Thu Oct 01 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 30 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-30 07:09:17
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 30 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-09-30 22:02:58

ગિલનો ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરીનો વિશ્વવિક્રમ

શુભમન ગિલે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડેમાં 117 બૉલમાં 200 રન પૂરા કર્યા હતા. આ તેની બીજી ડબલ સેન્ચુરી તેમ જ વિશ્વભરના વન-ડે બૅટ્સમેનોમાં ફાસ્ટેસ્ટ છે. તેણે ઇશાન કિશન (126 બૉલમાં 200 રન)નો રેકૉર્ડ તોડ્યો છે. ગ્લેન મૅક્સવેલે 128 બૉલમાં ડબલ સેન્ચુરી પૂરી કરી હતી. ભારતે 60 બૉલમાં 34 રન બનાવવાના બાકી હતા ત્યારે 203 રન પર રમી રહ્યો હતો જેમાં સાત છગ્ગા અને 24 ચોગ્ગા સામેલ હતા. તેની સાથે ગાયકવાડ 23 રને રમી રહ્યો હતો. ત્યારે ભારતનો સ્કોર 2/372 હતો. રોહિત 101 રન અને કોહલી 29 રન બનાવીને આઉટ થયો હતો.

2026-09-30 21:01:56

રોહિત-ગિલની જોડીએ કૅરિબિયન બોલર્સની ખબર લઈ નાખી

ભારત સામે સિરીઝની બીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝે પહેલી વખત 400 રન બનાવ્યા છતાં એના જીતવાની સંભાવના ઓછી છે, કારણકે શુભમન ગિલ (142 નૉટઆઉટ, 83 બૉલ, છ છગ્ગા, સત્તર ચોગ્ગા) અને રોહિત શર્મા (101 રન, 75 બૉલ, છ છગ્ગા, દસ ચોગ્ગા)ની જોડીએ બધા જ કૅરિબિયન બોલર્સની ખબર લઈ નાખી. રોહિત સેન્ચુરી પૂરી કર્યા પછી આઉટ થયો હતો. પ્રવાસી ટીમના છ બોલર 26મી ઓવર સુધીમાં બેમાંથી કોઈને પણ આઉટ નહોતા કરી શક્યા. 26 ઓવરને અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 254 હતો અને 24 ઓવરમાં 152 રન બનાવવાના બાકી હતા. છેક 27મી ઓવરમાં રોહિતની વિકેટ પડી હતી.

2026-09-30 19:56:53

406 રનના લક્ષ્યાંક સામે ભારતની સંગીન શરૂઆત, 14 ઓવરમાં વિના વિકેટે 121 રન

ગુવાહાટીમાં વેસ્ટ ઇન્ડિઝે સિરીઝની બીજી વન-ડેમાં 50 ઓવરમાં સાત વિકેટે 405 રન બનાવ્યા ત્યાર બાદ ભારતે સાવચેતી સાથે આક્રમક શરૂઆત કરી છે પહેલી 14 ઓવરમાં વિના વિકેટે 121 રન બનાવ્યા. એમાં રોહિત શર્મા (69 નૉટઆઉટ, 50 બૉલ, પાંચ છગ્ગા, સાત ચોગ્ગા)નું સૌથી મોટું યોગદાન છે અને કૅપ્ટન શુભમન ગિલ (47 નૉટઆઉટ, 37 બૉલ, એક છગ્ગો, છ ચોગ્ગા)નો પણ મહત્ત્વનો ફાળો છે. કૅરિબિયન ટીમના 405 રનમાં જૉન કૅમ્પબેલ (101), શાઈ હોપ (104 રન) અને આમિર જાંગુ (114 રન)ની સદી સામેલ હતી.

2026-09-30 19:50:32

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત

મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા તણાવ વચ્ચે પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત થઇ છે. આ માહિતી ખૂબ પીએમ મોદીએ એક્સ પર શેર કરી છે.

