નવી દિલ્હી: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ની ધોરણ 8ની પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગેના પ્રકરણ બાબતે ભારતના મુખ્ય ન્યાયધીશ(CJI) એ સખત વાંધો ઉઠાવ્યો હતો. એવામાં આજે કેન્દ્ર સરકારે પાઠ્યપુસ્તકમાં આ પ્રકરણના સમાવેશ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે કહ્યું કે સરકાર ન્યાયતંત્રનને સૌથી વધુ આદર આપે છે. તેમણે કહ્યું, "અમે ન્યાયતંત્રને સર્વોચ્ચ આદર આપીએ છીએ... સરકારનો ઈરાદો ન્યાયતંત્રનો અનાદર કરવાનો ન હતો. અમે આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ, અમે ન્યાયતંત્રના આદેશોનું સંપૂર્ણ પાલન કરીશું. જે કઈ પણ થયું એ હું અત્યંત દુઃખની વાત છે અને હું અફસોસ વ્યક્ત કરું છું."
સુપ્રીમ કોર્ટે ધોરણ-8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકને વિતરણ પર રોક લગાવવા આદેશ આપ્યો હતો, બાદમાં NCERT એ પાઠ્યપુસ્તકનું વિતરણ મોકૂફ રાખ્યું હતું.
NCERT સામે તપાસ થશે:
કોર્ટના આદેશ બાદ લેવામાં એવાલા પગલાં અંગે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, "આ મામલ પર ધ્યાન ગયાની સાથે જ મેં તાત્કાલિક NCERT ને તમામ પુસ્તકો પરત ખેંચવા સૂચના આપી હતી અને ખાતરી કરી કે પાઠ્યપુસ્તક ચલણમાં ન જાય. NCERT સામે તપાસ શરુ કરવામાં આવશે, આ પ્રકરણ તૈયાર કરવામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. હું ન્યાયતંત્રને ખાતરી આપવા ઈચ્છું છું કે ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહીં થાય."
CJI લાલધૂમ:
અગ્રેજી ભાષાનાએ એક પ્રમુખ અખબારમાં આ પ્રકરણનો ઉલ્લેખ કર્યા બાદ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે નારજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સુઓ મોટો લઇને સુનાવણી શરુ કરી હતી.
સુનાવણી દરમિયાન CJI એ કહ્યું, "હું કોઈને પણ ન્યાયતંત્રની અખંડિતતાને કલંકિત કરવા અને સંસ્થાને બદનામ કરવા નહીં દઉં. ભલે તે ગમે તેટલા ઊંચા હોદા પર હોય, કાયદો પોતાનું કામ કરશે.”