Fri Apr 17 2026

Logo

મધ્ય-પૂર્વમાં જંગના વાદળો વિખરાશે? ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન સામે સૈન્ય કાર્યવાહી ઘટાડવાની જાહેરાત

Washington DC   2026-03-21 09:18:00
Author: Mumbaisamachar Team
Article Image

વોશિંગ્ટન ડીસી: છેલ્લા ત્રણ સપ્તાહથી ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં હવે એક નવો વળાંક આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનને હવે ધીમું કરવા અથવા ઘટાડવા પર વિચાર કરી રહ્યા છે. ટ્રમ્પના મતે અમેરિકાએ આ યુદ્ધમાં જે લક્ષ્યાંકો નક્કી કર્યા હતા, તે હાંસલ કરવાની અત્યંત નજીક પહોંચી ગયું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હોર્મુઝની ખાડીમાં તણાવ હજુ પણ યથાવત છે, પરંતુ ટ્રમ્પની આ ટિપ્પણી યુદ્ધ સમાપ્તિની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ઈરાનના 'આતંકી શાસન' સામેની સૈન્ય કાર્યવાહી પૂર્ણ કરવાના આરે છે. તેમણે પાંચ મુખ્ય ઉદ્દેશ્યો ગણાવ્યા છે, જેમાં ઈરાનની મિશાઈલ ક્ષમતા અને લોન્ચર્સને નષ્ટ કરવા, સંરક્ષણ ઉદ્યોગના પાયાને તોડી પાડવો, નૌકાદળ અને વાયુસેનાને ખતમ કરવી, અને સૌથી મહત્વનું ઈરાનને ક્યારેય પરમાણુ શક્તિ બનતા રોકવાનો સમાવેશ થાય છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ હેતુઓ સિદ્ધ થયા બાદ જ અમેરિકા પીછેહઠ કરશે.

યુદ્ધ ઘટાડવાના સંકેતની સાથે ટ્રમ્પે મધ્ય-પૂર્વના મિત્ર દેશોને સુરક્ષાની ખાતરી પણ આપી છે. તેમણે જણાવ્યું કે ઈઝરાયેલ, સાઉદી અરેબિયા, કતાર, UAE, બહેરીન અને કુવૈત જેવા દેશોની સુરક્ષા અમેરિકા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જો ભવિષ્યમાં જરૂર પડશે તો અમેરિકા આ દેશોની મદદ માટે ચોક્કસપણે ઉભું રહેશે. ટ્રમ્પના મતે, એકવાર ઈરાનનો મોટો ખતરો ટળી જાય, પછી આ પ્રાદેશિક શક્તિઓ પોતાની સુરક્ષા જાતે જ કરવા સક્ષમ બની જશે.

વિશ્વના સૌથી વ્યસ્ત સમુદ્રી માર્ગ ગણાતા હોર્મુઝ જળડમરુમધ્ય બાબતે ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ માર્ગનો ઉપયોગ કરતા દેશોએ જ તેની સુરક્ષા અને દેખરેખની જવાબદારી ઉઠાવવી જોઈએ, કારણ કે અમેરિકા પોતે આ માર્ગનો સીધો ઉપયોગ કરતું નથી. ટ્રમ્પનો આ સંદેશ સ્પષ્ટ કરે છે કે અમેરિકા હવે લાંબા ગાળા સુધી મધ્ય-પૂર્વના સૈન્ય સંઘર્ષમાં ફસાયેલું રહેવા માંગતું નથી અને વ્યૂહાત્મક રીતે બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યું છે.