નવી દિલ્હી: દેશની રાજધાનીને હચમચાવી નાખવાના ઇરાદે આવેલા લશ્કર-એ-તૈયબાના એક ખતરનાક બાંગ્લાદેશી મોડ્યુલનો દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પર્દાફાશ કર્યો છે. આ નેટવર્કના માસ્ટરમાઇન્ડ સબ્બીર અહેમદ લોનની ધરપકડ બાદ જે ખુલાસા થયા છે તે અત્યંત ચોંકાવનારા છે. સેન્ટ્રલ એજન્સીના ઇનપુટના આધારે પોલીસે સમયસર કાર્યવાહી કરીને રાજધાનીમાં મોટી જાનહાનિ ટાળી દીધી છે. પોલીસની આ સતર્કતાને કારણે આતંકીઓની લોહીયાળ રમત રમાય તે પહેલા જ તેમના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે.
આતંકી સબ્બીર અહેમદે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે તેણે દિલ્હીના અત્યંત પ્રખ્યાત અને ભીડભાડવાળા વિસ્તારોની રેકી કરી હતી. તેના નિશાના પર કાલકાજી મંદિર, લોટસ ટેમ્પલ અને છતરપુર મંદિર જેવા ધાર્મિક સ્થળો હતા. આટલું જ નહીં, દિલ્હીના હૃદય સમાન ગણાતા કનોટ પ્લેસ માર્કેટની પણ તેણે તપાસ કરી હતી અને આ તમામ વિગતો પાકિસ્તાનમાં બેઠેલા તેના હેન્ડલર્સને મોકલી આપી હતી. આ ખુલાસા બાદ દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરી દેવામાં આવી છે.
તપાસમાં વધુ એક મહત્વની વિગત બહાર આવી છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને લશ્કર-એ-તૈયબા હવે બાંગ્લાદેશમાં TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) જેવું જ નવું આતંકી સંગઠન ઊભું કરવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે તેઓ બાંગ્લાદેશી મોડ્યુલનો ઉપયોગ કરીને ભારતમાં અસ્થિરતા ફેલાવવાની યોજના બનાવી રહ્યા છે. સબ્બીર અહેમદની ધરપકડની સાથે જ દિલ્હી, કોલકાતા અને તમિલનાડુના તિરુપુરથી કુલ 8 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, જે આ આખા નેટવર્કની ગંભીરતા દર્શાવે છે.
આ સમગ્ર ઓપરેશનની શરૂઆત 8 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીના જનપથ મેટ્રો સ્ટેશન પર લાગેલા શંકાસ્પદ પોસ્ટરોથી થઈ હતી. આ પોસ્ટરોમાં પાકિસ્તાન સમર્થિત નારા, બુરહાન વાનીના ફોટા અને કાશ્મીર સંબંધિત ભડકાઉ સંદેશાઓ લખેલા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દિલ્હીના અન્ય વિસ્તારોમાં પણ આવા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ કડી જોડતા જોડતા પોલીસ સબ્બીર અહેમદ સુધી પહોંચી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરના આતંકી નેટવર્કનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી હતી.