Tue Jun 09 2026

Logo

દિલ્હીમાં ભારે પવન અને વરસાદના પગલે ત્રણ વિમાનને નુકસાન, ડીજીસીએએ તપાસ શરૂ કરી

2026-06-08 19:37:46
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : દિલ્હીમાં બદલાતા હવામાન વચ્ચે એરપોર્ટ પર રવિવારે સાંજે એર ઈન્ડિયાના ત્રણ વિમાનો ક્ષતિગ્રસ્ત થયા હતા. જેમાં ભારે પવન અને વરસાદના લીધે એરપોર્ટના ટર્મિનલ 2 પર ઉભેલા વિમાનો સ્થળ પરથી ખસી ગયા હતા. જેના લીધે તે વિમાનો એકબીજા સાથે અથડાયા હતા. જેની ડીજીસીએ તપાસ શરૂ કરી છે. 

સમારકામ કરવામાં થોડા દિવસો  લાગશે 

આ અંગે મળેલી સત્તાવાર માહિતી મુજબ રવિવારે સાંજે  જોરદાર પવન ફૂંકાયો હતો. આ સમય દરમિયાન  એક સ્ટેપલેડર અને ટ્રેસ્ટલ  ખસી ગયા હતા અને એર ઇન્ડિયાના ત્રણ વિમાનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા. આ ઘટના બાદ  વિમાનોને તાત્કાલિક નિરીક્ષણ અને સમારકામ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં એક વિમાનને નોંધપાત્ર નુકસાન થયું છે અને તેને સમારકામ કરવામાં થોડા દિવસો લાગી શકે છે. જ્યારે અન્ય બે અઠવાડિયામાં સેવામાં પાછા આવી શકે છે. 

A320 વિમાનોને ભારે પવન વચ્ચે નુકસાન થયું 

જોકે, આ દુર્ઘટના બાદ ડીજીસીએએ દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાનને થયેલા નુકસાનની ઘટનાની તપાસ શરૂ કરી છે. જેમાં દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-2 પર પાર્ક કરેલા ત્રણ એર ઇન્ડિયા A320 વિમાનોને ભારે પવન વચ્ચે નુકસાન થયું છે. 

ટક્કરથી વિમાનના વિવિધ ભાગોને નુકસાન થયું

ડીજીસીએ જણાવ્યું હતું કે ટક્કરથી વિમાનના વિવિધ ભાગોને નુકસાન થયું હતું. તેમજ બીજા વિમાનની જમણી બાજુની સ્લાઇડિંગ બારીને નુકસાન થયું હતું. ત્રણેય અસરગ્રસ્ત વિમાનોને નિરીક્ષણ અને સમારકામ માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે.