દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝીંકાયેલા અણધાર્યા ભાવવધારા વચ્ચે હાલમાં ઓઈલ માર્કેટ, તેની માંગ અને સપ્લાય ક્ષમતાને લઈને નવી ચર્ચા છેડાઈ છે. સરકારી ઓઈલ કંપનીઓના લેટેસ્ટ આંકડા મુજબ, તાજેતરમાં જ પેટ્રોલમાં રૂપિયા 2.61 અને ડીઝલમાં રૂપિયા 2.71નો મોટો વધારો ઝીંકાયો છે, જેને કારણે ટ્રાન્સપોર્ટેશન અને રોજીંદો ખર્ચ વધવો નક્કી છે. આવી સ્થિતિમાં સવાલ થાય એ સ્વાભાવિક છે કે એક પેટ્રોલપંપધારક દિવસમાં કેટલું પેટ્રોલ વેચી શકે, શું એના માટે પણ કોઈ ક્વોટા રિઝર્વ રાખવામાં આવે છે, ચાલો તમારા આ સવાલોના જવાબ આપીએ આ સ્ટોરીમાં...
હાલમાં મિડલ ઈસ્ટલમાં ચાલી રહેલાં તણાવને કારણે દરરોજ પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભાવવધારાની આ મોસમ વચ્ચે, સામાન્ય નાગરિકોના મનમાં અવારનવાર એવો સવાલ થતો હોય છે કે, શું કોઈ પણ પેટ્રોલ પંપ માટે રોજ તેલ વેચવાનો કોઈ ચોક્કસ ક્વોટા કે લિમિટ નક્કી હોય છે? અને એક પંપ માલિક દિવસભરમાં કેટલા લીટર તેલ વેચી નાખે છે?
મોટાભાગના લોકોને એવું લાગતું હોય છે કે રેશનિંગની દુકાનોની જેમ પેટ્રોલ પંપો માટે પણ તેલ વેચવાનો રોજનો કોઈ ક્વોટા નક્કી હોય છે, પરંતુ વાસ્તવિકતા આનાથી તદ્દન અલગ છે. વાત કરીએ કે શું પેટ્રોલ પંપ માટે કોઈ રોજનો ક્વોટા (Quota) હોય છે એની તો એવું બિલકુલ નથી. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ તેલ કંપની સામાન્ય દિવસોમાં ડીલર્સ પર તેલ વેચવાની કોઈ મર્યાદા લગાવતી નથી.
પેટ્રોલ પંપ ઓપરેટર્સ પોતાની ક્ષમતા અને ડિમાન્ડ અનુસાર દિવસભરમાં ગમે તેટલા લીટર ઇંધણ ગ્રાહકોને વેચી શકે છે. પંપનું રોજનું વેચાણ સંપૂર્ણપણે તેના લોકેશન, ત્યાં આવતા વાહનોની સંખ્યા અને ગ્રાહકોની જરૂરિયાત પર જ આધાર રાખે છે.
આવી ઈમરજન્સીમાં લોકો ગભરાટમાં આવીને પેટ્રોલનો સંગ્રહ (Panic Buying) ન કરવા લાગે તે માટે પ્રશાસન ટેમ્પરરી ક્વોટા ફિક્સ કરી દે છે. એ સમયે વાહનોની ફુલ ટેન્ક કરવા પર કે એક ચોક્કસ રકમથી વધુનું પેટ્રોલ આપવા પર અસ્થાયી રોક લગાવી દેવાય છે.
હવે આગળ વધીએ અને એ જાણીએ કે એક પંપ દિવસભરમાં સરેરાશ કેટલું તેલ વેચે છે? તો ભારતમાં લોકેશનના આધારે દરેક પેટ્રોલ પંપની વેચાણ ક્ષમતા અલગ-અલગ હોય છે. સામાન્ય અને રહેણાંક વિસ્તારોમાં એટલે કે હાઈવે કે મધ્યમ ટ્રાફિક વાળા રહેણાંક વિસ્તારમાં આવેલો પેટ્રોલ પંપ રોજનું આશરે પાંચ હજારથી પંદર હજાર લીટર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થાય છે.
આ ઉપરાંત જો પેટ્રોલ પંપ કોઈ બિઝી નેશનલ હાઈવે કે મુંબઈ-દિલ્હી જેવા મહાનગરોના પ્રાઈમ લોકેશન પર હોય, તો આ દૈનિક વેચાણનો આંકડો 40,000થી 50,000 લીટર કે તેનાથી પણ વધુ હોઈ શકે છે.
કયા સંજોગોમાં ઓઈલ વેચવા પર પ્રતિબંધ આવી શકે?
ભલે સામાન્ય દિવસોમાં વેચાણ પર કોઈ પાબંદી નથી, પરંતુ કેટલીક અસાધારણ કે કટોકટીની સ્થિતિમાં સ્થાનિક વહીવટીતંત્ર કે સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે છે. જો દેશમાં યુદ્ધની સ્થિતિ સર્જાય, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલનું મોટું સંકટ આવે અથવા દેશમાં અચાનક ઈંધણની ભારે અછત વર્તાય, ત્યારે તેલનું રેશનિંગ લાગુ થઈ શકે છે.