Sun Oct 04 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 10 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-10 07:37:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 10 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો

Live Updates

2026-09-10 22:00:38

મહારાષ્ટ્રના નાંદેડમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, છ લોકોના ઘટના સ્થળે જ મોત

 

મહારાષ્ટ્રના નાંદેડમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. તેમજ આઠ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ટ્રક અને વાન વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

2026-09-10 21:37:43

શેફાલી 10 દિવસમાં બીજી વખત 64 રન પર આઉટ

ભારતની શેફાલી વર્મા દુબઈમાં ટી-20 એશિયા કપની બાંગ્લાદેશ સામેની સેમિ ફાઇનલમાં ભારતને થોડી સન્માનજનક સ્થિતિમાં મૂક્યા બાદ 64 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ હતી. તેણે 40 બૉલની ઇનિંગ્સમાં ત્રણ છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા. 10 દિવસ પહેલાં થાઇલૅન્ડ સામે પણ તેણે 64 રન બનાવીને વિકેટ ગુમાવી હતી. જોકે એ મૅચમાં તે પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી હતી. આજે બાંગ્લાદેશ સામે તેની વિકેટ વખતે ભારતનો સ્કોર 13.5 ઓવરમાં 3/92 હતો. 16મી ઓવરને અંતે ભારતનો સ્કોર 3/107 હતો.

2026-09-10 20:47:46

મહિલા એશિયા કપમાં ભારતે 59 રનમાં બે વિકેટ ગુમાવી, પણ શેફાલી અડીખમ

દુબઈમાં ભારતને મહિલાઓના ટી-20 એશિયા કપની સેમિ ફાઇનલમાં પ્રથમ બૅટિંગ મળ્યા બાદ બીજી ઓવરમાં માત્ર નવ રનના સ્કોર પર વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (બે રન)એ વિકેટ ગુમાવી હતી, પરંતુ ત્યાર પછી શેફાલી વર્મા (34 નૉટઆઉટ) અને પ્રતીકા રાવલ (20 રન) વચ્ચે 50 રનની ભાગીદારી થઈ હતી. જોકે 59મા રને પ્રતીકાની બીજી વિકેટ પડતાં ભારતીય ટીમ વધુ મુશ્કેલીમાં મુકાઈ હતી, કારણકે બાંગ્લાદેશની અસરદાર બોલિંગ સામે ભારતીય ટીમ નવ ઓવરમાં ફક્ત છથી સાડાછની સરેરાશે જ રન બનાવી રહી છે. બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકારનાર શેફાલી સાથે કૅપ્ટન હરમનપ્રીત કૌર જોડાઈ હતી. બાંગ્લાદેશની સુલતાના ખાતુન અને રબેયા ખાને એક-એક વિકેટ લીધી હતી.

2026-09-10 19:27:42

સોનમ વાંગચુકે લદ્દાખ મુદ્દે આંદોલન કરવાની જાહેરાત કરી

સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે ફરી એકવાર આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે.  તેમણે જણાવ્યું હતું કે જો સરકાર લદ્દાખ અંગેની તમામ માંગણીઓ  નહીં સ્વીકારે તો તેઓ 19 સપ્ટેમ્બરથી 24  સપ્ટેમ્બર દરમિયાન નવું આંદોલન શરૂ કરશે.

2026-09-10 18:51:43

બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ થશે, તૈયારીઓ આખરી તબક્કામાં

નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનારી 18 મી  બ્રિક્સ (BRICS) સમિટ માટે તૈયારીઓ આખરી તબક્કામાં છે. જેમાં મળતી માહિતી મુજબ ચીનના  ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ  પણ સમિટમાં સામેલ થશે. આ અંગે ચીનના વિદેશ મંત્રાલયે સત્તાવાર પૃષ્ટિ કરી છે.

2026-09-10 18:51:12

IRCTC મની લોન્ડરિંગ કેસમાં લાલુ યાદવ અને પરિવારને આંચકો, ચાર્જ ફ્રેમ કરાયા

આરજેડી નેતા અને તેમના પરિવારને આઇઆરસીટીસી  મની લોન્ડરિંગ કેસમાં આંચકો લાગ્યો છે. જેમાં દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં  લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, રાબડી દેવી, સરલા ગુપ્તા, લારા પ્રોજેક્ટ્સ અને સુજાતા હોટેલ્સ સહિતના નવ આરોપીઓ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કર્યા છે.