2026-09-30 18:52:50

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છલકાયો, સીએમ ભૂપેન્દ્ર પટેલે નીરના વધામણા કર્યા

ગુજરાતમાં  જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ 138. 68  મીટરે પહોંચી છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  નર્મદાના પાવન જળના સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી કર્યા હતાં.

2026-09-30 18:25:45

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને રણનીતિ બદલી, આતંકી કેમ્પોની ડિઝાઇન બદલી

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો હતો. જેમાં મોટા ભાગના આતંકી કેમ્પોનો નાશ કર્યો હતો. તેની બાદ હવે પાકિસ્તાને રણનીતિ બદલી છે. તેમજ પીઓકેમાં હવે આતંકી કેમ્પોની ડિઝાઇન બદલી  છે.

2026-09-30 17:36:37

ભારતની બે સેન્ચુરી સામે કૅરિબિયનોનો ત્રણ સદી સાથે વળતો જવાબ

ગુવાહાટીમાં ભારત સામે વન-ડે સિરીઝની બીજી મૅચમાં ઓપનર જૉન કૅમ્પબેલ (101 રન) પછી કૅપ્ટન શાઈ હોપ (104 રન) અને આમિર જાંગુ (101 નૉટઆઉટ)એ પણ સદી ફટકારીને રવિવારની પ્રથમ મૅચની બે ભારતીયની સેન્ચુરીનો વળતો જવાબ આપ્યો છે. રવિવારે કુલદીપ યાદવની ચાર વિકેટ બાદ કોહલી (139 અણનમ) અને ગિલ (110 રન)ની મોટી ઇનિંગ્સેે ભારતની જીત આસાન બનાવી હતી. જોકે આજે વેસ્ટ ઇન્ડિઝ તોતિંગ ટોટલ તરફ આગળ વધી રહ્યું છે. 42મી ઓવરને અંતે પ્રવાસી ટીમનો સ્કોર ચાર વિકેટે 347 રન હતો. ભરોસાપાત્ર બૅટ્સમૅન શેરફેન રુધરફર્ડ ઝીરોમાં આઉટ થયો હતો. ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારે બે વિકેટ તેમ જ કુલદીપ અને ક્રિષ્નાએ એક-એક વિકેટ લીધી છે.

2026-09-30 17:35:41

મોદી કેબિનેટમાં ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા, રવિ પાકોના ટેકાના ભાવમાં વધારો

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ત્રણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખેડૂતોને રાહત આપતા રવિ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટમાં રૂપિયા  2.79 કરોડના ત્રણ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે.

2026-09-30 17:13:10

ચૂંટણી પંચ વિરુદ્ધ ઇન્ડી ગઠબંધન વિરોધ પ્રદર્શન કરશે, 6 ઓકટોબરના રોજ રેલી

દેશમાં ચૂંટણી પંચ વિરુદ્ધ SIR અને વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ અને અન્ય પક્ષો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમજ સીઇસી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે ઇન્ડી ગઠબંધન પણ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. તેમજ 2 ઓકટોબરથી 8 માર્ચ સુધી જિલ્લા સ્તરે પ્રદર્શન કરશે. તેમજ 6 ઓકટોબરના રોજ તમામ પક્ષ માર્ચ ટુ ઇલેક્શન કમિશન કરશે.

2026-09-30 16:21:11

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું મોંધુ થયું, EB-5 પ્રોગ્રામ ફીમાં વધારો, ભારતીયોને અસર

અમેરિકાએ રોકાણ મારફતે ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છતા ભારતીયોને આંચકો આપ્યો છે. જેમાં અમેરિકાના સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસે EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ' માટે ફીમાં નોંધપાત્ર વધારાને મંજૂરી આપી છે. આ નવા નિયમો 30 નવેમ્બરથી અમલી થશે.

