણનો વધ કરશે અને ક્ધયા ક્ષત્રિયોનો નાશ. ઉચ્ચ ક્ષત્રિયકુળમાં જન્મેલી અતિસુંદર રાજક્ધયાઓ માટે આવું જ ભાવિ નિર્માણ થયું હશે? ઈતિહાસ તો તે જ કહે છે. દા.ત. પ્રાચીન ટ્રોય શહેરની રાણી હેલન, ચિતોડની રાણી પદ્મિની વગેરે. નરેન્દ્ર શર્માએ કહ્યું.
‘દ્રૌપદી સામ્રાજ્ઞી, ભૂતળની શચિ, શ્રીસિદ્ધિ
અગ્નિજાથી સિદ્ધ હતી શ્રીસંપદાની વૃદ્ધિ’
સુન્દરમે લખ્યું,
‘યજ્ઞના અગ્નિપંકેથી ખીલેલી તેજપદ્મિની સૃષ્ટિની કો દિવ્ય શોભા.’
ઈંદ્રાણીના અંશમાંથી દ્રૌપદી ઉત્પન્ન થઈ હતી. ઈંદ્રાણી તો સ્વર્ગની રાજલક્ષ્મી જે રાજા પુણ્યબળે સ્વર્ગનો અધિપતિ બની ઈંદ્ર કહેવાય, તેની બને ઈંદ્રાણી, તેનું પોતાપણું ન હોય! તો દ્રૌપદીની આ નિયતિ હતી?
કર્ણે કૌરવસભામાં દ્રૌપદીને ઉતારી પાડી હતી કે અનેક પતિઓ હોય તેવી સ્ત્રી કુલવધૂ કે કુલસ્ત્રી નથી. દ્રૌપદીનાં લગ્ન પણ અનોખી રીતે જ થયાં હતાં, જેમ તેનો જન્મ. તેના સ્વયંવરમાં જે શરત મુકાઈ હતી તે મત્સ્યવેધની કસોટી અતિ કઠિન જ હતી. કોઈ કુલીન ક્ષત્રિય, રાજકુમાર, રાજા કે મહારાજા તે પૂરી કરી ન શક્યો. લોકમાનસમાં એ વાત દૃઢ છે કે કર્ણ લક્ષ્યવેધ કરવા ઊભો થયો હતો.
શરસંધાન કરવાની તૈયારીમાં જ હતો, ત્યારે દ્રૌપદીએ જાહેર કર્યું કે તે સૂતપુત્રને નહીં પરણે. અનેક આવૃત્તિઓ ભેગી કરી, સંશોધન કરી ઘણી મહેનતે તૈયાર કરેલ ભાંડારકર ઑરિયેન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પૂનાની મહાભારતની સંશોધિત આવૃત્તિમાંથી આ પ્રસંગ ક્ષેપક ગણીને કાઢી નાખવામાં આવ્યો છે. (કર્ણ આ જાહેર તિરસ્કાર અને અપમાન કદી ન ભૂલ્યો એ પારંપરિક કથા છે.)
કૌરવોના પ્રપંચથી બચવા દરિદ્ર બ્રાહ્મણોના છદ્મવેષમાં પાંડવો ત્યાં હતા. છેવટે આવા છદ્માવેષમાં પણ સુંદર અને પ્રભાવશાળી અર્જુન ઊભો થયો અને સહજતાથી લક્ષ્યવેધ કરી લીધો. વીરશુલ્કા દ્રૌપદીએ ઈંદ્ર જેવા રૂપવાળા અર્જુનને વરમાળા પહેરાવી દીધી. આવેલા સહુ રાજાઓને ક્રોધ ઉત્પન્ન થયો અને ત્યાં યુદ્ધ છેડાઈ ગયું. ભીમ અને અર્જુને તો બધાને પરાસ્ત કરી દીધા. છેવટે શ્રીકૃષ્ણે બધાને વાર્યા કે દ્રૌપદીને ધર્મયુક્ત રીતે જ મેળવવામાં આવી છે. આમ પણ રાજસમુદાય હારી ચૂક્યો હતો એટલે બધા યુદ્ધથી નિવૃત્ત થયા. દ્રૌપદી અર્જુનને અનુસરી.
હવે પિતા દ્રુપદને ચિંતા થઈ. દ્રૌપદીને કોણ લઈ ગયું ? પોતાના જેવા મૂર્ધાભિષિકત રાજાને માથે કાદવથી ખરડાયેલો પગ તો નથી પડ્યો ને? ફૂલમાળા શું સ્મશાનમાં પડી? તેણે પોતાના પુરોહિતને મોકલ્યો અને યુધિષ્ઠિરને ઓળખ માટે પૂછ્યું. આખરે દ્રુપદે બધાનો સત્કાર કરી સત્ય જાણવાનો આગ્રહ કર્યો. યુધિષ્ઠિરે બધાનો પરિચય આપ્યો. દ્રુપદની પદ્મિની સમાન પુત્રી એક સરોવરમાંથી બીજા સરોવરમાં ગઈ તેનું દુ:ખ ન કરો.
