બેઇજિંગ :મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ચીનના ભારત પ્રત્યેના સૂર બદલાયા છે. જેમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રવિવારે કહ્યું કે ભારત અને ચીને એકબીજાને હરીફ નહીં પરંતુ ભાગીદાર તરીકે જોવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે બંને દેશોએ એકબીજા પ્રત્યે ભયના બદલે અવસર તરીકે સમજવાની જરૂર છે.
આ વર્ષે ભારત બ્રિક્સની મેજબાની કરશે
ચીનની સંસદ નેશનલ પીપુલ્સ કોંગ્રેસના સત્ર દરમિયાન આયોજિત વાર્ષિક પ્રેસમાં મંત્રી વાંગ યીને જણાવ્યું કે, બંને દેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાસ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા નક્કી કરાયેલા દિશા-નિર્દેશો મુજબ સબંધોમાં આગળ વધારવા જોઇએ. ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે બંને દેશોએ બ્રિક્સ સંમેલનમાં એક બીજાનું સમર્થન કરવું જોઇએ. આ વર્ષે ભારત બ્રિક્સની મેજબાની કરશે. જ્યારે વર્ષ 2027માં ચીન આ સંમેલનની મેજબાની કરશે.
તિયાનજિનમાં થયેલી વાતચીતે સંબંધોને વધુ સુધારવામાં મદદ કરી
આ ઉપરાંત વાંગ યીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે તિયાનજિનમાં પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચેની મુલાકાત સકારાત્મક રહી હતી. તેમણે જણાવ્યું હતું કે રશિયાના કાઝાનમાં વર્ષ 2024 ની મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવી શરૂઆત કરી હતી. ત્યારબાદ તિયાનજિનમાં થયેલી વાતચીતે સંબંધોને વધુ સુધારવામાં મદદ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે તાજેતરમાં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંવાદ, ટ્રેડ અને લોકો વચ્ચેના સંપર્કોમાં વધારો થયો છે. દ્વિપક્ષીય વેપાર નવા રેકોર્ડ સુધી પહોંચ્યો છે. જેનાથી બંને દેશોના લોકોને સીધો લાભ થયો છે.
સંઘર્ષ અને વિભાજન એશિયાના વિકાસ માટે હાનિકારક
ભવિષ્યની દિશા વિશે વાત કરતા વાંગ યીએ કહ્યું કે ભારત અને ચીન, પાડોશી દેશો તરીકે, મિત્રતા જાળવી રાખે અને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે બંને દેશોએ વિકાસ અને સહયોગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે જણાવ્યું કે ભારત અને ચીન ગ્લોબલ સાઉથમાં મહત્વપૂર્ણ દેશો છે અને ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે. વાંગના મતે, પરસ્પર વિશ્વાસ અને સહયોગ બંને દેશોના વિકાસને વેગ આપી શકે છે.જ્યારે સંઘર્ષ અને વિભાજન એશિયાના વિકાસ માટે હાનિકારક રહેશે.