2026-09-30 15:45:29

કૅમ્પબેલે સેન્ચુરી પછી વિકેટ ગુમાવી, વેસ્ટ ઇન્ડિઝના બે વિકેટે 156

ગુવાહાટીમાં ભારત સામેની બીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં બે વિકેટે 158 રન બનાવ્યા હતા. આક્રમક ઓપનર જૉન કૅમ્પબેલ (101 રન, 68 બૉલ, પાંચ છગ્ગા, નવ ચોગ્ગા) ટી-20 મૅચ જેવી ઇનિંગ્સ રમ્યો હતો અને સેન્ચુરી પૂરી કર્યા પછી તરત જ આઉટ થયો હતો. 26 વર્ષીય ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારે તેની વિકેટ લીધી હતી. નમન ધીરે ડીપ મિડવિકેટ પરથી ડાબી દિશામાં દોડીને તેનો કૅચ ઝીલી લીધો હતો. એ પહેલાં, ક્રિષ્નાના બૉલમાં વિકેટ ગુમાવનાર ઓપનર કીસી કાર્ટી (નવ રન)નો કૅચ પણ નમન ધીરે પૉઇન્ટ પર ઝીલ્યો હતો. કૅપ્ટન શાઇ હોપ 31 રન પર રમી રહ્યો હતો.

2026-09-30 14:12:03

દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઈરાદો નથીઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે દેશભરમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો તેનો કોઈ ઈરાદો નથી. કોર્ટે જણાવ્યું કે દિવાળીનો તહેવાર લોકોની લાગણીઓ સાથે જોડાયેલો છે અને તેને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી શકાય નહીં.

2026-09-30 12:45:30

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટ હાઇજેક થયાની આશંકા

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટ હાઇજેક થયાની આશંકા છે. ફ્લાઇટને ઇમર્જન્સી સિગ્નલ મળ્યું છે. જે બાદ ફ્લાઇટને સાઉદી અરેબિયા ડાયવર્ટ કરાઈ છે.

2026-09-30 09:48:16

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લકઝરી બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 5ના મોત

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે.  લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

2026-09-30 09:39:58

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડને મળી મોટી સફળતા

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડને વધુ એક મોટી સફળતા મળી છે. બંનેના સયુંકત ઓપરેશને 5 પાકિસ્તાનીઓ સાથે 3 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપી પાડયું છે.

2026-09-30 08:59:35

ગીર ગઢડા પાસે ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

ગીર સોમનાથમાં ગીર ગઢડા પાસે ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ST બસના ડ્રાઇવર સહિત 2ના મોત થયા હતા. ૩ની હાલત ગંભીર છે.

2026-09-30 07:50:07

એશિયન ગેમ્સમાં ભારતને મળ્યો સાતમો ગોલ્ડ

એશિયન ગેમ્સમાં ભારતે આજની શરૂઆત ગોલ્ડ મેડલ સાથે કરી છે. તીરંદાજીમાં ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યોતિ સુરેખા, પૃથિકા પ્રદીપ અને ચિખિતા તનિપર્થીની ત્રિપુટીએ ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. ભારતે ફાઇનલમાં ચીનને ચાર પોઇન્ટના અંતરથી હરાવ્યું હતું. ભારતીય ટીમે 238 નો સ્કોર કર્યો હતો, જ્યારે ચીનનો સ્કોર 234 રહ્યો હતો.

2026-09-30 07:12:02

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, સીએમ કરશે વધામણા

નર્મદા ડેમ છલોછલ ભરાવાની આડે હવે માત્ર 8 સેન્ટીમીટર બાકી છે, ત્યારે તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે ઓછા વરસાદ વચ્ચે પણ સરદાર સરોવર નર્મદા ડેમ નર્મદા નીરોથી છલોછલ થવાની તૈયારીમાં છે, જેને લઈને રાજ્યભરમાં ખુશીની લહેર છવાઈ છે. આ ભગીરથ સિદ્ધિ અને જળ સંચયના વધામણા કરવા માટે આજે બપોરે 4:00 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહીને નર્મદા નીરના વધામણા કરશે.