પાલઘર: પાલઘર જિલ્લાના દહાણુમાં યુવતી અને તેની સગીર બહેન પર બળાત્કાર ગુજારવા અને તેમને બ્લેકમેઇલ કરવાના કેસમાં ફરાર 23 વર્ષના આરોપીને પોલીસે ગુજરાતના ભરૂચથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
દહાણુ વિસ્તારમાં બે સપ્તાહ અગાઉ ગુનો પ્રકાશમાં આવ્યા બાદ ફરાર આરોપીને પોલીસની ટીમ વિવિધ રાજ્યોમાં શોધી રહી હતી અને શનિવારે રાતે ભરૂચથી તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
દુષ્કર્મ અને બ્લેકમેઇલનો શિકાર બનેલી બંને પીડિતાની ફરિયાદને આધારે પોલીસે પહેલી જૂને ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ભાજપનાં નેતા ચિત્રા વાઘે છઠ્ઠી જૂને પીડિતાના પરિવાર તેમ જ દહાણુ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને આ કેસમાં કડક કાર્યવાહીની માગણી કરી હતી.
ચિત્રા વાઘે એવો આરોપ કર્યો હતો કે આરોપીનું નિવાસ અનધિકૃત છે અને તેને તોડી પાડવાની માગણી તેમણે કરી હતી. તેમણે બાદમાં આ કેસ સંદર્ભે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત પણ લીધી હતી.
પાલઘર પોલીસે આરોપીઓને પકડવા માટે અનેક ટીમ તૈયાર કરી હતી અને તેમને વિવિધ રાજ્યમાં પાઠવવામાં આવી હતી. પોલીસ ટીમે ભરૂચથી આરોપીને તાબામાં લીધો હતો. આ કેસમાં વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)