Sun Jun 07 2026

Logo

શું મમતા બેનર્જી સાંસદ બનવા માંગે છે? યૂસુફ પાસેથી રાજીનામું માંગવાના સમાચાર પર હંગામો, ગાંગુલી-પઠાણે કરી સ્પષ્ટતા

2026-06-07 10:32:00
Author: Mumbai Samachar Team
Article Image

પશ્ચિમ બંગાળની સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જી સતત ચર્ચામાં રહ્યા છે. શનિવારે ફરી એક એવી હલચલ જોવા મળી, જેના પર પહેલા ક્રિકેટર સૌરવ ગાંગુલી અને ત્યારબાદ ક્રિકેટર તેમજ મમતા બેનર્જીની પાર્ટીના લોકસભા સાંસદ યુસુફ પઠાણને સ્પષ્ટતા કરવી પડી.

હકીકતમાં, બંગાળના એક અખબારમાં એક સમાચાર છપાયા હતા. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિધાનસભાની બેઠક ગુમાવ્યા બાદ હવે મમતા બેનર્જી સાંસદ બનીને દિલ્હીની રાજનીતિમાં સક્રિય રહેવા માંગે છે.

આ સમાચારમાં એવો દાવો કરાયો હતો કે મમતા બેનર્જી બંગાળની બરહામપુર લોકસભા સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે, જ્યાંથી હાલમાં TMC તરફથી યુસુફ પઠાણ સાંસદ છે. એવો પણ દાવો હતો કે મમતાએ સૌરવ ગાંગુલીને કહ્યું કે તેઓ યુસુફ પઠાણ સાથે વાત કરે, જેથી યુસુફ બરહામપુરના સાંસદ પદેથી રાજીનામું આપી દે, અને ત્યાં પેટાચૂંટણી યોજાય તો મમતા ઊભા રહીને જીતી શકે અને સાંસદ બની શકે.

સમાચાર એવા હતા કે યુસુફ પઠાણે મમતા વતી સૌરવ ગાંગુલીએ કરેલી આ વિનંતીને ફગાવી દીધી છે, એટલે કે તેઓ બરહામપુર લોકસભા બેઠક પરથી રાજીનામું નહીં આપે. આ સમાચાર બહાર આવતા જ ભારે હંગામો મચી ગયો હતો.

મહત્વનું છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતાના હાથમાંથી સીએમ (મુખ્યમંત્રી)ની ખુરશી તો ગઈ જ, સાથે સાથે ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી શુભેન્દુ અધિકારીએ તેમને ચૂંટણીમાં હરાવી પણ દીધા. આ હાર બાદ મમતા ધારાસભ્ય પણ ન રહ્યા. આવી પરિસ્થિતિમાં, તેમના સાંસદ બનવાની ઈચ્છા ધરાવતા આ સમાચાર પર ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું.

હંગામો વધતા સૌરવ અને યુસુફની સ્પષ્ટતા 

પરંતુ આ વિવાદ વધ્યા પછી, સૌ પ્રથમ સૌરવ ગાંગુલીની સ્પષ્ટતા આવી હતી. તેમણે જણાવ્યું કે આ સમાચાર ખોટા છે. તેમના તરફથી જાહેર કરવામાં આવેલા પત્રમાં કહેવાયું છે કે મમતા બેનર્જી તરફથી તેમને આવો કોઈ સંદેશો આપવામાં આવ્યો નહોતો.

ત્યારબાદ, TMC સાંસદ યુસુફ પઠાણે એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું, 'મારી સાથે મમતા બેનર્જીએ આવી કોઈ વાત કરી નથી. અમારી જે છેલ્લી મીટિંગ થઈ હતી, તેમાં પણ આવી કોઈ ચર્ચા નહોતી થઈ. મને દુઃખ છે કે આવી કોઈ વાત ન હોવા છતાં તેને સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવી રહી છે. મને મમતા બેનર્જી કે અન્ય કોઈએ પણ સાંસદ પદેથી રાજીનામું આપવા માટે કહ્યું નથી.'