2026-09-10 16:32:11

સાયબર ઠગોએ છેતરપિંડી માટે ઉપયોગ કર્યો પ્રિયંકા ગાંધીનો અવાજ, સ્કેમ એલર્ટ જાહેર

દેશમાં સતત સાયબર ફ્રોડના કેસ  વધી રહ્યા છે. જેમાં હવે સાયબર ઠગો કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના નામ અને અવાજનો ઉપયોગ કરી રહ્યા છે. જેના પગલે પ્રિયંકા ગાંધીના કાર્યાલયે  ઇન્સ્ટાગ્રામ પર 'સ્કેમ એલર્ટ' જાહેર કર્યું છે.

2026-09-10 16:31:37

ભારત પાસે 190 પરમાણુ બોમ્બઃ રિપોર્ટમાં મોટો ખુલાસો

ભારત તેના અણુ હથિયારોમાં નિરંતર વધારો કરી રહ્યું છે. એના સંદર્ભે ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સમાં ભારતના પરમાણુ હથિયારો અંગે નવો રિપોર્ટ જારી કર્યો છે, જેમાં ભારતે 190 સુધી પરમાણુ વોરહેડ તૈયાર કર્યાં છે.

2026-09-10 16:00:08

ઇસરોને મળી મોટી સફળતા, સીઇ20 એન્જિનનું સફળ પરીક્ષણ

ઇસરોને ખાનગીકરણની ચર્ચાઓ વચ્ચે  મોટી સફળતા મળી છે. જેમાં સીઇ20 ક્રાયોજેનિક એન્જિનના 220 કેએનના વધેલા થ્રસ્ટ સ્તર પર 'ફ્લાઇટ એક્સેપ્ટન્સ હોટ ટેસ્ટ' સફળતાપૂર્વક હાથ ધર્યો હતો. જેના લીધે LVM3 લોન્ચ વ્હીકલની પેલોડ ક્ષમતા વધારવામાં અને ગગનયાન કાર્યક્રમને આગળ વધારવામાં મદદ મળશે.

2026-09-10 15:27:05

બ્રિક્સ સમિટમાં પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાવાની શક્યતા

ભારતમાં  યોજાનારી બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવે તેવી શકયતા છે. આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે  દ્વિપક્ષીય બેઠક યોજાવાની શક્યતા છે. ગલવાન ઘાટીમાં વર્ષ 2020માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ પ્રથમ મુલાકાત હશે. જોકે, આ અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.

2026-09-10 14:23:53

રાજકોટ લોધિકા સંઘ ચૂંટણી: ભાજપમાં બળવાખોરો સામે એક્શનની માંગ

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી કરનારા વિજય સખિયા, જયેશ બોઘરા, વિજય કોરાટ અને ભૂપતસિંહ જાડેજા સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને આ અંગે પત્ર લખ્યો છે.

2026-09-10 14:03:07

ઉપલેટામાં દોઢ મહિનાના વિરામ બાદ વરસાદ

ઉપલેટામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. શહેરમાં દોઢ મહિનાના વિરામ બાદ  વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

2026-09-10 11:11:30

અમદાવાદની બે જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી

અમદાવાદ શહેરમાં  ફરી એક વખત બે સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલ અને બોપલની DPS સ્કૂલ અને થલજેતની ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો મેઈલ મળ્યો છે. પોલીસે બંને સ્કૂલોમાં પહોંચીને તપાસ શરૂ કરી છે.

2026-09-10 07:54:00

ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી બાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં ગઈકાલે રાત્રે નિર્માણાધીન બોસ્કી ધ એમ્પાયર કોમર્શિયલ મોલનો એક ભાગ ધરાશાયી થયો હતો. જે બાદ આજે સવારે પણ બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મોડી રાત્રે સ્થળની મુલાકાત લીધી હતી.

2026-09-10 07:41:56

રાજ્યમાં 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જામનગરના ધ્રોલમાં સૌથી વધુ 2.33 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરના મહુવામાં 0.94 ઇંચ, કચ્છના અબડાસામાં 0.63 ઇંચ, ભાવનગરના જેસરમાં 0.63 ઇંચ, અમરેલીના જાફરાબાદમાં 0.24 ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસતાં ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો.