ઈન્ડિયન ક્રિકેટ ટીમના એક્સ વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિકે આજે ગૂડીપડવાના દિવસે તેના ફેન્સને બેસ્ટમાં બેસ્ટ કહી શકાય એવી ગિફ્ટ આપી છે. દિનેશ કાર્તિક અને તેની પત્ની સ્ક્વોશ ચેમ્પિયન દીપિકા પલ્લીકલના ઘરે એક નાનકડી પરીનું આગમન થયું છે. આ સ્ટાર કપલે સોશિયલ મીડિયા પર પોતાની પુત્રીની પ્રથમ ઝલક શેર કરીને આ ખુશખબર ચાહકો સાથે વહેંચી છે. સૌથી મજાની વાત તો એ છે કે દિનેશ અને દીપિકાની દીકરીનો બોલીવૂડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે ખાસ કનેક્શન છે. ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ...
સોશિયલ મીડિયા પર દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલે એક પોસ્ટ કરીને આ ગુડ ન્યુઝ ફેન્સ સાથે શેર કર્યા છે. અહીંયા તમારી જાણકારી માટે કે દીપિકા અને દિનેશ પહેલાંથી જ જોડિયા પુત્રો કબીર અને ઝિયાનના માતા-પિતા છે અને હવે તેમના પરિવારમાં એક રાજકુમારીનો ઉમેરો થયો છે, જેનાથી તેમનો પરિવાર સંપૂર્ણ થયો છે.
વાત કરીએ દિનેશ કાર્તિક અને દીપિકાની લાડકવાયીના રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહા સાથેના કનેક્શનની તો દિનેશ કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને દિનેશ કાર્તિકે પોતાની નાનકડી રાજકુમારીનું નામ 'રાહા' (Raha) રાખ્યું હોવાની જાહેરાત કરી છે.
દિનેશ કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં જણાવ્યું હતું કે દિલના આશિર્વાદ અને શબ્દોથી પરે આભાર સાથે અમે અમારી લાડકવાયી દીકરીનું દુનિયામાં સ્વાગત કરીએ છીએ. કબીર અને ઝિયાન પોતાની બહેન રાહા પલ્લીકલને મળવા માટે ખૂબ જ ઉત્સાહી છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જેમ જ દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલના ઘરે પણ એક નાનકડી પ્રિન્સેસ રાહાનું આગમન થયું છે. વાત કરીએ રાહા શબ્દના અર્થની તો 'રાહા' નામનો અર્થ શાંતિ, આરામ અને ખુશી થાય છે. સોશિયલ મીડિયા પર ક્રિકેટરો અને ફેન્સ આ જોડીને સતત અભિનંદન આપી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિનેશ અને દીપિકા ભારતની સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ જોડીઓમાંથી એક છે. 2015માં દિનેશ કાર્તિક અને દીપિકાએ લગ્ન કર્યા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધી બંને જણ હંમેશા એકબીજાને કરિયર તેમ જ જીવનમાં આગળ વધવા માટે સતત મોટિવેટ કરતાં રહ્યા છે. દિનેશ કાર્તિક હાલમાં કોમેન્ટ્રી અને આઈપીએલ સાથે જોડાયેલા છે, જ્યારે દીપિકા પલ્લીકલ સ્ક્વોશના મેદાનમાં ભારતનું નામ રોશન કરી રહી છે.