દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
`સાફ' વિમેન્સ ફૂટબૉલમાં ભારતનું છઠ્ઠું ટાઇટલ
મડગાંવમાં સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન (સાફ)ની મહિલાઓની ચૅમ્પિયનશિપમાં શનિવારે ભારતે બાંગ્લાદેશને 3-1થી હરાવીને છઠ્ઠી વખત ટાઇટલ જીતી લીધું હતું. જોકે સાત વર્ષમાં ભારતીય મહિલા ટીમનું આ પ્રથમ ટાઇટલ છે. ભારત વતી પ્યારી ક્સાક્સા, સૅન્ફિદા અને લીન્ડા સેર્ટોએ એક-એક ગોલ કર્યો હતો.
અન્ડર-18 હૉકીમાં ભારત ચૅમ્પિયનઃ ખેલાડીઓ માટે ઇનામ જાહેર
જાપાનમાં હૉકીની રમતમાં મેન્સ અન્ડર-18 એશિયા કપ ટાઇટલ પર ભારતે કબજો કરી લીધો છે. ભારતીય ટીમે ફાઇનલમાં યજમાન જાપાનને 4-1થી પરાજિત કર્યું હતું. ચારમાંથી ત્રણ ગોલ આશિષ પુરતીએ કર્યા હતા અને એક ગોલ કૅપ્ટન કેતન કુશવાહાએ કર્યો હતો. હૉકી ઇન્ડિયાએ ભારતની ગોલ્ડ મેડલ વિજેતા ટીમના પ્રત્યેક ખેલાડીને ત્રણ લાખ રૂપિયાનું અને સપોર્ટ સ્ટાફના દરેક મેમ્બરને 1.5 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. દરમ્યાન મહિલા વર્ગમાં ભારતની અન્ડર-18 ટીમ બ્રૉન્ઝ જીતી છે અને આ ટીમની દરેક ખેલાડીને એક લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના પ્રત્યેક મેમ્બરને 50,000 રૂપિયા આપવામાં આવશે.
રશિયાની મિરા ઍન્ડ્રીવા ફ્રેન્ચ ઓપન જીતનાર શારાપોવા પછીની પ્રથમ રશિયન
પૅરિસમાં રશિયાની મિરા ઍન્ડ્રીવાએ શનિવારે ફ્રેન્ચ ઓપન ટેનિસની ફાઇનલમાં પોલૅન્ડની મૅયા શ્વાલિન્સ્કાને 6-3, 6-2થી હરાવીને પ્રથમ વખત ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતી લીધું હતું. મિરા આ પ્રતિષ્ઠિત ટાઇટલ જીતનાર તેના દેશની મારિયા શારાપોવા પછીની પ્રથમ રશિયન મહિલા પ્લેયર છે. શારાપોવા 2014માં આ ટાઇટલ જીતી હતી. એટલું જ નહીં, 19 વર્ષની મિરા આ ચૅમ્પિયનશિપની છેલ્લાં 34 વર્ષની યંગેસ્ટ ખેલાડી પણ છે. જોકે તે મોનિકા સેલીસ પછી બીજા નંબરે છે. સેલીસે 1992માં 18 વર્ષની ઉંમરે આ ટ્રોફી જીતી લીધી હતી.

લૉર્ડસ ટેસ્ટમાં વરસાદના વિઘ્ન વચ્ચે ન્યૂ ઝીલૅન્ડ પર પરાજય તોળાય છે
ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે લૉર્ડસમાં સિરીઝની પ્રથમ ટેસ્ટના પહેલા અઢી દિવસમાં બોલર્સનું (ખાસ કરીને પેસ બોલર્સનું) શાસન રહ્યું, પરંતુ મેઘરાજાએ પણ નડવાનું બાકી નથી રાખ્યું અને આજના ત્રીજા દિવસે વરસાદનું વિઘ્ન શરૂ થયું ત્યાં સુધીમાં ન્યૂ ઝીલૅન્ડે 254 રનના લક્ષ્યાંક સામે માત્ર પંચાવન રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. કૅપ્ટન ટૉમ લૅથમ, વિલ ઑ'રુરકે અને ડેરિલ મિચલ ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠા હતા. ડેવૉન કૉન્વે પંચાવન બૉલમાં બનેલા 19 રને અને ટૉમ બ્લન્ડેલ બે રને રમી રહ્યો હતો. ગસ ઍટક્નિસન અને ઑલી રૉબિન્સને બે-બે વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં ઇંગ્લૅન્ડના 140 રનના જવાબમાં ન્યૂ ઝીલૅન્ડ 113 રનમાં આઉટ થઈ ગયું હતું. બીજા દાવમાં ઇંગ્લૅન્ડે 226 રન બનાવ્યા હતા.

