નવી દિલ્હીઃ જો દેશની સાર્વભૌમત્વ અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચે કોઈ ટકરાવ થાય છે તો સાર્વભૌમત્વને પ્રાથમિકતા મળશે, ખાસ કરીને એવા કેસોમાં જેમાં નશીલા પદાર્થો અને સાઈકોટ્રોપિકના કેસ હોય, એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટે આ ટિપ્પણી પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટના આ આદેશને રદ કરતી વખતે કરી હતી જેમાં એવા વ્યક્તિને જામીન આપવામાં આવ્યા હતા જેના પર જેલની અંદરથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને નશીલા પદાર્થોની તસ્કરીનું નેટવર્ક ચલાવવાનો આરોપ છે.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન.કોટિશ્વર સિંહની બેન્ચે કહ્યું હતું કે જો દેશની સંપ્રભુતા અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચે કોઈ સંઘર્ષ થાય છે તો નિઃશંકપણે સંપ્રભુતા સર્વોપતિ હશે ખાસ કરીને ત્યારે જ્યારે દેશ વિરુદ્ધ કોઈ યુદ્ધ શરૂ કરવામાં આવ્યું હોય પછી ભલે તે ડ્રગ્સની સપ્લાયના સ્વરૂપમાં કેમ ના હોય. કારણ કે આ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને લોકોના સ્વાસ્થ્યને ખૂબ જ ગંભીર અસર કરે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં આરોપીનો ભૂતકાળનો રેકોર્ડ બતાવે છે કે તેણે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સેસ (એનડીએસ) એક્ટ હેઠળ આ પ્રકારના ગુનાઓ અગાઉ પણ કર્યા હતા. તેથી એવું કહી શકાય નહીં કે આરોપી જામીન પર હોય ત્યારે આવો ગુનો કરે તેવી શક્યતા નથી.
આરોપીએ ફક્ત એક વર્ષ અને સાત મહિના જેલમાં વિતાવ્યા છે જેને નોંધીને બેન્ચે કહ્યું કે જો તે દોષિત ઠરશે તો તેને મહત્તમ 20 વર્ષની જેલની સજા થઈ શકે છે. તેથી એવું કહી શકાય નહીં કે તેણે લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું છે, જેના આધાર પર બંધારણની કલમ 21 હેઠળ કોર્ટના હસ્તક્ષેપની જરૂર છે.
કોર્ટે કહ્યું કે જ્યારે ઘણી વખત તેણે માન્યું છે કે લાંબા સમય સુધી જેલમાં રહેવા પર બંધારણની કલમ 21 હેઠળ જામીન આપવા જોઈએ પરંતુ આ સિદ્ધાંતનો પ્રયોગ દરેક કેસમાં એક જેવો હોતો નથી. વધુમાં, તેમાં કોઈ શંકા નથી કે જામીનના હેતુ માટે 'લાંબા સમય સુધી જેલમાં રહેવું' કોને માનવામાં આવે. આ અંગે ના કોઈ કોર્ટે અને ના દેશના કાયદામાં કોઈ સ્પષ્ટ પરિભાષા આપવામાં આવી હોય.