Thu Jun 18 2026

Logo

T20 વર્લ્ડ કપ: ગ્રુપ સ્ટેજમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમોને સુપર-8માં નુકશાન! ICC સામે ઉઠ્યા સવાલ

2026-02-20 12:50:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ભારત અને શ્રીલંકાની યજમાનીમાં યોજાઈ રહેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટ વિવાદોથી ભરેલી રહી છે, હવે વધુ એક વિવાદ સર્જાયો છે. T20 વર્લ્ડ કપનાં સુપર 8 ફોર્મેટ અંગે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ની ટીકા કરવામાં આવી રહી છે. 

નોંધનીય છે કે ટુર્નામેન્ટનો ગ્રુપ સ્ટેજની તામમ મેચો પૂરી થાય એ પહેલા જ સુપર-8 રાઉન્ડમાં ક્વોલિફાય થનારી 8 ટીમો નક્કી થઇ ગઈ છે. સુપર-8 રાઉન્ડ માટે ICC દ્વારા નક્કી કરવામાં આવેલા 'પ્રી-સીડિંગ' ફોર્મેટ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા કરવામાં આવી રહી છે. 

ICCના પ્રી-સીડિંગ ફોર્મેટ મુજબ ગ્રુપ સ્ટેજ રાઉન્ડમાં જે તે ગ્રુપમાં પ્રથમ ક્રમે રહેનારી ટીમોને એક ટીમમાં રાખવામાં આવી છે, જ્યારે ગ્રુપમાં બીજા ક્રમે રહેનારી ટીમોને બીજા ગ્રુપમાં રાખવામાં આવી છે. આ પ્રી-સીડિંગ ફોર્મેટને કારણે સુપર-8 ગ્રુપમાં ભારે અસંતુલન પેદા થયું છે. 

આ રીતે ગ્રુપ નક્કી કરવામાં આવ્યા:
ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ ICC એ સુપર-8 રાઉન્ડ માટે સ્લોટ ફિક્સ કર્યા હતાં.

ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહેનારી ચારેય ટીમોને સુપર-8 સ્ટેજ માટે ગ્રુપ-1 માં રાખવામાં આવી છે, જેમાં ભારત, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. 

એ જ રીતે ગ્રુપ સ્ટેજમાં તેમના ગ્રુપમાં બીજા નંબર પર રહેનારી ટીમોને સુપર-8 સ્ટેજ માટે ગ્રુપ-2માં રાખવામાં આવી છે, જેમાં પાકિસ્તાન, શ્રીલંકા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે.

શ્રેષ્ઠ પ્રદર્શન બદલ કોઈ લાભ નહીં:
સુપર-8માં ગ્રુપ-1ની ટીમો એક બીજા સામે એક એક મેચ રમશે, એજ ગ્રુપ-2ની ટીમો એક બીજા સામે એક એક મેચ રમશે. ગ્રુપ-1 અને ગ્રુપ-2માં ટોચની બે-બે ટીમો સેમીફાઈનલમાં પ્રવેશ મેળવશે, બાકીની ચાર ટીમો ટુર્નામેન્ટની બહાર થઇ જશે. 

આ ફોર્મેટ મુજબ ગ્રુપ સ્ટેજમાં તેના ગ્રુપમાં ટોચ પર રહેનારી બે ટીમો સેમિફાઇનલ પહેલા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે એ નક્કી છે, જ્યારે ગ્રુપ સ્ટેજમાં બીજા સ્થાને રહેનારી બે ટીમોનું સેમીફાઈનલમાં પહોંચવું પણ નક્કી છે. આમ ગ્રુપ સ્ટેજમાં પહેલા ક્રમે રહેનારી ટીમને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ કોઈ વધારાનો લાભ નહીં મળે.

સામાન્ય રીતે કોઈ પણ ટુર્નામેન્ટમાં પહેલા રાઉન્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમોને આગળના રાઉન્ડમાં લાભ મળે એવી રીતે ફોર્મેટ નક્કી કરવામાં આવે છે. 

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ટોચની બે ટીમોને લાભ અપાવવા એક ક્વોલિફાયર અને બે ઇલેમિનેટરનું ફોર્મેટ અપનાવવામાં આવે છે. 

શ્રીલંકાને અન્યાય!

ટીકાકારો T20 વર્લ્ડ કપ 2026 ના સહ-યજમાન શ્રીલંકાને નુકસાન અંગે પણ ટીકા કરી રહ્યા છે. અત્યાર સુધી T20 વર્લ્ડ કપ 2026માં શ્રીલંકા તેની તમામ મેચ ઘરઆંગણે રમી છે, પરંતુ હવે જો શ્રીલંકા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થાય છે, તો તેને ભારતમાં મેચ રમવી પડી શકે છે, જેથી શ્રીલંકન ટીમને કોલંબોમાં તેમના તેમના સમર્થકો સામે રમવા નહીં મળે.