રાહુલ પછી ગિલની પણ સેન્ચુરી
ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુર શહેરમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં પ્રારંભિક દિવસે ભારત પ્રથમ દાવમાં સ્થિતિ એટલી બધી મજબૂત કરી રહ્યું છે કે એક દાવથી મૅચ જીતી શકાશે એવી સંભાવના છે. કેએલ રાહુલ 100 રન બનાવીને આઉટ થયો ત્યાર બાદ કૅપ્ટન શુભમન ગિલે પણ સેન્ચુરી પૂરી કરી છે. ગિલની આ 11મી ટેસ્ટ-સદી છે. આખા દિવસમાં નિયમ મુજબ કુલ 90 ઓવર બોલિંગ કરવામાં આવશે અને 83મી ઓવરને અંતે ભારતનો સ્કોર 3/358 હતો. ગિલ સાથે રિષભ પંત 43 રને રમી રહ્યો હતો.

ટેસ્ટમાં પંતનો ટી-20 જેવો મિજાજઃ પાંચ બૉલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા
વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટના પ્રારંભિક દિવસે અસલ મિજાજમાં રમ્યો અને આઇપીએલનો મૂડ હજી ઓસર્યો ન હોય એ રીતે રમ્યો હતો. તેણે ઑફ સ્પિનર અબ્દુલ મલિકની એક ઓવરમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. પંત આઇપીએલમાં ધમાકેદાર નહોતો રમ્યો, પણ હવે તે કૅપ્ટન્સીના બોજમાં નથી રમી રહ્યો એટલે મુક્ત મનથી રમે છે અને એમાં તેણે અબ્દુલની ઓવરના પહેલા, ચોથા અને પાંચમા બૉલમાં સિક્સર ફટકારી દીધી હતી. 70મી ઓવરને અંતે ભારતનો પ્રથમ દાવનો સ્કોર 3/311 હતો. પંત 27 રને અને કૅપ્ટન 69 રને દાવમાં હતો.

કેએલ રાહુલ 100 રન પૂરા કર્યા પછી આઉટ, ભારતના ત્રણ વિકેટે 273
અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે ટી-બે્રક પછી ઇનિંગ્સ વધુ મજબૂત કરી હતી અને 63મી ઓવરને અંતે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 273 રન હતો. 247 રનના કુલ સ્કોર પર ઓપનર કેએલ રાહુલ (100 રન, 165 બૉલ, 11 ફોર) 12મી ટેસ્ટ-સદી પૂરી કરીને આઉટ થયો હતો. પેસ બોલર ઝિયાઉર રહમાનના બૉલમાં તે શૉર્ટ એક્સ્ટ્રા કવર પર રહમનુલ્લા ગુરબાઝના હાથમાં કૅચઆઉટ થયો હતો. શુભમન ગિલ 61 રને રમી રહ્યો હતો અને તેની સાથે વિકેટકીપર રિષભ પંત બે રને દાવમાં હતો. એ પહેલાં, રાહુલ-સુદર્શન વચ્ચે 139 રનની ભાગીદારી થઈ હતી. સુદર્શન 81 રને આઉટ થતાં પ્રથમ ટેસ્ટ સેન્ચુરીથી વંચિત રહી ગયો હતો.

ટેસ્ટ મૅચ: સુદર્શન 81 રન પર આઉટ, રાહુલ 81 રને નૉટઆઉટ
ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટના પહેલા દિવસે ભારતે ટી-ટાઈમ સુધીમાં બે વિકેટે 209 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શન 81 રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે ઓપનર કેએલ રાહુલ ચાનાં વિશ્રામનાં સમયે 81 રન પર રમી રહ્યો હતો. તેની સાથે કેપ્ટન શુભમન ગિલ 20 રન પર દાવમાં હતો. રાહુલ અને સુદર્શન વચ્ચે બીજી વિકેટ માટે 139 રનની ભાગીદારી થઈ હતી. યશસ્વી (24 રન) અને સુદર્શન, બંનેની વિકેટ ફાસ્ટ બોલર મોહમ્મદ સલીમે લીધી હતી.

મુંબઈમાં ક્રિકેટ સિલેક્ટરોની મીટિંગ ચાલી રહી છે
બીસીસીઆઈના સેક્રેટરી દેબાજિત સૈકિયાની ઉપસ્થિતિમાં અને ચીફ સિલેક્ટર અજિત આગરકરના અધ્યક્ષ સ્થાનમાં મુંબઈમાં સિલેક્શન કમિટીની મીટિંગ શરૂ થઈ ચૂકી છે. આ બેઠકમાં ભારતીય ક્રિકેટરોના આગામી આયર્લેન્ડ તથા ઇંગ્લૅન્ડ પ્રવાસ માટેની ટીમો સિલેક્ટ કરવામાં આવશે. એ ઉપરાંત, આ વર્ષે જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટેની ટીમ તેમ જ શ્રીલંકાના પ્રવાસ માટેની ઇન્ડિયા-એ ટીમ પણ નક્કી કરવામાં આવશે.