દ્રૌપદીના જીવનનું બીજું પ્રકરણ શરૂ થયું, સાવ જ જુદી રીતે. તેનું અનુપમ પૃથ્વીપ્રસિદ્ધ લાવણ્ય જોઈને યુધિષ્ઠિર સહિત બધા પાંડવો મુગ્ધ થઈ ગયા. અને આખરે પાંચે ભાઈઓ તેને પરણે એવો પ્રસ્તાવ મૂક્યો. એ યુગમાં તો ભૂતો ન ભવિષ્યતિ જેવી અસંભવ અને અમાન્ય વાત હતી. દ્રૌપદીના પિતા, ભાઈ અને પરિવારજનો મૂંઝવણમાં પડી ગયા. એક સ્ત્રીને અનેક પતિ? આ પ્રશ્ન આટલા યુગોથી બધાને મૂંઝવતો રહ્યો છે. આપણી સંસ્કૃતિનાં મૂલ્યો સાથે આનો મેળ મળે?
જ્યારે એ વાતનો વિરોધ થયો કે પાંચને એક સ્ત્રી કેવી રીતે પરણે? ત્યારે યુધિષ્ઠિરે જ સૂચવ્યું કે દ્રૌપદીનાં લગ્ન અર્જુન સાથે થાય. દ્રૌપદીએ અર્જુનને જ સ્વયંવરની વરમાળા પહેરાવી હતી. હવે અર્જુન બોલ્યો કે આવું ન બને. મોટા ભાઈને મૂકી નાનો ભાઈ પહેલાં લગ્ન ન કરી શકે. માર્કંડેયપુરાણ પ્રમાણે આ રીતે મોટા ભાઈનાં લગ્ન પહેલાં નાનો ભાઈ કરે તો એ એક પાતક નામે પરિવેદન કહેવાય. મહાભારતમાં ભીષ્મ પણ આવા મતના છે. મોટા ભાઈની પહેલાં પરણનાર નાનો ભાઈ, તેની પત્ની અને મોટો ભાઈ - એ ત્રણે જણા પાપી ગણાય છે. અને તેનું ખાસ પ્રાયશ્ર્ચિત્ત કરવાનું હોય છે. સ્વયંવરના મત્સ્યવેધ વખતે અર્જુન આ જાણતો ન હતો?
હવે દ્રૌપદી શું વિચારતી હશે? મીરાં તારળેકર વિચારે છે,
‘ઊભી છે એકલી સ્વયંને ત્યજીને /
અવાક્ કળાતી નથી વિધાતાની રમત
વિસ્તરેલી આ ગૂંચવણની જાળ.’
પુરુષ અને સ્ત્રી સાથે રહે, બાળકો હોય અને છતાં લગ્ન જેવી કાયમી સંસ્થા ન હતી તે ખૂબ પ્રાચીન કાળની વાત પણ મહાભારતમાં છે. પ્રાચીન ગ્રીક ફિલૉસૉફર પ્લેટોએ Communism of Wivesની વાત કરી હતી, જે પ્રમાણે સ્ત્રીઓ, પુરુષો અને તેમનાં બાળકો સમુદાયમાં સહિયારાં મળીને રહે. અમુક સમયે જીવનમાં સ્થિરતા માટે પરિવાર અને તે સાથે લગ્નસંસ્થા જરૂર બની. એક પતિ અને પત્ની હોય તે એકપત્નીત્વ - monogamy. એક પુરુષને અનેક સ્ત્રીઓ હોય તે બહુપત્નીત્વ - polygamy.એક સ્ત્રીને અનેક પતિઓ હોય તે બહુપતિત્વ - polyandry..
સામાન્ય રીતે જોઈએ તો monogamy અને polygamy તો માન્ય હતાં. સવાલ આવે છે બહુપતિત્ત્વ- polyandryનો મહાભારતના આદિપર્વમાં દ્રૌપદી સાથેના લગ્નપ્રસ્તાવ વખતે યુધિષ્ઠિર જાણકારી આપે છે કે પ્રાચીનકાળમાં આવું બનેલું છે. ગૌતમ ગૌત્રની ક્ધયા જટિલાને સાત ઋષિઓ પતિ તરીકે હતા. તો કુંડુ મુનિની પુત્રી વાર્ક્ષી દસ પ્રચેતસ ભાઈઓને પરણી હતી. યુધિષ્ઠિર પોતે ધર્મજ્ઞ હતા. પૂર્વપુરુષો જે માર્ગે ગયા તે માર્ગે જ સહજ રીતે જવાના. મહર્ષિ વ્યાસે પણ આવાં લગ્ન વિશે સમજાવ્યું - બહુનાં એકપત્નિતા, એવું થાય. (ક્રમશ:)