Sun Oct 04 2026

Logo

રિલાયન્સ કોમ્યુનિકેશન લોન ફ્રોડ કેસમાં સીબીઆઈએ બે અધિકારીઓની ધરપકડ કરી

2026-04-20 20:55:52
Author: Chandrakant Kanoja
રિલાયન્સ કોમ્યુનિકેશન લોન ફ્રોડ કેસમાં સીબીઆઈએ બે અધિકારીઓની ધરપકડ કરી

નવી દિલ્હી: રિલાયન્સ કોમ્યુનિકેશન લોન ફ્રોડ કેસમાં સીબીઆઈએ  મોટી કાર્યવાહી કરીને કંપનીના બે સીનિયર  અધિકારીઓની ધરપકડ કરી છે. સીબીઆઈએ  ડી. વિશ્વનાથ અને અનિલ કાલ્યાની ધરપકડ કરી છે. આ બંને અધિકારીઓ પર નાણાકીય ગેરરીતિ  અને બેંકોમાંથી મેળવેલા હજારો કરોડ રૂપિયાના લોન સાથે સંકળાયેલા ભંડોળના દુરુપયોગનો આરોપ છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. 

રૂપિયા 19,694 કરોડથી વધુનું નાણાકીય નુકસાન 

આ લોન ફ્રોડ કેસની વિગત મુજબ  રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના સહયોગીઓની કથિત છેતરપિંડીથી એસબીઆઇને  અંદાજે  રૂપિયા 2,929 કરોડનું નુકસાન થયું છે. આ દરમિયાન, 17 જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓને સામૂહિક રીતે  રૂપિયા 19,694 કરોડથી વધુનું નાણાકીય નુકસાન થયું છે.

ડી. વિશ્વનાથ કંપનીના બેંકિંગ કામગીરીનું સંચાલન કરતા

તેમજ  તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીએ શેલ એન્ટિટી દ્વારા શંકાસ્પદ વ્યવહારો કર્યા હતા અને સેવા વ્યવહારો બનાવટી બનાવીને ભંડોળને ડાયવર્ટ કર્યું હતું. સીબીઆઇના જણાવ્યા મુજબ ડી. વિશ્વનાથ કંપનીના બેંકિંગ કામગીરીનું સંચાલન કરતા હતા.જ્યારે અનિલ કાલ્યાએ આ યોજનામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ  બંને આરોપી વ્યક્તિઓને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી છે. આ મામલાની તપાસ હાલમાં ચાલુ છે. ઉલ્લેખનીય  છે કે સીબીઆઇ એ અગાઉ અનિલ અંબાણી ગ્રુપ સાથે જોડાયેલા અન્ય ઘણા કેસોમાં કેસ નોંધ્યા છે.